જેટલા ઊંડા લયને છંછેડે એટલું વધુ ટકે!
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- દરેક વ્યક્તિનાં હૈયાંના પાતાળમાં એક ઊંડો લય સતત ધબકતો હોય છે. તો બધાને ઊંડી વાતો કેમ સ્પર્શતી નથી?
ક હેવાય છે કે શેક્સપીયરના જમાનામાં ગુનેગારો ને પકડવા નાટકોનો ઉપયોગ થતો અત્યંત નિષ્ણાત અભિનેતાઓ નાટકોમાં ખૂબ જ હૃદયસ્પર્શી અભિનય કરતા. નાટક જોઈ રહેલ ગુનેગાર હલબલી ઊઠતો અને ગુના શોધકોને તપાસ સરળ બની જતી !
માણસનાં વ્યક્તિત્વના સ્તર હોય છે. સપાટીના સ્તરની લાગણીઓને છંછેડવી, અને એનાથી ખળભળવું સરેરાશ મોટા ભાગના લોકો માટે ખૂબ ત્વરિત હોય છે. સરેરાશ તત્કાલીન વિષયોને સ્પર્શતા લેખો, પ્રવચનો, મજાક, કહેવાતાં મોટિવેશન, જાતીયતા, વિજાતીય આકર્ષણને લગતી વાતો ખૂબ જલ્દી સ્પર્શે અને છંછેડે. પણ આ સપાટી પરની છેડછાડ, શબ્દો અને રજુઆતની નાટકીયતા, ચબરાક શૈલી બરાબર સપાટી પરનાં મોજાં જેમ ઓસરી પણ જલદી જાય.
રોજિંદી જિન્દગીમાં તમે કોઈ જોક કે ટૂચકો કહો તો મોટાભાગના ને એ જલ્દી સ્પર્શે, કારણ કે વ્યક્તિત્વના સપાટીના સ્તર સાથે સંબંધ હોય છે. આપણે જેને 'આઈ ક્યૂ કે બુદ્ધિ આંક કહીએ છીએ એને પણ ઝાઝાં ઊંડાણ સાથે સંબંધ નથી હોતો. આ જ કારણે સરેરાશ ટૂચકા કે બુદ્ધિયુક્ત ઊખાણાં ને તરત પકડી શક્તા લોકો ઘણીવાર હૈયાંનાં ઊંડાણો સાથે સંબંધ ધરાવતાં કાવ્યો કે વાતોને પકડી નથી શક્તા.'
દરેક વ્યક્તિનાં હૈયાંના પાતાળમાં એક ઊંડો લય સતત ધબકતો હોય છે. તો બધાને ઊંડી વાતો કેમ સ્પર્શતી નથી ? કારણ કે બધા પોતાના ઊંડા લય સાથે જોડાયેલા હોતો નથી. જેમને પોતાના ઊંડા લય સાથે સતત સંબંધ હોય એને ઊંડા લયની વાતો તરત રોમાંચિત કરે છે.
વ્યક્તિનો ઊંડો લય જ એને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા લય કે રીધમ્ સાથે જોડે છે. આ જ કારણે ઘણીવાર ભાષા અને દેશ અલગ હોવા છતાં પણ વાદ્ય સંગીત કે શાસ્ત્રીય ગાયકના સૂરો કોઈ જ ભેદ વિના અનેકના ઊંડા લયને આંદોલિત કરી શકે. દાર્શનિકો કહે છે કે સમગ્ર માનવજાતનો આન્તરિક લય વિશ્વમાં વ્યાપેલા સનાતન લય સાથે જોડાયેલો છે. અંગ્રેજીમાં આ વૈશ્વિક લયને 'કોસ્મેકિ કોન્સિયન્સ' કહે છે.
ભાષાની વાત ક્ષણભર બાજુ પર રાખીએ. ગીતા, ઉપનિષદો, આગમો, મહાન સંતોની વાણી, હજારો વર્ષો અને ભૂગોળની મર્યાદા ઓળંગીને, એનો ધ્વનિ આજે અને હમેશા તરોતાજા, (રિલેવન્ટ) પ્રસ્તુત લાગવાનું કારણ એ જ કે મહાપુરુષોની વાતો સૌથી ઊંડા વૈશ્વિક લય સાથે સતત જોડાયેલી હોય છે.
હકીકતમાં, અધ્યાત્મની દ્રષ્ટિએ, માણસ પોતાનાં પાતાળમાં રહેલા વૈશ્વિક સનાતન લયથી જેટલો નજીક આવે એટલી એની નજરો વિશાળ બને, એને સંસારનાં ક્ષણિક સુખદુ:ખનાં આવાગમનનાં મોજાં વિચંલિત ન કરે :
અષ્ટાવક્ર ગીતા કહે છે એવી અનુભૂતિ થવા લાગે :
'મયિ અનંત મહામ્બોધૌ
જગદ્વીચિ : સ્વભાવત :
ઉદેતુ વાસ્તમાયાતુ
નમે વૃધ્ધિ : નમે ક્ષતિ :'
(હું મૂળભૂત રીતે અનંત મહાસાગર છું, જગતનાં સુખદુ:ખનાં ઉપરછલ્લાં મોજાં આવે ને જાય, પણ મારાં મૂળ સ્વરૂપમાં નથી વધારો થતો, નથી ઘટાડો !)