ધ્યાન : કળીમાંથી પુષ્પ બનવાની ઘટના
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- મીરાંબાઈ માફક જે દરદની દવા જાતે જ શોધવી પડે છે, જાતની પ્રયોગશાળામાં જે પેદા કરવી પડે છે, એની સારવાર કોઈ આશ્રમ, કોઈ કોમ્યૂન, કોઈ શિબિરમાં શક્ય થાય ખરી?
લોકલ ટ્રેનના પ્રથમ વર્ગના ડબ્બામાં (હાજી, ડબ્બા-સિવાય બીજું શું કહેશું ?) એક ડાહ્યાડમરા દેખાવા યત્ન કરતા, દેહથી વડીલ દેખાતા, ખાધે પીધે સુખી જણાતા ભાઈ કોઈ જણને સલાહ આપી રહ્યા હતા ''અમારા ગુરુદેવ તો બધાં ને એક જ સલાહ આપે : કોઈ ભારેખમ મોટા ઉપદેશ નહીં : માત્ર અને માત્ર એક જ સલાહ : બધાંને પ્રેમ કરો ! તમારી દીકરીને કહો કે પતિને પુષ્કળ (કેમ જાણે પ્રેમ દૂધ-ઘી જેવો, વજન કરી શકાય એવો, ''ડેવલપ'' કરી શકાય, ફ્રીઝમાં સાચવી શકાય એવો ખાદ્ય પદાર્થ હોય) પ્રેમ કરે, જો જો પ્રેમમાં કેવો જાદૂ છે, એમના પતિ વેશ્યાગમન, દારૂ વગેરે બધું છોડી દેશે.''
પેલા ભાઈ બિચારા આપણા જેવા ક્ષુલ્લક, અજ્ઞાન જીવ હશે. તેમણે સામી તપાસ કરી :
''વડી લ, પણ દીકરી શી રીતે, શાના વડે પ્રેમ કરે ? એને પ્રેમ કરતી કરવાની કોઈ અક્સીર ''ફોર્મ્યુલા'' ખરી ?''
હવે ભોંઠા પડવાનો, ગેંગેં ફેંફેં થવાનો વારો પેલા વડીલનો હતો. તેમણે વાતનો આડે પાટે ચઢાવી. ગુરુદેવની અલૌકિકતા, ગુરુદેવનાં લાખો પ્રવચનો, ચમત્કારોની વાતો શરૂ કરી દીધી.
જો પ્રેમ કરવાની ભક્તિ કરવાની સંપૂર્ણ પદ્ધતિની ''કિટ'' કે ''સારવાર-પેટી'' શક્ય હોય તો ધ્યાનનો - ''કોર્સ'' હોઈ શકે.
જો કોઈ ધ્યાન ''પદ્ધતિ'' દ્વારા વૃત્તિ કે વલણ બદલી શકાતાં હોય, તો દૂર જવાની જરૂર નથી : તમારાં બધાં જ સંતાનોને અમુક તમુક પદ્ધતિ દ્વારા ''અન્તર્મુર્ખી'' બનાવી બતાવો. (યાદ રાખો : એકાગ્રતા અને અન્તર્મુખી વૃત્તિ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે)
જો કોઈ બે કાળાં માથાંના માનવી વચ્ચે પ્રેમ પેદા કરવાની ''પદ્ધતિ'' શોધી શકો તો ધ્યાન નું ''સારવાર'' માં રૂપાન્તર કરી શકો.
ભલા માણસ, જે રોગનાં મૂળ શોધ્યા પછી, જાગ્યા-પછી અન્ય કોઈ જ જણ જેની દવા આપી શકતો નથી, મીરાંબાઈ માફક જે દરદની દવા જાતે જ શોધવી પડે છે, જાતની પ્રયોગશાળામાં જે પેદા કરવી પડે છે, એની સારવાર કોઈ આશ્રમ, કોઈ કોમ્યૂન, કોઈ શિબિરમાં શક્ય થાય ખરી ? ધ્યાન કેટલા ઊંડા રોગની દવા છે એ જાણો છો ? જન્મ જન્માન્તરથી ભટકતાં મનને પરમ તેજ તરફ નિહાળતું કરવાનું છે, અને ધ્યાન તો બહુ આગળનું પગથિયું છે. પહેલું પગથિયું તો - ભક્તિનાં 'બીજ'નું છે. આપણું ચાલે તો આપણે ભક્તિનાં જથ્થાબંધ બીજનું ''માર્કેટિંગ'' કરવાનાં કોમ્યૂનો, આશ્રમો ખોલી નાખીએ !
ધ્યાન કળીમાંથી પુષ્પ બનવાની ઘટના છે.
પુષ્પનું બીજ અન્ય કોઈ રોપી શકે, એને સાચવી શકાય, એને પસંદગીની ભૂમિમાં રોપી શકાય, પણ ભક્તિનું બીજ પેદા કરવા, સાચવવા કે પસંદગીનાં ચિત્તમાં આરોપી શકવાની કોઈ ''પ્રક્રિયા'' હોઈ શકે ?
છતાં ધ્યાન શું છે એ સમજવા માટે કળીમાંથી પુષ્પ બનવાનું ઉદાહરણ ઘણું અનુરૂપ થઈ પડે.
તત્વજ્ઞાન ધ્યાન, ભક્તિ કોઈ સભાન પ્રક્રિયા છે કે જે ક્લાસરૂમમાં શીખાય કે કોઈને શીખાવી શકાય ?