Get The App

ભારતની પ્રથમ મહિલા માછીમાર

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
ભારતની પ્રથમ મહિલા માછીમાર 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- દરિયાઈ દીકરી રેખા જાણે સૌને કહે છે, તમે દરિયાને કદી મનથી જોયો છે ખરો, ખાલી પુસ્તકની જેમ વાંચો, તો, ક્યાંથી સમજાય તેની વાતું? એકાદી ડૂબકી મારો ને મઝધારે જાવ તો, ભાન થાય,અંદર ખળભળ શું થાતું!

દ રિયાને સાંવરીયો, ગણી, આજીવીકાનો ભરથાર ગણી, મધદરીયે જઈ ડૂબવાની નહિ પરંતુ આજીવીકા રળી કુટુંબને ભરણપોષણ કરનાર એક મહિલાની આ વાત છે. દરિયાની દીકરી, કેરલના અરેબીયન સી ના બ્લ્યુ વોટરની વંડર અને ફક્ત કેરલની જ નહિ ભારતની પ્રથમ મહિલા માછીમારની આ વાત છે.

કેરલાની રેખા કાર્તીકેયન, અથવા કે.સી. રેખા તરીકે જાણીતી લગભગ ૪૦ વર્ષની મહિલા ભારતની પ્રથમ મહિલા માછીમાર છે. જે મધદરિયે જઈ કોઈ જાતના ગભરાટ વગર માછલીઓ પકડવાનું કામ કરે છે અને પોતાની ચાર દીકરીઓને ભણાવે છે અને બીમાર પતિનું દેવું પૂરું કરે છે અને આખા કુટુંબનું ભરણપોષણ કરે છે. દરિયામાં જેટલા ભરતી અને ઓટ આવે છે તેટલા જ ભરતી અને ઓટ રેખાના જીવનમાં આવેલા છે. પરંતુ આ જીવનસાગરના મોજાઓ સામે હિમ્મતપૂર્વક સામનો કરી આજે રેખા સ્થિર થઈ છે અને દીકરીઓને પણ સારું શિક્ષણ આપે છે.

કેરલાના મોટાભાગના ગામો અરબી સમુદ્રના કિનારે આવેલા છે. જ્યાં માછીમાર કોમની વસ્તી છે. જેમનો મુખ્ય ધંધો માછીમારીનો છે. રેખા પણ થ્રીસર જિલ્લાના એક નાના ગામમાં જન્મીને મોટી થઈ. સામાન્ય શિક્ષણ મેળવી, હિન્દી ભાષા શીખવા માટેના ટયુશન કલાસમાં જોડાઈ. અહીં તેની કાર્તીકેયન સાથે મુલાકાત થઈ, દોસ્તી પ્રેમમાં પરિણમી બન્ને લગ્નગ્રંથીથી જોડાવવા માગતા હતા, પરંતુ બે જણની જ્ઞાાતિ અલગ હતી. કેરલ જેવા શિક્ષિત રાજ્યમાં પણ જ્ઞાાતિવાડા હતા. આથી બન્નેના ઘરનાનો સખ્ત વિરોધ હતો. આથી બન્નેએ ભાગીને લગ્ન કર્યા અને ચેટ્ટુથા ગામમાં અરબી સમુદ્રના કિનારે અલગથી જિંદગીની શરૂઆત કરી.

કાર્તીકેયનનો મુખ્ય ધંધો માછીમારીનો હતો. રેખા અને કાર્તીકેયનનું ઘર દરિયાથી ૩૦ મીટર દૂર હતું. જ્યાં સુધી દરિયાના મોજા ઘરના આંગણાને પ્રેમથી પલાળતા લગ્નના થોડા વર્ષોમાં, તેમને ચાર દીકરીઓ થઈ.

આ ગામ માછીમારોનું હતું. ઘરનો પુરૂષવર્ગ દરિયામાં, માછલીઓ પકડવા જતો અને ઘરનો સ્ત્રીવર્ગ દરિયા કિનારે પ્રાર્થના કરતો કિનારે ઊભો રહેતો આ તેમની પરંપરા હતી.

રેખા થોડા આગવા વિચારોની હતી. તે આ કામ તો કરતી, પરંતુ સાથે પતિને માછલીઓની જાળ ગૂંથવામાં, જાળીમાંથી માછલીઓ કાઢવામાં, તેમજ ક્યારેક જરૂર પડે દરિયામાં બોટમાં સાથે જવામાં મદદ કરતી. તેના આ કામનો તેની કોમની સ્ત્રીઓ સખ્ત વિરોધ કરતી. પણ હિમ્મતબાજ રેખા આંખ આડા કાન કરતી.

અચાનક રેખાના જીવનમાં મુશ્કેલીના મોજાઓની ભરતી આવી. તેના પતિ કાર્તીકેયનને હૃદયરોગની તકલીફ થઈ તેને છ મહિનાનો આરામ કરવાનો આવ્યો. બે મહિના તેમનો માછીમારીનો ધંધો બંધ થયો પરંતુ બે મહિનામાં રેખા અને તેનાં કુટુંબને ઘણી મુશ્કેલી વેઠવી પડી. ચારે દીકરીઓ ભણતી હતી, તેના શિક્ષણ અને ભરણપોષણનો સવાલ હતો. 

આથી બે માછીમારી મદદગાર લઈ, રેખાએ દરિયામાં મઝધારે જઈ માછીમારી કરવાનું નક્કી કર્યું.

રેખા તેના એક ઇન્ટરવ્યુમાં જણાવે છે કે, મારો જન્મ થયો ને હું ઊછરી તે ગામમાં દરિયાની તો વાત જ ક્યાં, પણ નદી પણ નહિ કે તળાવ પણ નહિ મને પાણીનો કોઈ અનુભવ જ નહિ. 

લગ્ન પછી ક્યારેક હું કાર્તીકેયનને મદદ કરવા બોટમાં થોડે સુધી જતી બાકી દરિયામાં અંદર સુધી જવાનો કોઈ અનુભવ જ નહિ અને સીધા મઝધારે જવાનો વારો આવ્યો.

એક વહેલી સવારે, બે માછીમારોની મદદ લઈ, હું ૨૦ વર્ષ જૂની, વધારે હોર્સ પાવર વાળી, બે એન્જિનવાળી બોટ લઈ નીકળી પડી, મધદરિયે જવા. થોડેક અંદર અમારી બોટ પહોંચી અને મને સખત ઊલટી જેવું અને ચક્કર વગેરે આવવા લાગ્યા. એ સી સીકનેસ હતી. હું બોટમાં સૂઈ ગઈ. થોડીવારે ઊભી થઈ મક્કમ મન કરી, કામ કરવાનું શરૂ કર્યું. આવું થોડા દિવસ ચાલ્યું પરંતુ મેં દરિયાની મઝધારી મુસાફરી ચાલુ રાખી કારણ કે હું, મારી દીકરીઓ અને મારા પતિ આખું કુટુંબ જીવનની મઝધારે હતા અને જીવનસાગર પાર કરવાનું સુકાન મારા હાથમાં હતું. એટલે મન મક્કમ કરી રોજ, હું માછલીઓ પકડવા જવા લાગી, થોડા સમયમાં હું ટેવાઈ ગઈ. મને મારી દરિયાની સફર અત્યંત પ્રિય અને આનંદ આપવા લાગી.

મારો પરિવાર એટલે,

સવાર...

દરિયો...

રેતી....

માછલીઓ ને શંખલા....

ને હું....

રેખા કે.સી. અને તેના સાથીદારો સવારના લગભગ ત્રણથી સાડાત્રણની વચ્ચે નીકળતા. રેખા કે તેના સાથીદારો પાસે કોઈ ગુગલમેપ કે બીજું દરિયાઈ રસ્તાનું માર્ગદર્શન નતું રહેતું, છતાં અનુભવ પ્રમાણે દરિયાઈની મઝધારે, ૪૦ નોટીકલ માઈલ જેટલું અંતર કાપી જતા, કારણ કે મધદરિયે વધારે માછલીઓ હોય. જે રેખા તરવાનું પણ નતી જાણતી આજે તરવા ઉપરાંત તે લગભગ દરેક દરિયાઈ માછલીઓ વિષે તેની ઉતર-ચડ, તરવાની ટેવો વગેરે વિષે જાણતી થઈ ગઈ છે.

લગભગ ચાર-પાંચથી છ કલાક મધદરિયે, માછલીઓ પકડી રેખા પાછી ફરે. બોટમાંથી નેટમાં પકડેલી માછલીઓ લાવી, આંગણામાં સૂકાવવા મૂકે અને પછી ઘરનું કામ કરે. દીકરીઓ માટે જમવાનું બનાવવા ને બાકીનું ગૃહકાર્ય કરે. બપોરે માછલીઓને તેના કદ અને આકાર તેમજ પ્રકાર પ્રમાણે છૂટી પાડે. પછી બાકીનું ઘરનું કામ કરે. સાંજે બજારમાં માછલીઓનું વેચાણ કરે. સમય રહે તો, દરિયા કિનારે શંખ અને છીપલા વીણવા જાય, તે સૂકવી ભૂકો કરીને ખાતર તરીકે વેચે.

આમ રેખા સંપૂર્ણ એક પુરૂષ માછીમાર જેટલું જ કાર્ય કરે છે. તેના આ માછીમારીના કાર્યમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. વરસાદની ઋતુમાં, દરિયો ઘણો તોફાની હોય, .... પણ ખૂબ ઊંચા મોજા ઊછળતા હોય ત્યારે બોટ જબરજસ્ત ડગમગે. પરંતુ રેખા માટે માછીમારી અર્જુનની આંખ છે, એટલે એને મધદરિયે માછીમારી સિવાય કંઈ બીજું દેખાય જ નહિ દરિયામાં ઓટ હોય તો માછલીઓ ઓછી પકડાય, ત્યારે દરરોજની આજીવીકામાં તકલીફ થાય.

બે પ્રસંગો યાદ કરતા, રેખા જણાવે છે કે, તેના પતિ સાજા થયા પછી તેઓ સાથે જ્યારે એકવાર દરિયામાં માછલીઓ પકડવા ગયા ત્યારે બોટનું એન્જિન થોડું ખરાબ થઈ ગયું. આથી તેણીને અને તેના પતિને લગભગ ૨૦થી ૨૪ કલાક જેવું મધદરિયે રહેવું પડયું હતું.

મોડી સાંજને અંધારૂ થઈ જાય તો તે લોકોને દરિયાઈ ચાંચીયાઓનો પણ ભય રહે છે એકવાર મોડી રાત્રિના ચાંચીયાઓએ બોટ પર ત્રાટકવાનો પ્રયાસ કર્યો પરંતુ રેખાને જોઈ, સ્ત્રી તરીકે હાજરી હોવાથી પાછા વળી ગયા.

આમ રેખા કેરલના દરિયાકિનારાના સમાજના લોકોની ટીકાટીપ્પણો, દરિયાની કુદરતી મુશ્કેલીઓ અને પુરૂષવર્ચસ્વવાળા વ્યવસાયમાં પોતાની હિમ્મત અને નારાયણી શક્તિથી આજે દસ વર્ષ પૂરા કરી ચૂકી છે. તેની કામગીરી જોઈ, રેખાને મધદરિયે જવાનું લાયસન્સ આપ્યું છે. ભારતની પ્રથમ મહિલા માછીમાર બની છે.


Google NewsGoogle News