ગીતાજીના નિત્યપાઠનો હેતુ જીવનની સરાણે ચડે! .
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- હૈયાંમાં રામનામનો દીવડો પ્રગટે તો અંદર અને બહાર, હૈયાંમાં અને રોજિંદી જિન્દગીમાં પણ પ્રકાશ રેલાઈ ઉઠે !
ગી તાજીનો પ્રારંભિક અર્થ સમજાય પછી એનો નિત્યપાઠ થાય, બની શકે તો કંઠસ્થ થાય, એ તો ભગવાનની વાણીમાં પ્રવેશમાત્ર છે. નિત્યપાઠ કે કંઠસ્થ થવા પછીની શક્યતાઓ તો આપણા માંહ્યલાને ઝળહળાવી શકે છે.
''રામનામ મનિદીપ ધરૃં
જીહ દેહરી દ્વાર,
તુલસી ભીતર બાહેરહુ
જો ચાહસિ ઉજિયાર''
સંત તુલસીદાસજીએ તો રામનામ (કે તમારા કોઈપણ ઈષ્ટદેવ હો !) ના મહિમા ગાતાં આ પંક્તિઓ લખી છે : હૈયાંમાં રામનામનો દીવડો પ્રગટે તો અંદર અને બહાર, હૈયાંમાં અને રોજિંદી જિન્દગીમાં પણ પ્રકાશ રેલાઈ ઉઠે !
પણ તુલસીના આ શબ્દો ગીતાજીને પણ લાગુ પડે છે.
માણસને કમાલની વિશેષતાઓ મળી છે : એકબાજુ સંસાર અને પંચેન્દ્રિયોનું જબરદસ્ત આકર્ષણ અને બીજીબાજુ આ બધું ક્ષણભંગુર છે, કશુંક દિવ્ય છે, જે કાયમી છે અને જેની સાથે સંબંધ નથી બંધાયો એની ખૂબ જ છૂપી સભાનતા ! સંસારના નશામાં પૂરા ડૂબેલા જણનાં સુષુપ્ત-મનમાં પણ આ બીજી જાગૃતિ અવારનવાર તણખો પેદા કરે જ ! હા, બહુ ઓછા આ તણખા બાબત સભાન હોય, પણ ઓછીવત્તી જાગૃતિ તો દરેકે દરેક જીવને હોય જ ! બસ, આ દ્વિમુખી જાગૃતિની બાબતમાં માણસ ઢોરોથી જુદો પડે !
અને ગીતાજી કે સંતોની વાણી, એવી જાગૃતિની ક્ષણે જ ચમત્કાર કરે. તમે સંસારની ગણતરી, સંસારનાં જ સત્યોને સાચાં માનીને એ નશામાં ઝુમતા હો, અચાનક પગ નીચેથી પાટિયું ખસી જાય, તમે ભીતસરસા ચંપાઈ જાવ, તૂટી પડવાની અણી પર હો, ત્યારે જ ગીતાજીનું વચન યાદ આવે : ''યોગક્ષેમં વહામ્યહમ્'' (હું સાચવી લઈશ) ''મોક્ષયિષ્યામિ, મા શુચઃ'' (તને છોડાવીશ, ચિંતા ન કર !) ધીરે ધીરે પેલો સાંસારિક ગણતરીનો નશો ઊતરવા લાગે, ને ગીતાના શબ્દો રોમેરોમમાં રાસાયણિક અસર કરવા લાગે. તમે ફિનિક્સ પક્ષી જેમ રાખમાંથી પણ ઊભા થઈ જાવ.
પણ આવી અનુભૂતિ જીવનના પડકારો વચ્ચે જ થાય. સંસાર અને ઈન્દ્રિયલુબ્ધતા અને દુન્યવી ગણતરીઓ સામે જાણે આ ઔષધ જેવું રસાયણ છે. અંગ્રેજીમાં ''પ્રીઝર્વેટિવ'' શબ્દ છે. અમુક ખાદ્યપદાર્થો સડે નહીં એ માટે એમાં પ્રીઝર્વેટિવ તરીકે અમુક રસાયણ નખાય છે. પ્રીર્ઝર્વેટિવ રસાયણ એ પદાર્થને સડતો અટકાવે. તમને સત્તા, લોકસ્વીકાર, દુન્યવી - સફળતાથી છકી ગયેલા, જાણે આ સફળતા કાયમી ઠકરાત છે એવા નશામાં ઝુમતા જણ ભેટયા છે ? કોઈ દુન્યવી નિરાશાથી સાવ ખતમ થઈ ગયા હોય એવી દિવેલિયા મુદ્રાવાળા જણ ભેટયા છે ? આ બન્ને રોગીઓ છે, અને આ રોગનો ઈલાજ સંતવાણીનું ગીતા-વાણીનું પ્રીઝર્વેટિવ છે. આ રસાયણ સફળતા કે નિષ્ફળતાને ઝેરમાં પરિવર્તિત થતાં અટકાવે.
મહત્વની વાત એ છે કે ગીતાજી હો કે સંતવાણી, એનું માત્ર મંથન નહીં, માત્ર મુખપાઠ નહીં, કટોકટી વખતે, સફળતા વખતે કે નિરાશા વખતે એના અર્થ અને ભાવજીવનની સરાણે ચડે.