જીવનની ઢળતી સાંજે ઝબૂકતી યૌવનવીજ
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- મનના બગીચાને ઉત્સાહનું જળ અને પ્રેરણાનું ખાતર સીંચો તો મનોબાગમાં હંમેશાં હરિયાળી પથરાયેલી રહે છે
વી મલાકોલ અને તેમના પતિ હરીકોલ, નિવૃત્ત થયા પછી, રોટરી ક્લબના પ્રોજેક્ટના ભાગ રૂપે દીલ્હીની ખૂબ પાસેના મદનપુર ગામમાં, વસ્તીના બાળકો જે બાળકો, સુખસુવિધાના વિશેષાધિકારથી વંચીત છે, તેઓને બીસ્કીટ, ચવાણુ વગેરે નાસ્તાની કીટ આપવા ગયા.
જ્યાં એક મહિલાએ, વીમલાતાઈને કહ્યું, 'બેન, તમારી આ નાસ્તાની કીટ આપવાનો પ્રયત્ન આવકાર દાયક છે, પરંતુ આ બાળકોને ભણાવો, તેઓ શાળામાં જઈ શિક્ષણ લઈ શકે, તે પરિસ્થિતિમાં નથી, જો ભણાવશો તો તેમના સારા ભવિષ્ય માટેની દીશામાં કંઈક વિચારી શકશે.'
કુદરતે જાણે, વિમલાતાઈ અને તેમના પતિને, તેમના આંતરિક વિચારો જાણીને ઈશારો ના કર્યો હોય ! આ દંપત્તિ નિવૃત્ત સમયમાં સમાજ ઉપયોગી કામ કરવાના કોઈ આંતરિક વિચારો કરી રહ્યા હતા. આ વિચારોને ઐશ્વર્ય સંકેત સમજી ખૂબ આનંદથી બન્ને જણે આ શિક્ષણ વંચીત બાળકોને ભણાવવાનું નક્કી કર્યું.
મદનપુર ગામના એક વિશાળ વડલા નીચે, વીમલાતાઈ અને તેમના પતિએ પાંચ બાળકોને ભણાવવાની શરૂઆત કરી. ગણિત, વિજ્ઞાાન, પર્યાવરણ અને ભાષા તેવા ચાર વિષયો ભણાવવાનું નક્કી કર્યું. વીમલાતાઈ દહેરાદુનમાં લગ્ન પહેલા શાળામાં ભાષા અને પર્યાવરણ આ વિષયો ભણાવતા હતા. અને તેમના પતિ એનજીનીયર હોવાથી ગણિત અને વિજ્ઞાાન વિષયો ભણાવી શકતા હતા.
આમ કુદરતી શાળાની શરુઆત થઈ. જેનું નામ રાખ્યું 'ગુલદસ્તા' આ નામ રાખવા પાછળનો તેમનો આશય હતો, 'શિક્ષણના વિશેષ અધિકારથી વંચીત બાળકના ભવિષ્યના સપનાઓ, આશાઓ અને ઉત્સાહીત વિચારો સાથેનું ઉજ્જવળ ભાવિ.'
વીમલાતાઈ અને મી.કૌલની ગુલદસ્તા શાળામાં ફક્ત પાંચ બાળકો જ હતા, ધીરે ધીરે બાળકોની સંખ્યા વધવા માંડી. આથી વીમલાતાઈ અને તેમના પતિએ, તેમની હાઉસીંગ કોલોનીના ઘરમાં 'ગુલદસ્તા' શાળાને ખસેડી અને ભણાવવા માંડયું.
વીમલાતાઈને બાળકોને ભણાવવું તે તેમની પેશન હતી. સાથે આ દંપત્તિને બાળકો ન હતા આથી આ બાળકો ને તેઓ પોતાના બાળકો તરીકે જ વ્યવહાર રાખતા.
પરંતુ કહેવાય છે છે ને કે સાચા અને સારા કામોનો રસ્તો ખૂબ કઠીન હોય છે, તેમાં મુશ્કેલીના અનેક રોડા પડયા હોય છે.
'ગુલદસ્તા' શાળા સાથે કંઈક આવું જ બન્યું.
હાઉસીંગ કોલોનીના અન્ય રહેવાસીઓએ આ શાળા કોલોનીમાં ચલાવવા સામે વાંધો લીધો. તેઓને આ બાળકોનો કીલકીલાટ આનંદ આપવાને બદલે તેમની શાંતિમાં ભંગ કરતો લાગ્યો. આને સમાજનું કયું સ્વરૂપ કહેવું ?
વીમલાતાઈ એ ગુલદસ્તા શાળાને હાઉસીંગ કોલોનીના બગીચામાં ખસેડી. પરંતુ વિઘ્નસંતોષી હાઉસીંગના રહેવાસીઓને આ પરિસ્થિતિ પણ પસંદ ના પડી. એજ દલીલ ફરી થઈ કે; અમારી શાંતિમાં ખલેલ પડે છે, બીજું કારણ એ પણ હતું કે, આ બાળકો સમાજના નિમ્નવર્ગમાંથી આવતા હતા એટલે સ્વચ્છ વસ્ત્રો વગેરે પહેરે પરંતુ મેર્નસ વગેરેનો અભાવ હતો. વીમલાતાઈએ બિલાડીના ઘરની જેમ ત્રીજું સ્થાન બદલ્યું. પાસેના બગીચામાં શાળા ખસેડી. અહીં પણ એ જ મુશ્કેલીનો રોડો. આ બગીચાની જાળવણી ખાનગી સંસ્થાની માલિકીની હતી. આથી આ માલીકોએ વાંધો ઊઠાવ્યો કે, અમારાં બગીચામાં બાળકોની હાજરી, ગંદકી ફેલાવે.
વીમલાતાઈ હારે શેના ! આ સો થી સવાસો બાળકો તો જાણે તેમના દત્તક લીધેલા બાળકો હતા. આ દંપતિને બાળક ન હોવાનો શૂન્યાવકાશ આ બાળકોએ પૂરયો હતો. એટલે આ બાળકોને પોતે જણ્યા જ ગણતા. તેમને માટે કોઈપણ મુશ્કેલી સહન કરવા તૈયાર હતા, પણ શાળા બંધ ન કરવાની કસમ લીધી હતી.
અહીંથી 'ગુલદસ્તા' શાળાને પાસેના પબ્લીક પાર્કમાં ખસેડી. અહીં પણ મ્યુનિસીપાલટી દ્વારા કચકચ થવા લાગી પણ જીસકા કોઈ નહીં ઊસકા ખુદા. દીલ્હીના એક એનજીઓ સુધી આ શાળા અને તેની મુશ્કેલીઓની વાત પહોંચી અને આ એનજીઓએ 'ગુલદસ્તા' શાળા અને વીમલાતાઈને મદદ કરવાનું નક્કી કર્યું અને મકાન લેવા માટે પૈસાની વ્યવસ્થા કરી આપી.
આપણામાં કહેવત છે ને કે ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. વીમલાતાઈ સાથે આવું જ બન્યું.
વીમલતાઈએ પહેલા બે રૂમનું મકાન બાંધી બાલમંદિરથી બીજા ધોરણ સુધી ભણાવવાનું શરૂ કર્યું. પછી બીજા બે રૂમ બાંધ્યા અને ચોથા ધોરણ સુધી ગુલદસ્તા શાળાનો વિસ્તાર કર્યો.
હવે બધું બરાબર જઈ રહ્યું હતું અને વીમલતાઈને બીજો ફટકો પડયો. તેમના પતિનું અવસાન થયું. આથી તાઈ ભણાવવા માટેના એક જ શિક્ષક થઈ ગયા. પરંતુ તાઈએ બીજા સેવા આપી શકે તેવા બીજા ત્રણ શિક્ષકો શોધી કાઢ્યા.
આજે ગુલદસ્તા શાળાને ૨૧ વર્ષ થઈ ગયા. હવે તો શાળા બપોરને સાંજ બે શીફ્ટમાં ચાલે છે. ચારે વિષયોના અભ્યાસક્રમો દીલ્હીની બીજી શાળાઓ પ્રમાણે જ હોય છે. સવારના ભાગમાં નિયમિત શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ, જે ટયુશન ક્લાસ ન ભરી શકતા હોય તેવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાય છે.
'ગુલદસ્તા' શાળામાં ખાસ કરીને છોકરીઓ વધારે આવે છે એટલે હવે ત્યાં કોમ્પ્યુટર, સીવણ, મેંદી, બ્યુટીપાર્લરના ટ્રેનીંગ કોર્સના ક્લાસીસ પણ ચાલે છે. અહીં બહેનોને ટ્રેનીંગ ઉપરાંત તેઓે જે કલા શીખે તેનું વ્યવસાયિક જોડાણ પણ આપવામાં આવે છે. જેમ કે મેંદીની ટ્રેનીંગ લીધેલી છોકરીઓ, બહેનોને કડવાચોથ, દિવાળી જેવાં તહેવારો, લગ્નપ્રસંગો વગેરેમાં મેંદી મૂકવાના કોન્ટ્રેક્ટ મેળવી અપાય છે.
વીમલાતાઈની સૌથી ધ્યાન ખેંચે એવી બાબત તો એ છે કે, વીમલાતાઈ હાલમાં ૮૧ વર્ષના છે. પરંતુ વહેલી સવારથી રાત્રી સુધી એક ધાર્યું કામ કરે છે.
કોઈ તેમને પૂછે, કે આટલા ૮૧ વર્ષે પણ તમે કેવી રીતે આટલી સ્ફૂર્તિ થી સળંગ કામ કરી શકો છો ?'
તો તાઈ ફટ દઈને જવાબ આપી દે છે : કોઈ પણ વ્યક્તિના શરીરના અંગોના કોષોની ઊમર વધે છે મનની નહીં. મનના બગીચાને તો ઉત્સાહનું જળ અને પ્રેરણાનું ખાતર આપો, તો મનના બગીચામાં હંમેશા તાજગીની લીલીછમ ચાદર પથરાયેલી જ રહે છે.
અને ભણાવવું એ તો મારી પેશન છે આ બધા મારા બાળકો છે. તેમના ભવિષ્યની શૈક્ષણિક પાયાની ઈંટ મારે મૂકવાની જ છે એમાં થાક શેનો ?