હૈયાના ખૂણાનું ઠાકર-મંદિર સાચવીએ! .
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- રોજબરોજની જીંદગીનાં વાવાઝોડાં, વૃત્તિઓનાં તોફાન, જાત અને જગત સાથેનો કલહ ભલે આવતાં રહે ને જતાં રહે, પેલા હૈયાં-મંદિરને એ તોફાનોથી અલિપ્ત રાખવાની સતત સાવચેતી જોઈએ.
અ ડાબીડ જંગલની પદયાત્રીએ નીકળ્યા હોઈએ, ઘનઘોર રાત પડી ગઈ હોય, મેઘાડમ્બર છવાયો હોય, ને અચાનક વાવાઝોડામાં ફસાઈ જઈએ. કાજળઘેરી રાતમાં રસ્તો સૂઝવાનું તો બાજુમાં રહ્યું, પોતાનો હાથ પણ નજરે ન પડે એવી હાલત હોય, ને થોડે દૂર ઉજાશનાં દર્શન થાય. આપણું વ્યક્તિત્વ એવી કોઈ મૂંઝવણમાં ફસાયું હોય કે કોઈ જ રસ્તો સૂઝે નહીં. બુદ્ધિ, પૈસો, ગણતરી, લાગવગ, ચાતુર્ય, કોઈ જ ચાવી ઉકેલ લાવી ન શકે, વળી કોઈ જ એવો દુન્યવી નાતો ન રહ્યો હોય, જે સાચા અર્થમાં શ્રદ્ધા કે ભરોસાનું સંક્રમણ કરી શકે, બરાબર ત્યારે અચાનક અન્તર્મુખી બની જવાય ને ઉકેલ મળી જાય. અનિર્ણય અને અનિશ્ચિતતાની હાલતમાં થરથર ધૂ્રજતા હોઈએ, ને હૂંફાળો ઉજાશ સાંપડી જાય !
આવો અનુભવ ક્યારેક તો અચૂક કર્યો હશે.
જો આવાં વાવાઝોડાં વચ્ચે શાતાદાયક ઉજાશ અનુભવ્યો હોય, તો સમજી લેજો કે હૈયાંના ખૂણે રહેલું ઠાકર-મંદિર હૂંફાળું આમંત્રણ આપી રહ્યું છે.
વરસાદને ટાંકણેજ માટીની મીઠી-ભીની સુગંધ- પ્રસરી ઉઠે, બરાબર એજ રીતે આપણે જ્યારે અતિ-મુશ્કેલ, નિરાશામય સંજોગોમાં ઘેરાઈ ગયા હોઈએ, ત્યારે જ આપણા હૈયાંનાં ઠાકરમંદિરના ઘીના દીપકની પવિત્ર સુગંધ-મહેંકી ઉઠે છે.
દુનિયાથી ત્રસ્ત થયેલ વ્યક્તિ ઘરે આવે ને, ઘરમાં એક આગવાં સ્થાને જાળવેલાં ગૃહ-મંદિરને આશરે જઈ, પલાંઠી વાળીને એકાગ્ર બની જાય, ને થોડી જ ક્ષણોમાં તો ઠાકર-મંદિરની ચેતનાનો હૂંફાળો પ્રવાહ વિદ્યુત પ્રવાહની માફક એને નૂતન તાજગીથી સભર કરી દે. બસ, બરાબર એવું જ હૂંફાળું ઠાકર-મંદિર આપણાં હૈયાંને ખૂણે રહેલું છે. જરૂર છે એ ગુપ્તમંદિરને ઓળખી કાઢીને અનુસંધાન રાખવાની. હૈયાંનાં એ ગૃહમંદિરના ખૂણાની આમન્યા જળવાવી જોઈએ, એમાં બેઠેલા વહાલોજીનું ગૌરવ અકબંધ રહેવું જોઈએ. રોજબરોજની જીંદગીનાં વાવાઝોડાં, વૃત્તિઓનાં તોફાન, જાત અને જગત સાથેનો કલહ ભલે આવતાં રહે ને જતાં રહે, પેલા હૈયાં-મંદિરને એ તોફાનોથી અલિપ્ત રાખવાની સતત સાવચેતી જોઈએ. ઠાકરમંદિરની નાનકડી ઘીનો દીપશિખા સાચવવી જોઈએ, જેથી તોફાનમાં એ જ્યોતની સુગંધ આપણને તરબતર રાખે, એનો મૃદુ ઉજાશ-આપણને માર્ગદર્શન કરે.
પછી ભલેને એક નહીં, હજાર વાવાઝોડાં છો - આવતાં ! જીંદગીની રંગભૂમિ પર ઇચ્છા અનિચ્છાએ ભલે અનેક નાટકીય પાઠ ભજવવા પડે. ભલે બધા જ દુન્યવી સેતુ તૂટી જાય, હૈયાંના ઠાકરમંદિરની દીપ-જ્યોત- અખંડ રહે, તો આપણને નિરાશા કે ભય હતાશ નહીં જ કરી શકે.