અધ્યાત્મ માટે પણ લાયકાત જરૂરી .
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- આખું વ્યક્તિત્વ કશુંક દિવ્યત્વ ઝંખે એ જ આધ્યાત્મિકતામાં પ્રવેશની પહેલી શરત છે
સૌ થી વધુ કથાવાર્તા, સૌથી વધુ આત્મા-પરમાત્મા- મોક્ષ-સંસ્કૃતિની વાતો, સૌથી વધુ વૈભવશાળી ધર્મસ્થાનો, પણ તમે કોઈને પણ પૂછો : વિશ્વસનીય વ્યક્તિ મેળવવી બહુ મુશ્કેલ ! આ વિશ્વસનીયતા, રોજબરોજના વ્યવહારમાં સરેરાશ લઘુતમ (મિનિમમ) ઈમાનદારી શું ધાર્મિક ચોપડા કે નૈતિકતાના પાઠ ઠેઠ બાળમંદિરમાંથી જ ગોખાવવાથી ઊગશે ?
તો તો બકરી પલ્લી ખાય એમ પોતપોતાના પંથની વાતો કરતા, ઘરમાં પગલે પગલે, સવારથી સાંજ સુધી સજ્જડ વિધિ-વિધાનો પાળતા દેખાતા જણમાં તમને વિરોધાભાસ ન દેખાવો જોઈએ. એનામાં ઉદારતા, મજબૂર વ્યક્તિની પીડા સમજતાની તાસીરનો અનુભવ થવો જોઈએ. કરોડો હોવા છતાંય સો રૂપેડીની દમડી ન છૂટે એવી કૃપણતા કે પરિગ્રહ ન હોવાં જોઈએ !
ઘણા તો જેમ અલગ અલગ શોરૂમમાં - વિન્ડો શોપિંગ કરે એમ અલગ અલગ ગ્લેમરસ ધર્મપુરૂષો અને અલગ અલગ બ્રાન્ડની શિબિરોમાં ચક્કર મારતા રહે, ને એની સંખ્યાનો રેકર્ડ પણ રાખે. ઘણા પોતે જેનું લેબલ પહેરીને ફૂલાતા ફરતા હોય, એના સિવાયના દરેક અધ્યાત્મ પુરૂષ પ્રત્યે નફરત બતાવે, બરાબર પ્રતિબદ્ધ (કમિટેડ) રાજકીય કાર્યકર્તા જેમ ! તમને આપણે ત્યાં આ વિરોધાભાસ અચૂક દેખાય ! બહુ ઘણા તો અમુક તમુક બ્રાન્ડના પંથગત, ''આધ્યાત્મિક'' મેળાવડામાં જઈ આવ્યા પછી સતત નશામાં ઝૂમતા દેખાય ?
આ વિરોધાભાસનું કારણ અપચો અથવા-અજીર્ણ છે. ખરેખરી ભૂખ વિના ખાવ તો અપચો જ થાય. જેની પાચનશક્તિ નબળી હોય એને ઘીમાં લચપચતો શીરો આપો તો અજીર્ણ થાય. ''હું ઢોર નથી, મને મારામાં કશાંક દિવ્યત્વની ઝાંખી છે'' એવી પ્રતીતિ અન્ય કોઈ જ ન આપી શકે. એવી પ્રતીતિ થાય અને ખરેખર આખું વ્યક્તિત્વ કશુંક દિવ્યત્વ ઝંખે એ જ આધ્યાત્મિકતામાં પ્રવેશની પહેલી શરત છે.
બાળપણમાં એક કવિતા ભણતાઃ
''જોને બા હું મોટો થયો !'' એમાં બાળક પોતાની ખરેખરી સાઇઝ કરતાં મોટો કોટ પહેરીને ગાય છે ''હું મોટો થઈ ગયો.'' દૂર દૂર સુધી સંસારની લાલસા ઓછી ન થઈ હોય, મનખો હકીકતમાં સંસારનાં સુખદુઃખ, સાંસારિક નામના, ધનસંપત્તિને જ સાચાં માનતો હોય, પણ પછી પોતાની બ્રાન્ડના પંથની ઠાવકી વાતો ગોખીને સંસારની ક્ષણભંગુરતા અને પરમાત્માની ભક્તિની વાતો બકવા લાગે ત્યારે નાની સાઇઝના બાળજીવે મોટો કોટ પહેર્યો હોય એવું લાગે.
ઉંમરલાયક ન હોય એવાં બાળકને પરણાવો તો એને લગ્નજીવનનો કોઈ અર્થ ખરો ? અધ્યાત્મ અથવા તો હૈયું દિવ્યત્વ તરફ જાય એવી વાતો સમજાય, એનો ખરેખર રંગ ચઢે એ માટે વ્યક્તિના માંહ્યલામાં લાયકાત જોઈએ. ફરક એટલો કે લગ્નમાં ઉમરની લાયકાત જોઈએ, પણ અધ્યાત્મના માર્ગે અંદરની ખરેખરી ભૂખની લાયકાત જોઈએ.
કોઈપણ પંથનો ખરેખરો હેતુ તો અંદરનાં દિવ્યત્ત્વ તરફ પ્રગતિ થાય એનો છે.
પણ એને બદલે લગભગ બધા જ સંસ્થાબદ્ધ પંથો માટે અંદરનાં દિવ્યત્વને બદલે, એનો લોખંડી ઢાંચો, અને જ્ઞાતિ જેવી રચના, સંખ્યા અને સ્થાપિત હિતો જ મહત્વનાં બની ગયા છે એનું એક જ કારણ છે. લાયકાત વિના, હૈયાંની સાચી ભૂખ વિના, અધ્યાત્મની ભારેખમ વાતોનાં જથ્થાબંધ જાહેર મફતિયાં ભોજન!