અશોકચક્રથી સમ્માનિત શહીદ કમલેશકુમારી યાદવ
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- ફક્ત બે મહિલાઓને આ અશોકચક્ર એવોર્ડ મળ્યો છે
આજે વાત કરવી છે, કમલેશ કુમારી યાદવની, જે ૨૦૦૧માં પાર્લામેન્ટના લોકોનું રક્ષણ કરતા શહીદ થઈ.
કમલેશ કુમારીની બહાદુરીની ગાથા. કોઈ ભૂતકાળની લડાઈની ઇતિહાસ ગાથાથી ઓછી નથી. ભારતીય પાર્લામેન્ટના ઇતિહાસના પાના પર એક વીરાંગના તરીકે ચોક્કસ તેનો ઉલ્લેખ થઈ શકે.
કમલેશ કુમારીનો જન્મ ઉ.પ્રદેશના સીકરાબાદમાં સામાન્ય પરિવારમાં થયો હતો. નાનપણથી જ કમલેશની આંખોમાં નીડરતાનું તેજ, અને ચહેરા પર એક જાતની ખુમારીનું તેજ હતું. તે બાળપણથી કોઈ વાતથી ડરતી નહીં. જાણે બીક કે ડર નામનો શબ્દ એની જીવન ડીક્ષનરીમાં જ ન હતો. કમલેશકુમારીએ બાળપણ અને યૌવન અવસ્થા પસાર કરી અને એક નીડર યુવતી તરીકે સેન્ટ્રલ પોલીસ આમ ફોર્સમાં ભરતી થઈ. પ્રથમ કમલેશ કુમારીને ટ્રેનીંગ આપવામાં આવી. ટ્રેનીંગમાં પણ કમલેશ કુમારીની નીડરતા, ચપળતા અને આત્મવિશ્વાએ સૌનું ધ્યાન દોર્યું. અને એક સફળ અને કુશળ ટ્રેની તરીકે તેની ટ્રેનીંગ પૂરી થઈ.
કમલેશ કુમારીની ચપળતા, નિર્ણયાત્મક શક્તિને નીડરતાને કારણે સૌ પ્રથમ તેણીનું પોસ્ટીંગ અલ્હાબાદમાં, એલાઈટ રેપીડ એકશન ફોર્સમાં ૧૯૯૪માં થઈ. અહીં કમલેશકુમારીએ સાત વર્ષ કામ કર્યું. તેની નીડર કામગીરીએ સૌનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને કમલેશ કુમારીની પોલીસદળની કામગીરી સાથે, જીવનરથના ચક્રો પણ ફરતા રહ્યા. કમલેશકુમારી દાંપત્ય જીવનમાં પગલાં પાડયા અને તેણીને તેના ફળસ્વરૂપે બે દીકરીઓ થઇ.
કમલેશકુમારીની ૨૦૦૧ સેન્ટ્રલ પોલીસ ફોર્સની પ્રથમ ૮૮ મહિલાની ટુકડીમાં નીમણૂંક થઈ. આ મહિલાઓની ટુકડીમાંથી નીડરતા, બહાદુરી અને ચપળતા જેવા ગુણાંકનો પર આધારીત એક મહિલા પોલીસ બ્રેવો ટુકડી બનાવવામાં આવી. જેની ફરજ હતી, જ્યારે લોકસભા ભરાય ત્યારે આ સરકારી બીલડીંગ અને લોકસભાના સભ્યો, ખાસ કરીને ભારતના વડાપ્રધાનને અન્ય મંત્રીમંડળનું રક્ષણ કરવું તે પાર્લામેન્ટની ચોકી કરવી. સૌની સુરક્ષાની જવાબદારી આ બ્રેવો મહિલા ટુકડી અને અન્ય પોલીસદળની ટુકડીને સોંપવામાં આવી હતી.
બસ હવે શરૂ થાય છે. અશોકચક્ર, એવોર્ડ જીતનારી કમલેશકુમારીની શૌર્યગાયા.
૨૦૦૧,૧૩ મી ડિસેમ્બરનો એ દિવસ.
કમલેશકુમારીની પાર્લામેન્ટ ગેટ.નંબર વન પર ફરજ પર હતી. જ્યાં બીજો નજીકના આયાત ગેટથી વડાપ્રધાન, અન્યપ્રધાનમંત્રીઓ, લોકસભાના સભ્યો તેમજ વી.વી.આઈ.પી.ઓ પ્રવેશતા હતા. કમલેશકુમારી સાથે સીઆરએફનો જુવાન પણ આ ગેટ પર ફરજ બજાવી રહ્યો હતો.
પાર્લામેન્ટનું શિયાળુ સત્ર ૧૩ ડિસેમ્બરના શરૂ થયું. વડાપ્રધાન, ગૃહમંત્રી, ઉપરાંત લોકસભાના સભ્યોથી પાર્લામેન્ટ ખંડ ચિક્કાર હતો. લોકસભાની શરૂઆત થઈ અને ૪૦ મિનિટની કામગીરી પૂરી થઈ. અને ઘટનાની શરૂઆત થઈ.
વન,ટુ,થ્રી.. એન્ડ ઘટનાચક્રો ગતિમાન થયા. એ ગેટથી એક ધોળી એમબેસેડર કાર દાખલ થઈ. જેના પર દરેક પાર્લામેન્ટની ગાડીની જેમ લાલબતી ઝબુકી રહી હતી.
ઉપરાંત 'પાર્લામેન્ટ', 'હોમ મીનીસ્ટરી'તેવું લખાણ હતું. સામાન્યત : સભ્યો, મંત્રીઓ અને વીઆઈપીની સફેદ એમબેસેડર દાખલ થાય ત્યારે ચેકીંગ થાય એટલે કાર ધીમી પડે.
પરંતુ જેવું કમલેશકુમારી અને તેના સાથીદાર ચેકીંગ કરવા ગયા કે, કારે ધીમી થવાને બદલે વધારી દીધી. ચતુર, ચપળ અને કુશળ કમલેશકુમારીને કંઈક અજુગતુ ઘટના બની રહી છે તેનો ખ્યાલ આવી ગયો.
આથી તે તે કાર પાછળ દોડી.
કમલેશકુમારીએ જોયું તો અંદર પાંચ પુરુષો, મોટી ગન અને આત્મઘાતી બોંબ સાથે બેઠા હતા.
બસ, અહીં જ કલાયમેક્સ સીન શરૂ થાય છે...
કમલેશ કુમારીને ખ્યાલ આવી ગયો કે, આ કોઈ લોકસભાના સભ્યો કે વીઆઈપીઝની કાર નથી પરંતુ આતંકવાદીઓ છે. થોડીક સાઈડ માહિતી લઈએ : પાર્લામેન્ટની સુરક્ષા માટેની મહિલા પોલીસો. કોઈ હથિયાર રાખવાની મનાઈ હોય છે, ફક્ત તેમની પાસેથી વોકી- ટોકીનું સાધન હોય છે, જેના દ્વારા બીજા સાથીદારનો સંર્પક સાધી શકાય.
કમલેશકુમારીએ કંઈપણ વિચાર્યા વગર, પોતાની નીડરતા, ચપળતા અને બહાદુરીના ત્રીનેત્ર વડે આતાંકવાદીઓની હાજરીની જાણ વોકીટોકી પર જોરથી કરી. અને તે બીજો આગળનો ગેટ બંધ કરવા દોડી.
તેના વોકીટોકીના સંદેશ પરથી તેના સાથીદારો સાવધ થઈ ગયા, પરંતુ એ સાથે, બીજુ દુઃખદ પરિણામ એ આવ્યું કે, આતંકવાદીઓ પણ સાવધાન થઈ ગયા. એમ્બેસેડર કારમાંથી એક આતંકવાદીએ બંદૂક બહાર કાઢી, કમલેશકુમારી પર ફાયરીંગ કરી, ૧૧ ગોળીઓ સળંગ છોડી. તરત જ કમલેશ કુમારીનું પ્રાણપંખેરુ ત્યાં જ ઉડી ગયુ.
કમલેશકુમારીની શૌર્ય અને બહાદુરીની પરાકાષ્ઠા. તેની નીડરતા અને ચપળતા અને ત્વરીત નિર્ણયાત્મક શક્તિએ ભારતના વડાપ્રધાન, અન્ય મંત્રીઓ, લોકસભાના સભ્યો, સાથે લગભગ ૫૨૬ વ્યક્તિઓની જાન બચાવી.
કમલેશકુમારી યાદવે, પોતાના કુટુંબ, અરે ! નાની દીકરીઓનો પણ વિચાર ના કર્યો. પોતાની ફરજને સૌથી આગળ કરી.
સેલ્યુટ, સેલ્યુટ અનેક સલામીઓ કમલેશકુમારીને આવી વીરાંગનાઓ, અને શહીદ વહોરનારી મહિલાઓ કદી મૃત્યુ પામતી નથી. તે ઇતિહાસના પાના પર સદા જીવંત રહે છે અને જાણે હંમેશા દેશવાસીઓને સંદેશ આપતી રહે છે કે :
તાકાત વતન કી હમસે હૈ,
ઇજ્જત વતન કી હમસે હૈ,
દેશકે હમ રખવાલે...
- અનુરાધા દેરાસરી