સ્વામી રામતીર્થ જાતને ''બાદશાહ'' કેમ કહેતા?
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- ''જે બાદશાહ કોઈ પર આધારિત હોય, પરાવલંબી હોય એને બાદશાહત કહેવાય જ કેમ? સાચો બાદશાહ પરપ્રકાશિત કેમ હોય? અમેરિકાના પ્રમુખ હો કે અન્ય કોઈ દુન્યવી સત્તાશાળી વ્યક્તિ હો, એમની બાદશાહતનો આધાર એમની ખુરશી કે સત્તા પર છે
સ્વા મી રામતીર્થ આપણા યુગના અત્યંત પ્રભાવશાળી સંતોમાંના એક હતા. એ પોતાને ''સારી જહાં કા બાદશાહ'' તરીકે (મસ્તીમાં) ઓળખાવતાં. અમેરિકામાં એક જિજ્ઞાાસુએ એમને પૂછયું : ''સ્વામીજી, અહીં અમેરિકામાં તો અમેરિકાના પ્રમુખ જ બાદશાહ છે. તમે એનાથી પણ ચડિયાતા ? તમે તો જાતને જગતના બાદશાહ કહો છો ? આ સમજાતું નથી.''
સ્વામી રામતીર્થ હસ્યા અને કહ્યું, ''જે બાદશાહ કોઈ પર આધારિત હોય, પરાવલંબી હોય એને બાદશાહત કહેવાય જ કેમ ? સાચો બાદશાહ પરપ્રકાશિત કેમ હોય? અમેરિકાના પ્રમુખ હો કે અન્ય કોઈ દુન્યવી સત્તાશાળી વ્યક્તિ હો, એમની બાદશાહતનો આધાર એમની ખુરશી કે સત્તા પર છે. એ ખુરશી કે સત્તા હટી, એટલે બાદશાહત પણ પાણીમાં ! મારૃં સુખ-દુ:ખ, જય-પરાજય કોઈના ઓશિયાળાં નથી!''
પરપ્રકાશિત, એક યા બીજી ખુરશી કે કોઈના આધારે ચાલતી ખોખલી બાદશાહત એ આપણે ત્યાં ફેલાયેલ વ્યાપક રોગ છે. તમે જેને આધારે ''વડા ભા'' કે ''મોટા માણસ'' બનવા કે દેખાવા ફાંફાં મારો છો, એ આધાર કેટલો ટકાઉ છે ? એ આધાર હટી જાય કે એ આધારનું આયુષ્ય પુરૃં થઈ જાય પછી તમારી સ્વકીય પ્રવતિભાને આધારે કેટલું ટકી શકશો ? પુરસ્કાર, પદવી, સંસ્થાઓ પર કબજા, જેને આધુનિક ભાષામાં ''નેટવર્કિંગ'' કહે છે એ વાટકી વ્યવહારની અસર કેટલી અને કેટલી ટકાઉ ?
ઠીક છે : આપણે સામાજિક પ્રાણીઓ છીએ. પરસ્પરનો સહકાર જરૂરી છે, પણ સહકાર એક વાત અને ઓશિયાળાપણું સાવ જુદી વાત. જે વ્યક્તિ પોતાની ઓછીવત્તી ઈશ્વરદત્ત પ્રતિભા પર આત્મનિર્ભર હોય, એ કોઈપણ સાથ સહકારને આવકારશે, પણ એના આધારે જ પોતાની ઈમારત ચણવાની ભૂલ નહીં કરે. લોકરંજન, સરેરાશ લોકોની વાહવાહી પણ આવી જ એક છેતરામણી આદત છે. આપણે પ્રતિભાને કારણે લોકો વાહવાહી કરે એ સાઈડ પ્રોડક્ટ છે, પણ એના પર આપણો પૂરો મદાર બાંધીએ તો અચૂક ભોઠા પડવાનો વારો આવે જ છે.
કારકિર્દી હો કે અંગત જીવન કોઈના પર પુરા આધાર સાથે જીવવું બહુ આરામદાયક લાગે. પગથિયાં ઉતરવાં સરળ લાગે, પણ ચડવું થોડું કષ્ટદાયક લાગે. પણ માણસને મળેલ અણમોલ સ્વાતંત્ર્ય પણ પરાવલંબનને કારણે ખતમ થઈ જાય. બે જણ વચ્ચેની લાગણીના સંબંધોમાં પણ જ્યારથી તમે પરાવલંબી કે ઓશિયાળા બનો ત્યારથી તમારૃં શોષણ શરૂ થઈ જાય. મૈથિલીશરણની યાદગાર પંક્તિ છે:
સ્વતંત્રતા કી એક ઝલક પર
ન્યૌછાવાર કુબેર કા કોશ!