Get The App

એક નઈ સુબહ મેં કયુ તુફાંસે ડરું, મેરા સાહીલ ખુદ ખુદા હૈ

Updated: Feb 11th, 2025


Google News
Google News
એક નઈ સુબહ મેં કયુ તુફાંસે ડરું, મેરા સાહીલ ખુદ ખુદા હૈ 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- સુખપાલી થોર રણમાં આવેલા નેશનલ પાર્કમાં ખાસ પક્ષીઓ અને તેમાં 'ગ્રેટ ઈન્ડીયન બર્ડ' 'ઘોરલ' પક્ષીનું રક્ષણ કરે છે

ત મારી આજુબાજુ અફાટ રણ હોય. દૂર દૂર નજર જાય ત્યાં સુધી, રેતીના ઢગલા જ દેખાય. સામાન્ય ઝાડ-ઝાંખરા પણ ભાગ્યે જ દેખાય. બસ રેત જ રેત. કોઈ માણસ પણ નજરે ના ચડે આવી વેરાન અને સુમસામ જગ્યામાં, રણમાં કોઈ સ્ત્રી ગાર્ડ તરીકે કામ કરી શકે ખરી ?

આનો જવાબ નીચેની વાતમાંથી મળી જશે.

'કોઈ પણ મહિલા ટ્રેનીંગ લીધા પછી રણ વિસ્તારમાં ગાર્ડ તરીકે જવા તૈયાર હોતી નથી. તેઓને ક્યાં તો ઓફિસમાં ક્યાં તો નરસરીમાં પોસ્ટીંગ જોઈએ છે. પરંતુ મેં રણવિસ્તારમાં ગાર્ડ તરીકે રહેવાની હિમ્મત કરી. કારણ કે કોઈ કામ અઘરું જરૂર હોય છે પણ અશક્ય હોતું નથી. શરૂઆતમાં રણ વિસ્તારની નોકરી થોડી કઠીન લાગી પણ હવે તે મારું ઘર થઈ ગયું છે. 'આ શબ્દોમાં ઉપરના સવાલનો જવાબ આવી જાય છે.

જવાબ આપનાર મહિલા છે ભારતની પ્રથમ મહિલા કોસ્ટ ગાર્ડ (વનરક્ષક) સુખપાલી પનવર. જેસલમેર અને બાડમેરથી દૂર આવેલા થોરના રણમાં સુખપાલી 'ડેર્સ્ટ નેશનલ પાર્ક (DNP) 'સુડાસુરી' બર્ડ સેનચ્યુરી અને વાઈલ્ડ લાઈફના વનરક્ષક તેમજ થોર રણવિસ્તારના ગાર્ડ તરીકે કામ કરે છે.

આ પ્રકારનું, રણમાં કામની શરૂઆત કરનારી સુખપાલી ભારતની પ્રથમ મહિલા છે. સંપૂર્ણ પુરૂષપ્રધાન, વ્યવસાયની સીલીંગ, સુખપાલીએ તોડી છે, અને ભારતની મહિલાઓ માટે એક 'નઈસુબહ'ની શરૂઆત કરી છે.

સુખપાલી પનવર આટલા કઠીન અને અઘરા વ્યવસાયમાં કઈ રીતે પ્રવેશી તે ફોકસ માગી લે છે.

સુખપાલી સામાન્ય કુટુંબમાંથી આવનાર મહિલા છે. તેણે બીએડ કર્યું અને પછી પોલીટીકલ સાયન્સ અને હિન્દી સાથે એમએ કર્યું. તેની ઇચ્છા શિક્ષિકા થવાની હતી આથી તેણે શિક્ષિકા બનવાની સ્પર્ધાત્મક અને એનટ્રન્સ પરીક્ષા આપી. પરંતુ તેના માર્કસ શિક્ષિકા બનવા માટે ઓછા પડયા. આથી તે શિક્ષિકા તરીકે પસંદગી ના પામી શકી. કુટુંબની આર્થિક સ્થિતિને પ્હોંચી વળવા માટે નોકરી અત્યંત આવશ્યક હતી. આ દરમિયાન થોર જાહેર રણમાં ગાર્ડની ડીએનપી સંકુલ માટે જાહેર ખબર આવી. સુખપાલીએ તાત્કાલીક અરજી કરી અને તે પરીક્ષા આપ્યા પછી તે પસંદગી પામી. તેણે આ પોસ્ટ માટેની ટ્રેનીંગ લીધી અને તેનું પોસ્ટીંગ થોરના રણમાં આવેલા 'DNP'માં થયું. અહીં કોઈ સ્ત્રી ગાર્ડ હતી નહિ. રણમાં ગાર્ડ તરીકે ફરજ બજાવવી તે પણ અશક્ય લાગતી વાત હતી, પણ સુખપાલી પનવરે તે શક્ય બનાવી. જાણે કહેતી હોય કે,

'મેં ક્યું તૂફાંસે ડરું,

મેરા સાહિલ મેં ખુદ ઓર ખુદા હૈં.'

રાજસ્થાનના ગામડાઓમાં હજુ સ્ત્રીઓની દશા અત્યંત જૂનવાણી રીવાજોથી જકડાયેલી અને પછાત છે. બાળવિવાહ, દહેજ, દાવરી, છોકરીઓના ભૂ્રણપાત એ બદીઓએ હજુ કેડો મૂક્યો નથી.  અહીં સ્ત્રી એટલે એક પગલું પુરૂષથી પાછળ. આટલી કઠીન પરિસ્થિતિમાં, સુખપાલીએ થોરના રણમાં જ્યાં કોઈ સ્ત્રીઓ નોકરી કરતી નહતી, ફક્ત પુરૂષવર્ગની જ હાજરી હતી, એ વાતાવરણમાં રણ વિસ્તારના ગાર્ડ અને વનરક્ષક તરીકેની નોકરી શરૂ કરી.

૩૦ વર્ષીય સુખપાલી જણાવે છે કે હું જ્યારે સવાર, સાંજ ને બપોર ત્રણે સમય પર પેટ્રોલીંગ કરતી ત્યારે મારી સાથે આજુબાજુના કોસ્ટગાર્ડ તરીકે ફક્ત પુરૂષો જ હતા. અમારી 'સુડાસરી' ડર્સ્ટ નેશનલ પાર્કની ફરજ ચોવીસ કલાક હોય છે અમારે ત્રણસો પાંસઠ દિવસ ફરજ ત્રણ ટાઈમ પેટ્રોલીંગની ફરજ બજાવવાની હોય છે. સુખપાલી થોર રણમાં આવેલા નેશનલ પાર્કમાં ખાસ પક્ષીઓ અને તેમાં 'ગ્રેટ ઈન્ડીયન બર્ડ' 'ઘોરલ' પક્ષીનું રક્ષણ કરે છે. આ પક્ષીઓનું ખાસ અભ્યારણ છે. તેમની જાતિ ભારતમાંથી લુપ્ત થતી જોવા મળે છે. આથી આ પક્ષીનું રણના જંગલમાં રહેતા જંગલી બીલાડાઓ, શિયાળ, ઝરખ વગેરે વન્ય પ્રાણીઓ આ ઇંડા ખાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખી રક્ષણ કરવાનું હોય છે, તેમજ માદા માતા કે અન્ય પક્ષીઓને પાણીની તકલીફ ના પડે તે પણ ધ્યાન રાખવાનું હોય છે. જે ખૂબ મહેનત માગી લે છે. સુખપાલી ખૂબ ચીવટ, મહેનત અને ધ્યાનથી આ પોતાની ફરજ બજાવે છે. આથી તે 'રણમાતા' તરીકે પ્રખ્યાત છે.

સુડાસોરી વન, ૩૬૧૨ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. જેની પાસે જ પાકિસ્તાન બોર્ડર છે આથી અહીંથી પણ શિકારીઓ કે પાકિસ્તાની જાસૂસો ના ઘૂસી જાય તેની તકેદારી રાખવાની હોય છે.

સુખપાલીને થારના રણમાં જ રહેવું પડે છે. તેને ત્યાં વસવાટમાં અત્યંત મુશ્કેલીઓ વેઠવી પડે છે. રણની આબોહવા અત્યંત વિષમ હોય એટલે શિયાળામાં રેતી ઠરવાથી પુષ્કળ ઠંડી પડે અને ઊનાળામાં રેતી તપવાથી સખત ગરમી પડે. અહીં વીજળીની આવનજાવન હોય છે. એટલે એક નાનો પંખો છે, જે ઘણીવાર ચાલે ને ઘણીવાર ના ચાલે. નેટવર્કની પણ અત્યંત સમસ્યા છે. વારેવારે નેટવર્ક જતું રહે છે. ફોનનો ચાર્જ પણ સોલર પેનલથી કરવો પડે છે.

સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહીં વરસાદ ખૂબ ઓછો પડે છે. એટલે દર બે દિવસે ટેંકર આવે, તે પાણીનો ઉપયોગ પીવાથી માંડી નહાવા સુધી કરવો પડે છે. ખાસ કોઈ માણસોની અવરજવર હોતી નથી કે મનોરંજનનું ટીવી વગેરે કોઈ સાધન નથી આથી એકલતા સૌથી મોટો પ્રશ્ન છે. ખાધા ખોરાકી પણ જૂજ હોય છે. મોટેભાગે કાળી ચ્હા, દાળ વગેરેથી જ ચલાવી લેવું પડે છે. રેતીના તોફાનો આવે ત્યારે, તેનો સામનો કરવો એ મુશ્કેલ થઈ પડે છે.

આટલી કઠીન પરિસ્થિતિમાં પણ હિમ્મત, મક્કમ મને ઊત્સાહ સાથે સુખપાલી રણમાં પોતાની ફરજ બજાવે છે.

થોડા સમય પહેલા સુખપાલીએ પ્રભુતામાં પગલાં માંડયા, તેના ફળસ્વરૂપે તેને દીકરી પણ છે. હવે તે પરિવાર સાથે નાના માટીના ઘરમાં રહે છે. તેના પતિ પણ આ કામમાં જોડાઈ ગયા છે.

સુખપાલીને ગમે ત્યારે પશુઓના રક્ષણ માટે લાઠીઓ લઈને દોડવું પડે છે. એક પ્રસંગ યાદ કરતા સુખપાલી જણાવે છે કે, એકવાર અડધી રાત્રે નીલગાય તોફાને ચડી હતી. તેણે હાહાકાર મચાવી દીધો હતો. ગ્રેટ ઇન્ડીયન બર્ડના ઇંડાઓ મુશ્કેલીમાં આવી ગયા હતા. આ સમયે ઓફિસમાંથી તેને ફરજ પર જવાનો ઓર્ડર આવ્યો ઘણો સમય વીતવા છતાં તેણી આવી નહીં શકી આ સમયે તેના પતિ અને સાસુ ખૂબ ચિંતામાં પડી ગયા હતા. આવા કંઈક બહાદુરીના પ્રસંગો સુખપાલીના કાર્યકાળમાં નોંધાયા છે.

સુખપાલી થોરના રણના પોતાના કાર્યને પોતાનું સર્મપણ કરવા ઇચ્છે છે.

એક નવી સવારની શરૂઆત કરી અને તે દરેક મહિલાઓને સંદેશ આપે છે કે, ''જીવનમાં મુશ્કેલી એ સફળતાનો દરવાજો છે, કોઈ કામ અઘરું જરૂર છે, અશક્ય નથી.'

Tags :
Anuradha-DerasariVamavishva

Google News
Google News