કોશિશ કરનેવાલોંકી કભી હાર નહીં હોતી .
- વામા વિશ્વ-અનુરાધા દેરાસરી
- જૂનવાણી સમાજમાં દીકરીઓ બહુ ભણી ના શકે, ભણે તો સ્વચ્છંદી થઇ જાય, એને કોણ પરણે ? એ માન્યતા મુજબ લક્ષ્મીને ઉઠાડી મુકવામાં આવી
ભારતીય સમાજમાં દીકરીઓ શિક્ષિત બને માટે બેટી પઢાવો એ સ્લોગન ખૂબ પ્રચલિત છે જેનો વારંવાર પ્રચાર થાય છે. પરંતુ એ સંપૂર્ણ રીતે હજુ સાર્થક નથી થયું કારણ કે અંતરિયાળ ગામડામાં દીકરીઓ ભણવા માગે તો પણ પંદર વર્ષ સુધીમાં ભણવામાંથી ઉઠાડી મૂકવામાં આવે છે. હજુ ઘણી દીકરીઓની પરિસ્થિતિ સુધરી નથી.
આજે વાત કરવી છે, એવી જ 'મા'ને દીકરીની, જે માને ખૂબ ભણવું હતું, પરંતુ તેને ગામડાના જૂનવાણી વિચારો પ્રમાણે ઉઠાડી મૂકવામાં આવી આ માએ શિક્ષણનું મહત્ત્વ સમજી, જીવનના પડકારોને ઝીલી એકલે હાથે, દીકરીને આઈપીએસ સુધીનું ઉચ્ચશિક્ષણ આપી, સીબીઆઈમાં પોલીસ ઓફિસર બનાવી.
આ મા-લક્ષ્મી અને દીકરી નિર્મલાની વાત એ કહેવત સાબિત કરી જાય છે કે, 'હિમ્મતે મર્દા તો મદદે ખુદા'
કોઈમબતુર પાસેના અંતરિયાળ નાના ગામડા અલનદુરાઈમાં લક્ષ્મીનો જન્મ અને ઉછેર. નાની લક્ષ્મીને ભણવું ખૂબ ગમે અને ભણવામાં પણ હોશિયાર ખૂબ ભણીને કંઇ ઉચ્ચકારકીર્દી તરફ પગલા ભરવાનાં સ્વપ્નો.
પંદર વર્ષની થતા સાતમા ધોરણનું ભણતર પૂરું કર્યા પછી, લક્ષ્મીને ભણવામાંથી ઉઠાડી મૂકવાની પેરવી માતા પિતાએ કરી. આ જૂનવાણી સમાજમાં દીકરીઓ બહુ ભણી ના શકે, ભણે તો સ્વચ્છંદી થઇ જાય, એને કોણ પરણે ? એ માન્યતા મુજબ લક્ષ્મીને ઉઠાડી મુકવામાં આવી. લક્ષ્મીએ ખૂબ વિરોધ કર્યો, કારણ કે તેણીને તો ભણીને ઉચ્ચ કારકિર્દી બનાવવી હતી. તેણે નક્કી કર્યું કે, હું તો ના ભણી શકી, પરંતુ હું મારી દીકરીને ભણાવીશ.
સમય આગળ વધ્યો. ૧૬ વર્ષની ઉંમરે લક્ષ્મીને પરણાવી દેવામાં આવી. બે વર્ષમાં લક્ષ્મીને બે સંતાનો થયા અને થોડા સમયમાં તેના પતિનું મૃત્યુ થયું. અઢાર વર્ષની નાની ઉંમરે, સીંગલમધર તરીકે, નબળી આર્થિક પરિસ્થિતિમાં, લક્ષ્મીને બે સંતાનોના ઉછેર અને ઘર ચલાવવાની પરિસ્થિતિ આવી.
રેતીના રણમાં વહાણ ચલાવવા જેવી વાત હતી. પરંતુ તેણીએ નક્કી કર્યું કે, હું મારા સંતાનોને સારામાં સારું શિક્ષણ આપીશ અને તેમને શૈક્ષણિક જે કારકિર્દી બનાવવી હશે, તે બનાવવાની સગવડો આપીશ. આમ શરૂ થઇ માતા લક્ષ્મી અને દીકરી નિર્મલાની જીવન કહાની.
કોઈપણ જાતની ફરિયાદ કે દયા ખાધા વગર, લક્ષ્મીએ વાસ્તવિક્તા સ્વીકારી લીધી અને બે સંતાનો સાથે 'સીંગલ મધર' તરીકે જીવન શરૂ કર્યું. તેની સામે નબળી આર્થિક પરિસ્થિતિ, કોઈ કુટુંબીજનનો સપોર્ટ નહિ ઉપરાંત બીજા અનેક જીવન પડકારો હતાં, છતાં લક્ષ્મી હિમ્મત હારી નહીં.
સવારે તે વહેલી ચાર વાગે ઉઠતી, છોકરાઓ માટે ભોજન બનાવતી, ઘરનું કામ કરતી અને છોકરાઓને શાળાએ મુકી શેરડીના ખેતરમાં કામ કરવા જતી. સાંજે ખેતરેથી પાછા ફરતા બાળકોને શાળાએથી પરત લઇ ઘેર આવી બધું જ કામ કરતી અને રાત્રે નિર્મલા અને તેના ભાઈને શાળાએથી આપેલું ગૃહકાર્ય અને અન્ય શૈક્ષણિક ભણતરમાં મદદ કરતી.
લક્ષ્મીએ બાળકોને સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં મૂક્યા હતા. આમ સખત મહેનત કરીને દીકરાને બીએસસી આઈટી સુધી ભણાવ્યો.
ત્યારબાદ નિર્મલાનું ૧૨ ધોરણ એટલે શાળાનું ભણતર પૂરું થયું. પછી એ જ જૂનવાણી વિચારોનો વરસાદ દીકરીનું ભણતર તો શાળા સુધી જ હોય, કોલેજ કરાવીને શું કરવું છે ? તેને તો ઘરકામ ને બાળકો જ ઉછેરવાના છે ને ? ચાર દિવાલમાં સ્ત્રીને પૂરવાની જૂનવાણી પરંપરા એટલે નિર્મલા માટે પણ આજ દલીલો થઇ અને સમાજ તેમજ અન્ય કુટુંબીજનો તરફથી એ જૂનવાણી વિચારોનો દબાવ લાદવામાં આવ્યો.
અહીં લક્ષ્મીએ સખ્ત વિરોધ કર્યો, અને નિર્મલા આગળ ભણશે અને ઉચ્ચ શૈક્ષણિક કારકીર્દી બનાવશે તેમ નિર્ણય લઇ જાહેર કર્યું.
તેની પરિસ્થિતિ અને નિર્મલાની પરિસ્થિતિમાં ફેર એટલો હતો કે, અહીં તે હુક્મનો એક્કો હતી.
બે છોકરાઓના શિક્ષણ પાછળ સ્નાતક સુધીનો ખર્ચો કરવામાં આર્થિક સ્થિતિ તો નબળી જ રહી. લક્ષ્મી રાત્રે પણ વધુ આવક માટે શેરડીના પાકને પાણી પાવા જતી. આમ સખત મહેનત કરી નિર્મલાને લક્ષ્મીએ સ્નાતક કરી.
નિર્મલાએ બેન્કમાં આસીસ્ટન મેનેજર તરીકે નોકરી લીધી જેથી તે લક્ષ્મીને આર્થિક ઉર્પાજનમાં મદદ કરી શકે.
પરંતુ જ્ઞાાનની ભૂખ ધરાવનાર લક્ષ્મીને નિર્મલાની આટલી શૈક્ષણિક કારકીર્દીથી સંતોષ ન હતો, તે તો નિર્મલાને ઉચ્ચ શિક્ષણ આપવા માગતી હતી. એવામાં લક્ષ્મીને આઈપીએસ થયેલી વ્યક્તિનો લેખ વાંચવામાં આવ્યો, કે તેણે કેટલા સંઘર્ષ સાથે આ ડિગ્રી મેળવી હતી.
શરૂઆતમાં નિર્મલાએ આનાકાની કરી, પરંતુ પછી સંમત થઇ અને શરૂ થઇ નિર્મલાની આઈપીએસના ભણતરની યાત્રા.
લક્ષ્મીની હિંમત અને મક્કમ મનોબળે નિર્મલામાં પ્રેરણાનું ખાતર સીંચ્યું.
નિર્મલાની આઈપીએસના ભણતરની યાત્રા પણ ખૂબ કઠીન હતી. કારણ કે પાસે નહિ ટયુશન ક્લાસ કે કોલેજના પૈસા, નહી ફોન, કોમ્પ્યુટર, લેપટોપ કે ઇન્ટરનેટ. ફક્ત ચોપડીઓનો સહારો લઇ તેણીને આગળ વધવાનું હતું. તેણે પૂરું એક વર્ષ લાયબ્રેરીમાં ચોપડીઓ વચ્ચે કાઢ્યું. પણ નિર્મલાને આઈપીએસના ભણતરની કોઈ પીચ પડતી ના લાગી. આથી તે પાછી પડવા લાગી.
અને તેની પ્રેરણામૂર્તિ માતા લક્ષ્મી નિર્મલાની મદદે આવી. 'લક્ષ્મી મા' કોઈ રીતે નિર્મલાને પાછી પડવા દેવા માગતા ન હતા. તેમનો ઉત્સાહ અને ધગશ એટલા હતા કે જાણે પોતે યુપીએસનાં વિદ્યાર્થી ના હોય ! તેમણે છાપામાંથી જાહેરાત વાંચીને નિર્મલાને જાણ કરી કે કોઇમ્બતુરમાં યુપીએસી માટે મફત કોચીંગ ક્લાસીસ ચાલે છે. અને નિર્મલાએ પણ પોતાનું અને લક્ષ્મીમાનું સ્વપ્ન પૂરૂં કરવા પૂરેપૂરી કમરકસી અને શરૂ થઇ યુપીએસી-ૈંઁજી ના ભણતરની યાત્રાની શરૂઆત.
કહે છે ને કે ઃ દિલસે ચાહો તો કાયનાત ભી હંમેશા મદદ કરતા હૈ. તે પ્રમાણે કોઇમ્બતુરમાં કોચીંગ ક્લાસમાં યુપીએસી માટેની ભણતરની તૈયારી શરૂ કર્યા પછી, તેને સમાચાર મળ્યા કે, તામીલનાડુમાં ચેન્નાઇની સરકારની સીવીલ સરવીસ બ્રાન્ચ સ્ટેટ લેવલે યુપીએસી કોર્સના મફત કોચીંગ ટ્રેનીંગ શરૂ કરે છે. જ્યાં ભણવા ઉપરાંત ટેસ્ટમાં પાસ થઇ વિદ્યાર્થી તરીકે પસંદગી પામો તો રહેવા ખાવાની સગવડ વિનામૂલ્યે આપશે.
આ તક નિર્મલાએ ઝડપી લીધી અને લક્ષ્મીમાએ પ્રેરણા પૂરી પાડી. અહીં નિર્મલાએ યુપીએસીસીની પૂરી તૈયારી કરી. અને પરીક્ષા આપી. જ્યારે, દિલ્હી ઇન્ટરવ્યુ આપવાના હતા ત્યારે પણ લક્ષ્મી મા તેની જોડે ગયા. આમ ખૂબ મહેનતને અંતે નિર્મલાએ ૨૭૨ ક્રમાંક પર યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આઈપીએસ ઓફિસર બની તેની ટ્રેનીંગ લીધી અને નાગપુરમાં તેની સીબીઆઈ ઓફિસર તરીકે પ્રથમ વાર પોસ્ટીંગ થયું, ત્યારે લક્ષ્મીના આનંદનો પાર ન હતો.
મા-દીકરી બન્નેનું સ્વપ્ન ફળ્યું. તેમણે સિધ્ધ કર્યું કે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી.