Get The App

ફરી સાંધી શકું એ છિન્ન તર્જ!

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
ફરી સાંધી શકું એ છિન્ન તર્જ! 1 - image


- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- જીવન પણ સંગીતની જેમ આપણા બુનિયાદી લયની શોધ છે

એ ક ગાયક, ઉપાસક, સ્વરકાર, ભક્ત અને વિદ્વાન એક જ વ્યક્તિત્વમાં સાથે વિકસે તો એમનાં સર્જન ખૂબ સ્પર્શી જાય અને સૂત્રાત્મક હોય : હરિશ્ચન્દ્ર જોષીની આ પંક્તિઓ માણસના જાણ્યે અજાણ્યે બુનિયાદી લયની, હૈયાંના શ્વાસોચ્છ્વાસ સાથે ચાલતી ''રીધમ''ની વાત કરે છે.

''ફરી સાંધી શકું એ છિન્ન તર્જ,

એક પળ આલાપવો છે ભિન્ન ષડ્જ !''

એવી કઈ શોધ છે કે વ્યક્તિ ભૌતિક સફળતા કે સમૃદ્ધિની ટોચે બેસીને પણ કરતો રહે છે ? તમે એ શોધને બેચેની કહો પણ હકીકતમાં એ પોતાની અંદરના સનાતન લયની શોધ છે. આ લય, આ રીધમને નાદબ્રહ્મ કહો, પ્રભવ કહો, અનાહત નાદ કહો, પણ જેનું આ લય સાથે જોડાણ થઈ ગયું એને જીવન બેસુરૃં લાગતું નથી ! કોઈ સમૃદ્ધિની, ટોચે બેઠેલા, તમે જે જે - બાબતોને ભૌતિક રીતે પ્રાપ્ત કરવા યોગ્ય માનો એ મેળવી ચૂકેલ જણના ચહેરા પર ન હોય એ તૃપ્તિ કોઈ અકિંચન ફકીરના ચહેરે દેખાય એનું કારણ પેલા સનાતન-લય સાથેનું જોડાણ છે !

સંગીતકારો એક શબ્દ વાપરતા હોય છે : ''કનરસિયા'' સંગીતના સાધકને રિયાઝ-ઉપરાંત પોતે સારૃં, લયબદ્ધ સંગીત ખૂબ સાંભળવાની સલાહ અપાય છે. એના કાન- સુરીલાપણાં કે બેસુરાપણાંને પકડી શકે તો ધીરે ધીરે એનું સમગ્ર વ્યક્તિત્વ લયબદ્ધ બને !

જીવન પણ સંગીતની જેમ આપણા બુનિયાદી લયની શોધ છે. ગીતાજીમાં ભગવાને દાર્શનિક વાતો કહી હોવા છતાં 'ગીતા' શીર્ષક પાછળ પણ કદાચ આ જ રહસ્ય છે. જીવનને સુરીલું ગીત બનાવે એ ગીતા. હરિશ્ચન્દ્રભાઈ વ્યાવસાયિક સંગીતકાર  નથી, એમને સંગીતની ઉપાસના જીવનનાં વલણ તરીકે આ જન્મ મળી છે એટલે એ પેલી સનાતન તર્જની સાથે પૂરાં અનુસંધાન માટે તાર મેળવી રહ્યા છે.

જેના કાન મૂળભૂત લયને પકડી શક્યા હોય, એ ખૂબ ઘોંઘાટ વચ્ચે પણ એનો તાલ ન ગુમાવે, લયબદ્ધતા ન ગુમાવે મૂળ સૂર ન ગુમાવે ! એ 'છિન્નતર્જ'ને સાંધી લેવાની તડપ કોઈ સદ્ભાગીને સાંપડતી હોય. એકવાર એ તડપ જાગી તો એનું જીવન જ લયની ઉપાસના બની જાય.

નોંધનીય વાત એ છે કે સંગીતનું વલણ કે કવિત્ત્વ જેમ શીખવી ન શકાય, એના  ઢાંચા ન હોય એમ જ  આ અનોખા લયની તડપ પણ આપોઆપ ઉગે તો ઊગે. પછી એનું આખું જીવન પેલા 'ભિન્નષડ્જ'ના આલાપની સાધના કરતું રહે !

યોગભ્રષ્ટ વ્યક્તિને એ સનાતન લયનું સરનામું જન્મ જન્માન્તરથી હૈયે અંકાયેલું હોય, પછી એની જીવનયાત્રા પણ એ જ સરનામા તરફ હોય.

'સાવ અંગત એક સરનામું મળ્યું,

આ જ વર્ષો બાદ એ પાનું મળ્યું!!'

Tags :