Get The App

જીવન અંગે સ્પષ્ટતા : સાર્થકતાની શરત !

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
જીવન અંગે સ્પષ્ટતા : સાર્થકતાની શરત ! 1 - image


- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- કોઈને સ્પષ્ટતા જીવનના પ્રારંભથી નથી હોતી, પણ આંતરિક વિકાસ સાથે સ્પષ્ટતા વધતી જાય છે. 

આ પણામાંથી ઘણાને જીવનના અમુક તબક્કે થતું હોય કે પોતે ખોટી કારકિર્દી કે પ્રવૃત્તિ પસંદ કરીને વર્ષો ગુમાવ્યાં. ઘણાને માંહ્યલો અમુક પ્રવૃત્તિ તરફ પ્રેરતો હોય પણ વાસ્તવિકતા બીજી પ્રવૃત્તિ માટે મજબૂર કરે. આ માત્ર કારકિર્દી બાબત જ નથી બનતું, અંગત જિન્દગીમાં પણ ઘણાને મોડે મોડે ખબર પડતી હોય છે કે જ્યારે ત્રિભેટે ઊભા હતા ત્યારે ખોટી અથવા પોતા માટે અયોગ્ય પસંદગી થઈ ગઈ ! ઘણા અનેક પ્રવૃત્તિઓ કર્યા પછી અમુક પ્રવૃત્તિમાં સ્થિર થાય છે. અમારા એક સ્નેહી ડોક્ટર થયા, પણ એમને પ્રેક્ટિસમાં કોઈ ઉપાયે મન માન્યું નહીં, હવે પ્રોફેસર બનીને શિક્ષણક્ષેત્રે ખુશ છે !

ઘણીવાર વ્યક્તિને ખરેખરી સાર્થકતા શામાં મળશે એ માટે એ લાંબો સમય સ્પષ્ટ ન હોય. કુદરતે જાણે અમુક સંયોગો એના પર થોપ્યા હોય એવું એને ખટક્યા કરે. ધીરે ધીરે એને કુદરતનું આયોજન સ્પષ્ટ થવા લાગે ને એને સમજાય કે ''કુદરતે મને યોગ્ય જ પાઠ સોંપ્યો છે !'' સ્વામી વિવેકાનંદને એમનાં મા પ્રત્યે અપાર લાગણી હતી. માને તીર્થયાત્રાએ લઈ જવાની સતત ઝંખના હતી. એક વાર એમણે સિસ્ટર નિવેદિતાને કહ્યું, ''હું સંસારી થયો હોત તો મા ની સેવા કરી શક્યો હોત !'' સિસ્ટર નિવેદિતાના જવાબમાં જાણે કુદરતનો જવાબ સ્પષ્ટ થયો ! એમણે તરત કહ્યું, ''સ્વામીજી તો અમને સ્વામી વિવેકાનંદ ન મળ્યા હોત ?''

પોતાનાં જીવનના અંતિમ સમયમાં સ્વામીજી ને ઘણીવાર મૂંઝવણ થતી કે કુદરત શા માટે એમની પાસે અમુક કામો ફરજિયાત કરાવતી હોય એવું લાગે છે ? સ્વામીજીએ રામકૃષ્ણદેવના સંસારી શિષ્ય અને સ્વામીજીના ગુરુબંધુ નાગ મહાશયને પોતાની મુંઝવણ કહી. નાગ મહાશયે કહ્યું : તારે શું કરવું એ ચાવી જગદંબાએ પોતાની પાસે રાખી છે. ઘણીવાર સ્વામીજીને પ્રવચન પ્રત્યે પણ વૈરાગ્યભાવ પ્રગટતો.

આ ઉદાહરણ એટલે આપ્યું કે જીવનમાં કુદરતે આપેલ પાઠ અંગે દરેકે દરેક માણસ અસ્પષ્ટ હોય છે. અલબત્ત જેમ પરોઢ થાય, ભળભાંખળું હટે, પ્રકાશ થાય એમ વહેલી મોડી સ્પષ્ટતા થાય છે. કુદરત તમારા માટે પાઠ નક્કી કરે ત્યારે માત્ર તમારી ઝંખનાઓ જ નહીં પણ પરિવાર, સમાજ કે વધારે આગળ લઈએ તો આખા યુગમાં તમારૃં સ્થાન, આ બધા મુદ્દાઓ મુજબ તમને અમુક પ્રવૃત્તિ તરફ, અમુક રોલ (પાઠ) તરફ પ્રેરે. આમાં તમારા કુટુંબ તરફનો પાઠ, તમારૃં સાંસારિક જીવન પણ સમાવિષ્ટ. મહાપુરુષોને આ સ્પષ્ટતા, પોતાને મળેલા પાઠ, જીવનમાં ''રોલ'' અંગેની સ્પષ્ટતા બહુ જલદી મળી જતી હોય. અને આ કુદરતે નિર્મેલ પાઠની સ્પષ્ટતા વહેલી થવાને કારણે મહાપુરુષો ને બહુ ઓછી ફરિયાદો રહે છે.

આમ ન હોય તો ભગવાન મહાવીર, બુદ્ધથી માંડીને આદિ શંકરાચાર્યથી માંડીને સ્વામી વિવેકાનંદ, શ્રીમદ રાજચન્દ્ર જેવા જે ખૂબ નાની વયે સ્વયંભૂ સ્પષ્ટતા કેમ મળી હશે ?

જેમને પણ જીવન અને પોતાના કુદરત નિર્મિત રોલ (પાઠ) અંગે સ્પષ્ટતા મળે છે - એમના પગ જમીન પર હોય છે, પણ નજર દૂર સુધી જતી હોય છે.

કોઈને સ્પષ્ટતા જીવનના પ્રારંભથી નથી હોતી, પણ આંતરિક વિકાસ સાથે સ્પષ્ટતા વધતી જાય છે. જીવનમાં આવતા લાગણીગત કે અન્ય અવરોધો એને હળવા લાગે છે.


Google NewsGoogle News