Get The App

અવતારીઓની વાતો પસંદીદા માટે સંદેશ હોય છે

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
અવતારીઓની વાતો પસંદીદા માટે સંદેશ હોય છે 1 - image


- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- દરેકની જીવનયાત્રામાં  અલગ અલગ પડકારો આવતા હોય

મા રા એક સ્નેહી હમેશા ફરિયાદ કરે : આટલા સંતો, અવતારીઓ આવ્યા, દુનિયા સુધરી છે ? એમનો બીજો બળાપો હોય : આ જુઓ, અત્યારે સમાજનાં પતનની પરાકાષ્ઠા નથી ? કેમ તમારા ભગવાન જન્મ લેતા નથી ?

આ ભાઈનો વાંક નથી.

મોટાભાગના લોકોની પૂર્વધારણા જ છીછરી હોય છે. એ લોકો સમજતા હોય કે કોઈપણ સંત, કોઈ પણ મહાપુરુષ એટલે જાદુઈ લાકડી ધારી જાદુગર ! એ આ દુનિયામાં આને જાદુઈ લાકડી ફેરવે અને એમની કલ્પના, એમના, ખોબા જેવડાં-વિઝન મુજબ દુનિયા બદલી નાખે !

સાચી વાત છે.

આ લોકો મહાપુરુષો પાસેથી ભરવાડની જ અપેક્ષા રાખતા હોય. એ લોકો સમગ્ર માનવજાતને ઘેટાં કે પાલતૂ પશુ કે આદેશ મુજબ ચાલનાર માનવયંત્ર જ  સમજતા હોય ! અને એમના ચુકાદા મુજબ તો શ્રી કૃષ્ણ, રામ, મહાવીર, બુદ્ધ : રામકૃષ્ણ.... બધા જ નિષ્ફળ ! એ લોકો બકરી કે શિયાળ પર લાકડી ફેરવે ને માણસ બનાવી દે તો સફળ ને નહિ તો નિષ્ફળ !

આ લોકોએ જગત અને જગદીશ્વર અંગે ચુકાદા આપવાને બદલે, પોતાના પરિવારથી નિરીક્ષણની શરૂઆત કરવી જોઈએ. ગમે તેટલો પુરુષાર્થ, મહાન વડીલ હોય એ પોતાના બધા સંતાનોને એક લાકડી ફેરવીને કે એક ઉપદેશ આપીને પોતાના જેવાં બનાવી શકે છે ?

દરેક વ્યક્તિની તાસીર, એની સમજશક્તિ, એનાં જીવન પ્રત્યેનાં વલણ તદ્દન આગવાં હોય છે. દરેકની જિન્દગી સમાન્તર, પેરેલલ જતી હોય. દરેકની જીવનયાત્રામાં  અલગ અલગ પડકારો આવતા હોય.

આ જ કારણે ગીતા-ગાયક શ્રી કૃષ્ણ પણ પોતાની વાતો અર્જુન પર થોપતા નથી. અર્જુન ને બદલે એ જ વાતો દુર્યોધન ને કહેતા નથી. 'બે હાથે તાળી વાગે' એ સત્યનો છૂપો સ્વીકાર સમગ્ર ગીતામાં છે. ભગવાન મહાવીરને અમુક ગણધરો જ સમજી શકે છે, સ્વીકારી શકે છે, બધા જ સમકાલીનો નથી સ્વીકારી શકતા એટલે આપણે મહાવીર-વાણી નિષ્ફળ માનશું ?

સાહેબ, એક કારખાનાંમાં સડો પેદા ન થાય એટલે અવારનવાર, સતત એ કારખાનાંમાં તૈયાર થતી વસ્તુઓમાં, બગાડ-અટકાવનાર (પ્રીઝર્વેટિવ) રસાયણ ટપક્યા કરે એની કારખાનાંમાં વ્યવસ્થા હોય છે, એવું જ કાંઈક કુદરતમાં બને છે.

કુદરત અમુક જબરદસ્ત વિચાર દ્વારા આ બગાડ-વિરોધી પ્રીઝર્વેટિવ અવારનવાર મોકલે છે અને આ વિચારો જ અવતાર છે. આ વિચારો કે અનુભૂતિ પ્રગટ કરનારા મહાપુરુષો જ ઈશ્વરના અવતારો છે. વિચાર કરો કે સમગ્ર માનવ સમાજ, બધા જ પરિવારો ઢોર જેમ જ આદિમાનવો જેમ જ જીવતા હોય તો ? મારે તેની તલવાર, ભૂખ લાગે કે નૈસર્ગિક આવેગ સાથે એટલે જે નજીક હોય એનો ભોગ લેવો, એજ પરિસ્થિતિ આજે પણ હોત તો ?

પણ આજે આપણે માણસમાંથી દેવ બનવાની ઝંખના ઊંડે ઊંડે અનુભવીએ છીએ, આજે પણ ઉચ્ચ મૂલ્યો ટકી રહ્યાં છે એનું કારણ ઈશ્વરના વૈચારિક અવતારો છે.

હા, અવતારીઓની વાણી અમુક પસંદીદા વ્યક્તિઓને જચે છે, પચે છે. પણ એ મુઠ્ઠીભર લોકો જ સમાજને બંધિયાર બનતો અટકાવવામાં નિમિત્ત બને છે !


Google NewsGoogle News