Get The App

ખૂંખાર નક્સલવાદીઓને અહિંસા, શાંતિ અને પ્રેમની દીક્ષા આપનાર ઇન્દુ સિંહા

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
ખૂંખાર નક્સલવાદીઓને અહિંસા, શાંતિ અને પ્રેમની દીક્ષા આપનાર ઇન્દુ સિંહા 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- જેલના સુપ્રિટેન્ડન્ટનું કહેવું હતું, 'જેલને જાણે ઈન્દુ સિન્હાએ આશ્રમમાં પરિવર્તિત કરી બતાવી.'

સા માન્ય રીતે આપણે આંતકવાદીઓનું નામ સાંભળી મનમાં ધુ્રજી ઉઠીએ, ભય મનમાં ઘેરાઈ વળે, ત્યારે આજે એક એવી મહિલાની વાત કરવી છે. જેણે બિહારમાં આવેલું એક ગામ, કે જ્યાં નકસલાઈટ આંતકવાદીઓના વારંવાર હુમલા થતા હતા ત્યાં કામ કર્યું. એટલું જ નહિ પરંતુ બિહારની જેલમાં, એ ગામના આતંકવાદીઓ જ્યાં હતા, ત્યાં જઈ તેમનું મન પરિવર્તન કર્યું.

એટલે હિંસક, ગુન્હેગારમાંથી, અહિંસક, બીનગુન્હેગાર સામાન્ય માનવીઓ બનાવ્યા.

આ મહિલા એટલે દિલ્હી રહેવાસી, ઈન્દુ સીન્હા.

ઈન્દુબહેને બિહારની સાત જેલોમાં લગભગ,૫૦૦૦ જેલ કેદીઓનું માનસ પરિવર્તન કરાવ્યું. તેઓ દિલ્હીમાં આવેલા ગુરુ રવિશંકરના યોગા સંસ્થામાં ફેકલ્ટી તરીકે કામ કરતા હતા.

''અહિંસા, હિંસાનો વધ કરે છે.''

''હિંસાની સમાપ્તી થાય છે, ત્યાં પ્રેમની શરૂઆત થાય છે.''

આ બે જીવનની સત્ય ઉક્તિઓને તેમણે પોતાના કાર્યથી સાચી કરી બતાવી. અને જીવનમાં સાબિત કરી બતાવ્યું કે, જીવનમાં કશું અશક્ય નથી, હા, અઘરું ખૂબ અઘરું જરૂર હોઈ શકે.

ઈન્દુ સિન્હાની આ જબરજસ્ત કામગીરીની વાત આ રીતે શરૂ થઈ.

દિલ્હી નીવાસી, ઈન્દુ સિન્હા, પોતાના વતન બિહારમાં આવેલા ઘરમાં એક સવારે છાપું  વાંચી રહ્યા હતા, ત્યારે તેમણે એક સમાચાર વાંચ્યા. બિહારના સેનારી ગામમાં નક્સલાઈટ  આતંકવાદીઓએ હુમલો કર્યો અને લગભગ ૬૭ કે તેથી વધારે માણસો માર્યા ગયા.

આર્ટ ઓફ લીવીંગના ફેકલ્ટી મેમ્બર તરીકે, ઈન્દુ બહેનનુ હૃદય સખત આઘાત પામી ગયું. પ્રેમના સરોવરમાં નાહનાર ઈન્દુ માટે, આ હિંસક કૃત્ય હૃદય સોંસરું ઊતરી ગયું. તેમણે તાત્કાલીક આ ગામમાં જઈ ગામના આતંકવાદી લોકોનું માનસ પરિવર્તન કરવાનું નક્કી કર્યું, તેમજ આ ગામના લોકો જે ભયના ઓથાર નીચે જીવ રહ્યા હતા, તે ભય તેમના મનમાંથી કાઢી નિર્ભય માનસ બનાવવાનું નક્કી કર્યું. અહીં સૌથી ખરાબ પરિસ્થિતિ બાળકોની હતી, કારણ કે અહીં કોઈ શાળાઓ હતી નહિ અને આતંકવાદના ભયના લીધે કોઈ માતા પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર ન હતી.

ઈન્દુબહેને આ પરિસ્થિતિ સુધારવાનો મનસુબો કર્યો. પોતાના ગુરૂ રવિશંકરજીની સલાહ લીધી. ગુરુ રવિશંકરે પણ આ કાર્યમાં આગળ વધવાની પ્રેરણા આપી.

ઈન્દુબહેનને માહિતી મળી કે, બિહારના ગામોમાં આંતકવાદી હુમલાઓ સામાન્ય બાબત બની ગઈ છે. સેનારી ગામ આતંકવાદીઓનું એપી સેન્ટર હતું, અને આ ગામમાં જ પાંચ થી છ આતંકવાદી ગુ્રપોના જબરજસ્ત ગુન્હાખોરી ધરાવતા હિંસક આતંકવાદીઓ રહેતા હતા. જે જુદી જુદી જગ્યાએ આતંકવાદના હુમલાઓ કરી પકડાય તો પાસેની જેલમાં કેદી બની જતા. આમ આ ગામમાં ભયના વાતાવરણ શિવાય કશું જ ન હતું. આવા વાતાવરણમાં ઈન્દુ બહેને જઈને પ્રેમ અને અહિંસના બીજ રોપવાની થાન લીધી.

ગુરૂદેવા આશીર્વાદ સાથે, ઈન્દુબહેનની નિર્ભય યાત્રા શરૂ થઈ. બિહારના ઈતિહાસમાં કોઈ મહિલા આ ખતરનાક મીશન સાથે સૌ પ્રથમવાર જોડાઈ હતી.

ઈન્દુબહેને સૌ પ્રથમ સેનારી ગામમાં જઈને શાળા સ્થાપવાનું કામ કર્યું. પરંતુ પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવી તેમની પરિસ્થિતિ થઈ કારણ કે, આતંકવાદીઓના ભયના ઓથાર નીચે કોઈ માતાઓ તેમના બાળકોને શાળાએ મોકલવા તૈયાર ન હતી. આ ગામની પુરુષો માટેની સામાન્ય પરિસ્થિતિ એ હતી કે, અડધા પુરુષો આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. ઘણા આતંકવાદી તરીકે પકડાઈ જેલમાં હતા. આથી બહુ જ થોડા પુરુષો હાજર હતા. આ પરિસ્થિતિમાં ઘર ઘરમાં જઈ ઈન્દુબહેને આર્ટ ઓફ લીવીંગ વિષે માતાઓને સમજાવ્યું, શાળામાં આવનાર દરેક બાળકની વ્યક્તિગત સંભાળ રાખશે તે ખાત્રી વારંવાર આપતા માતાઓ સમ્મત થઈ અને બાળકોને શાળાએ મોકલવા માંડી.

આમ આતંકવાદી એપી સેન્ટર ગામમાં, અહિંસાના પ્રથમ પગથિયા રૂપે શાળા શરૂ થઈ. ધીરે ધીરે બાળકો શિક્ષણ માટે આવતા થયા અને શાળા નિયમિત ચાલવા લાગી. સેનારી ગામની સ્ત્રીઓને પણ આર્ટ ઓફ લીવીંગની વાતોથી સાચી જીવનની સમજણ પડવા લાગી, તેમની જીવનયાત્રા ભય થી ર્નિભય તરફ ફનયવવા માંડી. હવેનો પ્રયોગ ઈન્દુબહેનનો હતો, નકસલાઈટ કેદીઓના હિંસક માનસનું પરિવર્તન કરી, પ્રેમ અને અહિંસા તરફ વાળવાનું. આ માટે ઈન્દુબહેને જેલમાં જવું પડે. અને કેદીઓ સાથે કામ કરવાની પરવાનગી મેળવવી પડે, જે સામાન્ય રીતે તો મુશ્કેલ હોય છે જ, પરંતુ સ્ત્રી તરીકે વધારે મુશ્કેલ હતું. દરેક જેલના નિયમો હોય છે.

આ મુશ્કેલીનો પણ ઈન્દુબહેને સામનો કર્યો. ખાસ પટના જઈ, ઉપરી અધિકારીઓની સાથે દલીલો કરી. શરૂઆતમાં તેઓ સમ્મત ના થયા, પરંતુ પછી ઈન્દુબહેનને 'સેનારી' પાસેની જેલ બેયુરમાં જવાની તક મળી.

આ જેલ ભારતની ખૂનખાર જેલોમાંની એક છે. અહીં કેદીઓ રાખ્યા હતા, તેમાં દરેક પર નાના મોટા કેદીઓએ ૧૦૦ થી ૨૦૦ સુધી ભયંકર ગુન્હાઓ કરેલા હતા. આથી કામગીરી મુશ્કેલ હતી, પરંતુ ઈન્દુબહેને જરાય ભય કે નીરાશા ન અનુભવ 'પ્રિઝન પ્રોગ્રામ' લગભગ ૨ મહિનાનો રાખવામાં આવ્યો.

ઈન્દુબહેનને સખ્ત સંરક્ષણ સાથે તેમણે તે પ્રોગ્રામ શરૂ કર્યો. શરૂઆતમાં કેદીઓ ઓછા આવતા, જે આવતા તે મજાક ઊડાવતા, વિચિત્ર નજરે જોતા વગેરે વગેરે મુશ્કેલીઓનો સામનો ઈન્દુ સન્હાએ કર્યો, પરંતુ તેઓ પાછા ના પડયા. ઊંડા શ્વાસસોશ્વાસ, પ્રાણાયમ અને સુર્દશન ક્રિયા જેવા યોગના પ્રયોગો, ઉપરાંત હિંસા અને ક્રુરતાએ જીવનના નકામા તત્વો છે. તે પુરુષને પોતાને નુકશાન કરે છે. તેના કુટુંબને, બાળકોને અને ગામને કે શહેરને નુકશાન કરે છે. તેને બદલે અહિંસા, પ્રેમ  અને શાંતિ જીવનના સાચા તત્વો છે તે સમજ આપવા માંડી. ધીરે ધીરે કેદીઓની આંખોમાં હૃદયના ભાવોના પરિવર્તનનો પડછાયો નજરે ચડવા માંડયો.

આ પ્રોગ્રામ પછીની ઈન્દુબહેન અને ઉપરી અધિકારીઓની કેદીઓને દરખાસ્ત આપવામાં આવી હતી કે, જો તેમનું વર્તન સુધરશે તો આ પ્રોગ્રામ પછી તેઓના પુર્નવસવાટ વિષે વિચારાશે અને એ રીતે તેઓ સમાજ સાથે જોડાઈ શકશે.

આ પ્રોગ્રામની અસરો ઘણા બધા કેદીઓ પર જણાવવા લાગી. એ જેલનો સૌથી ખતરનાક અને માથા ફરેલ કેદી કે જેના નામે ૨૦૦ થી વધારે ગુન્હાઓ હતા, જેનાથી જેલના કર્મચારીગણ ફફડતો આ કેદી રામચંદ્ર સીંગે પોતાનામાં મોટું પરિવર્તન અનુભવ્યું. તેનું કહેવું હતું, ''પહેલા હું જે કરતો હતો તે ખોટું જ કરતો હતો, હવે ખોટું કરવાનું મન જ નથી થતું. ખોટું કરતા મારો આત્મા મને રોકે છે.''

આમ ઘણા કેદીઓમાં પરિવર્તન જોવા મળ્યું. જે કેદીઓ ઈન્દુ સીન્હાની વિરુદ્ધ હતા, તે તેમને  'દીદી' કહેતા થઈ ગયા અને છેલ્લે ઈન્દુ સીન્હાના જવાને વખતે બધાની આંખોમાં પ્રેમ અને કૃતજ્ઞાતાના આંસુઓ હતા.

આ પછી ઈન્દુ સીન્હાએ બીહારની બીજી ૬ જેલોમાં આ પ્રયોગ કર્યો.

જેલના સુપ્રિટેન્ડન્ટનું કહેવું હતું, 'જેલને જાણે ઈન્દુ સિન્હાએ આશ્રમમાં પરિવર્તિત કરી બતાવી.'

ઈન્દુ સીન્હા જાણે બીહારના નક્સલાઈટ કેદીઓ, તેમના કુટુંબીઓ માટે જ જનમ્યા હતા, તેમનું કાર્ય પતાવી ૨૦૨૧માં તેઓ મૃત્યુ પામ્યાં.

ધન્ય આ જેલની દીકરીની હિમ્મત અને કાર્યદક્ષતાને સો સો સલામ !


Google NewsGoogle News