Get The App

નજર વિશાળ બને એ પ્રભુના પગરવનો અણસાર!

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
નજર વિશાળ બને એ પ્રભુના પગરવનો અણસાર! 1 - image


- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- અનેક સફળતાઓ જે અન્યને પાગલ કરી દે તે તમને ઝાઝી અસર કરી શકતી નથી. દુ:ખ તમારી સુધબુધ પર કબજો જમાવી શકતું નથી

ક્ષુ લ્લકતા, ક્ષણિકતા સાથે સતત પનારો પડવો એ જિન્દગાનીની કાયમી વાસ્તવિકતા, કાયમી પડકાર છે. હા બધાં માટે એ પડકાર નથી હોતો, કેટકેટલા, મોટા ભાગના લોકો ક્ષુલ્લકતા, ક્ષણિકતાના ગુલામ બની જાય છે, બરાબર પાળેલા કૂતરા જેવા ગુલામ ! વાંધો અહીં જ છે. એ લોકોની આંખોનો વ્યાપ જ મર્યાદિત બની જાય છે. તમારે મોકાની જગ્યાએ દુકાન ખોલવી હોય, તમે એક ખરેખર મોકાનું, રાજમાર્ગ પરનું વ્યૂહાત્મક સ્થળ પસંદ કરો, પણ ત્યાંથી રસ્તો પહોળો કરવા માટે બે-ચાર વર્ષમાં જ સરકારી તવાઈ આવશે, તમારી દુકાન તોડી જ પડાશે એનો ખ્યાલ ન હોય તો તમારી દશા કેવી થાય ?

દિગમ્બર જૈન સંપ્રદાયમાં એક બહુ સાંકેતિક છતાં વેધક શબ્દ છે: ''ક્ષુલ્લક'' અહીં વ્યક્તિ ક્ષુલ્લક હોવા છતાં કાળની વિશાળતાને નજરમાં સમાવતો હોવાથી ''વિશાળ'' છે. આ નજર વિશાળ બનવાનો વિકાસ ભારે અદ્ભુત ઘટના છે. તમે કાળાં માથાના હો, બધા જેવા હો, છતાં બદલાઈ જાવ. તમે બાહ્ય રીતે અન્ય જેવા જ હોવા છતાં તમારૃં વલણ, પરિસ્થિતિ પ્રત્યેના તમારા પ્રત્યાઘાત બદલાઈ જાય. આ રૂપાન્તર બહુ જ સૂક્ષ્મ હોય છે. આ રૂપાન્તર સાથે ''પેકેજ ડીલ'' તરીકે અનેક સાત્ત્વિક ગુણોનું આખું લશ્કર આવે છે. ઈર્ષ્યાની નબળાઈ દૂર થવા લાગે છે. તમારી વળગણ અને આસક્તિની નિર્બળતા દૂર થવા લાગે છે. તમારામાં જાત પરનો સંયમ મજબૂત બનતો જાય છે, અનેક સફળતાઓ જે અન્યને પાગલ કરી દે તે તમને ઝાઝી અસર કરી શકતી નથી. દુ:ખ તમારી સુધબુધ પર કબજો જમાવી શકતું નથી. શું ગીતાજીનાં ''સ્થિતપ્રજ્ઞા''નાં લક્ષણો યાદ આવ્યાં ? હા, આજ તો સ્થિતપ્રજ્ઞા દશા તરફની ઉન્નતિનાં લક્ષણો છે. આજ તો પ્રભુનો પગરવ સ્પષ્ટ- સંભળાવવાના અણસાર છે. તમારા કાન અને આંખની અંદર રહેલા ગુપ્ત કાન અને ગુપ્ત આંખો નિર્મળ થવાના અણસાર છે. ભક્તિ નામનું તત્ત્વ ખરેખર તો ભારે વિરલ જણસ છે. વિશાળ નજર એ ભક્તિતત્ત્વ જેમાંથી અચૂક વિકસશે એવી કોમળ કળી છે. ભક્તિની, ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા પહેલી કે વિશાળ નજર, વિવેક દ્રષ્ટિ પહેલી એવો પ્રશ્ન જાગે તો કહી શકાય કે ભક્તિ જ છૂપે વેશે પ્રગટે ત્યારે વિશાળ નજર રૂપે પ્રગટે છે.

આફ્રિકા જનારા મુસાફરને ઝેરી તાવનાં મારણ રૂપે ઈંજેકશન લેવાં પડતાં. એ ઈંજેક્ષનનાં ઔષધની અસરથી એ તાવના હુમલા સામે સુરક્ષિત રહેતો જગન્નિયંતા તમને મૂઠી ઊંચેરા બનાવે, તમારાં સમકાલીન જગતથી સો વર્ષ આગળની કે સો માઇલ વધુ ઊંડી સમજ આપે, ત્યારે પેકેજ ડીલ તરીકે એક ઔષધનું ઈંજેક્ષન પણ આપતો હશે. એ ઔષધ છે: વિશાળ નજરનું. કારણ, ઈશ્વરે આપેલી જન્મજાત પ્રતિભા એવી તો અજાયબી છે કે કોઈને એ ''ઐશ્વર્ય''ની ઈર્ષ્યા ન થાય તો જ નવાઈ લાગે. દયાનંદ સરસ્વતી ક્રાંતિનો ઝંડો લઈને નીકળેલા ત્યારે બહુમતી સ્થાપિત હિતો એમને બોલતા બંધ કરવા માટે જે આકાશ-પાતાળ એક કરતા એની વાતો 

ખરેખર વાંચવા જેવી છે. દયાનંદને ખુલ્લી છાતીએ શાસ્ત્રાર્થમાં જીતી ન શકે એવાં અગણિત મગતરાં ભાડૂતી ટોળાં બોલાવી, બૂમાબૂમ કરાવીને પણ દયાનંદને બોલતા બંધ કરવા ભરચક પ્રયાસો કરતા. આ સંયોગોમાં પણ દયાનંદનાં આંતરિક ઐશ્વર્યને સુરક્ષિત રાખનાર તત્ત્વ એમની 'વિશાળ નજર' હતી.

તમારી દ્રષ્ટિ વિશાળ બને એટલે તમે સમકાલીન-જેલ, સમકાલીન મૃગજળના ગુલામ બનતા અટકો. તમને જે સત્યનારાયણનાં સૂર્યનાં દર્શન થતાં હોય એ તમને સતત દૂરનો ખ્યાલ આપ્યા કરે. નાનકડાં રમકડાં, નાનકડી ઈર્ષ્યાઓ, નાનકડા ''વરઘોડા'' (ગામડાં, નાનાં ગામોમાં નવપરિણિત વરરાજાનું સરઘસ નીકળતું. આખું સરઘસ ''સ્ટેજ મેનેજડ'' હોય. વરરાજાનાં માતા, પિતા, ભાંડરૂઓએ પૂર્વ આયોજિત કરેલું), નાનકડી સિધ્ધિઓ કે પગ-ખેંચ તમને વિચલિત ના કરી શકે. પેલી અત્યંત વેધક અંગ્રેજી કવિતા, શેક્સપિયરનું અદ્ભુત સર્જન એવી એ પંક્તિ સતત યાદ રહે :

''વ્હુ બાયસ એ મિનિટ્સ મર્થ

ઓર સેલ્સ ઈટરનીટી ટુ ગેટ એ ટોય ?''

(દીર્ઘજીવી, સનાતન તૃપ્તિના સોદામાં એકાદ-બે રમકડાં કે એકાદ મિનિટનો રોમાંચ મેળવવા કોણ તૈયાર થાય ?)

પણ શેક્સપિયર જેવી સમજ આપણામાંથી કેટલા મેળવવા ભાગ્યશાળી હશે ? પ્રભુનો પગરવ કોને સંભળાતો હશે ?


Google NewsGoogle News