સેક્સનું દમન નહીં, તો ગુણગાન પણ નહીં
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- દમન અને સંયમ વચ્ચે, ઉપભોગ અને વિવેક વચ્ચે જબરદસ્ત ફરક છે.
આ પણા દાર્શનિકોને સમજ્યા વિના ઘણા અધૂરિયાઓએ અમુક સંવેદનશીલ બાબતોમાં ઘણી ગેરસમજ ફેલાવી છે. સેક્સ કે ઈન્દ્રિયોના ઉપભોગ બાબતે પણ અંતિમવાદી વાતો-થતી રહે છે. બ્રહ્મચર્યને પણ સેક્સપૂરતું મર્યાદિત કરી નખાયું છે. આપણા ઋષિઓ પરણેલા હતા એ સગવડ ભરી રીતે ભૂલાઈ જવાયું છે.
સેક્સની ઝંખના કુદરતે જીવમાત્રમાં મૂકેલી છે. વિશ્વનું સર્જનચક્ર ચાલતું રહે એ જ કુદરતનો ઉદ્દેશ હશે એવું અનુમાન કરી શકાય.
હા. એ વૃત્તિ અત્યંત તીવ્ર છે. પણ-માનવસમાજે સામુહિક અનુભવને આધારે જુદી જુદી રીતે એ વૃત્તિને સંયમિત કરી છે. ઢોરોમાં એ પ્રકારની સંયમ કે વ્યવસ્થા નથી હોતી. માનવજાત પણ કોઈક જમાનામાં ઢોરો જેમ જ જીવતી હતી, પણ સામાજિક અનુભવે-સેક્સની અભિવ્યક્તિ સંયમિત કરવાની વ્યવસ્થા ગોઠવાતી ગઈ.
ઢોર જેમ અમર્યાદ જીવવું બહુ સરળ છે, પણ જો સરળતાને કે સ્વચ્છંદતાને જ જીવનનો માપદંડ બનાવીએ તો આદિમાનવની જીવનશૈલી તરફ પાછા ફરવું પડે : આપણે પરિવાર સહિત એ જીવનશૈલી તરફ પાછા ફરવા તૈયાર છીએ.
આપણા દાર્શનિકોએ સગવડ મુજબ દહીં દૂધમાં પગ રાખ્યો ન હતો. એ લોકોનું માનવું હતું : નાભિનન્દેત મરણમ્ નાભિનન્દેત જીવનય : મરણનાં ગુણગાન નહીં ને જીવનનો પણ નશો નહીં. ચાર્વાક જેવા દાર્શનિકોએ વર્તમાન જીવન ભોગવી લેવાની વાત કરેલી, પણ જેમને આધારે ભારતીયોની જીવનદ્રષ્ટિ ઘડાઈ એ બહુમતી દાર્શનિકોએ ઈન્દ્રિયભોગ કે સેક્સને ઉચ્ચ સ્થાન આપવાનો અસ્વીકાર કર્યો. કોઈ પણ માણસે માનવજીવન સાર્થક કરવા, છેવટે ઈન્દ્રિયોના ઉત્પાત પર કાબૂ મેળવવો જ આદર્શ છે. માત્ર સેક્સ જ નહીં, કોઈ પણ ઈન્દ્રિયોના સારથિ બનવાનું ધ્યેય જ રજૂ કર્યું.
કારણ કે ઈન્દ્રિય તૃપ્તિ આગમાં ઘી નાખવા જેવી વૃતિ છે. ''હવિષા કૃષ્ણવર્ત્મેવ ભૂયએવાભિવર્તતે'' આગમાં ઘી નાખો તો આગ શાંત ન થાય પણ અચુક આગ વધુ ભડકે. સેક્સ કે ઈન્દ્રિય ઉપભોગને રસ્તે તમે કદી જ શાન્તિ કે સંતોષ ન મેળવી શકો, સમતા, મુક્તિ કે સમાધિ તો બહુ દૂરની વાત થઈ. અતૃપ્ત લોકોને વાંદરાને નીસરણી અપાય એમ સેક્સ દ્વારા સમાધિની વાત કરાય એ પણ સંપૂર્ણ ખોપલી વાત છે. એ માર્ગ-સાયનાઈડના, ઝેરનાં પારખાંનો છે.
તો આપણી સંસ્કૃતિ અને સંસ્કારોએ સેક્સનો વિરોધ કર્યો ? ના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પરિમાણોનો આપણી સંસ્કૃતિએ સ્વીકાર કર્યો છે. ''ધન્યો ગૃહસ્થાશ્રમ'' બહુ જાણીતી પંક્તિ છે.
આપણી સંસ્કૃતિએ સેક્સનાં દમનનું પ્રતિપાદન કર્યું છે એવા અધૂરિયા અને ગણતરીપૂર્વકના પ્રચાર પાછળ, વૃત્તિઓ ને છૂટો દોર આપવાની છટકબારી છે. દમન એને સંયમ વચ્ચે, ઉપભોગ અને વિવેક વચ્ચે જબરદસ્ત ફરક છે. સેક્સનું દમન નહીં અને ગુણગાન (ગ્લેમરાઈઝેશન) પણ નહીં, પણ એ વૃત્તિ સાથે માનવજીવન પ્રત્યેની વિવેકપૂર્ણ જાગૃતિ ! કોઈ પણ સંસ્કૃતિ પાસે બે પસંદગી હોય : એક, ઢોર જેવી બેલગામ વૃત્તિઓ અને બે, છેવટે દરેકમાં રહેલા દિવ્યત્વનો વિજય !
આપણી સંસ્કૃતિ દિવ્યત્વના વિજય પ્રત્યે જ જીવનનાં વલણને પ્રતિપાદિત કરે છે.