ભાષા, સંસ્કૃતિ, ધર્મ ગાઢ રીતે જોડાયેલાં છે
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- પરમાત્મતત્ત્વને તમે સાકાર રૂપે ભજો કે નિરાકારરૂપે દ્વૈત કે અદ્વૈત બન્નેનો ગીતા ઉદારતાથી સ્વીકારે છે.
આ લોકો ઝાડો, પર્વતો, નદીઓ, સમુદ્ર, સૂર્ય, ચન્દ્ર, પ્રાણીઓને પૂજે છે. આ લોકો રામ, કૃષ્ણ, હનુમાન, શિવ, જગદંબાના અનેક સ્વરૂપો અને અગણિત દેવ-દેવીઓને પૂજે છે. આ લોકોની મહિલાઓ કપાળમાં સૌભાગ્યનાં પ્રતીક રૂપ ચાંદલો કરે છે. આ લોકો બ્રાહ્મમુહૂર્તને ભારે પવિત્ર માને છે. આ લોકો ગાયને માતા જેમ પૂજે છે. આ લોકોને મન કેસરી રંગ ત્યાગ અને વિશાળતાનો રંગ હોવાથી પૂજનીય છે.
આ લોકોના પૂર્વજોએ, ઋષિઓએ જે ભાષામાં હજારો વર્ષોથી આજ સુધી પણ જગત આખાને પ્રેરણા આપતા ગ્રન્થો લખ્યા એ ભાષા, સંસ્કૃત એમની રગેરગમાં ધબકે છે.
આ લોકો અતિથિને દેવ માને છે. આ લોકો માટે મા-બાપને, વડીલોને પગે લાગવું એ શિષ્ટાચાર નથી, જીવનનો ધબકાર છે, અનિવાર્ય ભાગ છે. જે સનાતન સંસ્કૃતિ આ લોકોનાં શ્રીફળમાં છે, જીવનશૈલીમાં છે, ઘરમાં પ્રવેશતી પુત્રવધૂનાં કુંકુંમ પગલાં માં છે, એ સંસ્કૃતિ એમનાં જીવનમાં જીનેટિક્સમાં ક્યાં નથી એ પ્રશ્ન છે.
તો આ સંસ્કૃતિ સાથેના એમના ગર્ભનાળ સંબંધને કેમ વિખૂટો પડાય? ધર્મસ્થાનો તોડીને? પુસ્તકભંડારો સળગાવીને? જબરદસ્તીથી એ લોકોનાં શ્રદ્ધા કેન્દ્રો શોધી શોધીને ત્યાં સતત માનસિક આક્રમણ કરીને?
ના. ઈતિહાસ સાક્ષી છે કે આ બધા ઊધામા કર્યા પછી પણ આ સનાતન ધર્મ કે સંસ્કૃતિનો નાશ નથી શક્ય બન્યો.
કારણ કે જીવનશૈલી, ભાષા ધર્મ, ઇષ્ટદેવો, શ્રદ્ધા કેન્દ્રો એકમેકમાં સુગંધ જેમ ઓતપ્રોત હોય. કોઈ સુગંધી ફૂલને છેદીને તમે એનો બાહ્યભાગ નષ્ટ કરી શકો, પણ એની સુગંધ નષ્ટ ન જ કરી શકો, અને અહીં તો સુગંધ જીવનશૈલી, ભાષા, ઈષ્ટ શ્રદ્ધાકેન્દ્રોથી માંડીને સમગ્ર જીવનનાં વલણમાં ઓતપ્રોત છે. કોઈ જ કાવતરાં એને ખતમ ન કરી શકે, કારણ કે તમે ક્યાં હુમલો કરશો ? આ સુગંધ તો માનવરકત જેમ સમગ્ર સામાજિક કે રાષ્ટ્રીય વ્યક્તિત્વમાં ફેલાયેલ છે !
સનાતન સંસ્કૃતિ આટલી વ્યાપક બનવાનું કારણ એ કે આખી જીવનશૈલી કોઈને પ્રભાવિત કરવા, કોઈને વટલાવવાનાં કાવતરાં રૂપે સ્થપાઈ ન હતી. હિમાલયમાં જેમ ફૂલો વેલી વિકસે એમ હજારો વર્ષોથી આ સંસ્કૃતિ વિકસી છે.
તમે ગીતામાં ક્યાંય શું ખાવું, શું ન ખાવું એ પદાર્થોની સૂચિ નહીં જુઓ, પણ ક્યા પ્રકારના પદાર્થો રાજસ કે તામસ હોય જેનાથી માણસમાં ઢોર જેવી વિકૃતિ સર્જાય એના ઈશારા જોવા મળશે. પરમાત્મતત્ત્વને તમે સાકાર રૂપે ભજો કે નિરાકારરૂપે દ્વૈત કે અદ્વૈત બન્નેનો ગીતા ઉદારતાથી સ્વીકારે છે.
મજાની વાત એ છે કે તમે માત્ર કેસરી કપડાં, માત્ર પ્રકૃતિની પૂજા જેવી બાબતોની નકલ કરી ને ભોળા લોકોને છેતરી શકો, પણ સનાતન સંસ્કૃતિ જેવી સુગંધ પેદા ન કરી શકો!