પાણીની તંગી જેમ જ હૂંફનો દુકાળ .
- અન્તર્યાત્રા-ડૉ. સર્વેશ પ્ર. વોરા
- દેખાડાનો શિષ્ટાચાર જ જરૂરી એ આપણે હવે જાણે સહજપણે સ્વીકારવા લાગ્યા છીએ
આપણે ત્યાં જેટલો ''મોટો'' માણસ, એટલા જ એના પ્રસંગોમાં લોક-સંખ્યા વધુ ! એક ખૂબ વગદાર ધનવાનને ત્યાં લગ્નનાં રિસેપ્શનમાં ગયો. દરવાજા પર એક ભાડૂતી માથે સાફો પહેરેલો, શણગારેલો જણ દરેક મહેમાનને કહી રહ્યો હતો ઃ ''આવોજી, કેમ છો જી ? પધારો જી ! જમીને જજો જી'' આ શબ્દો તો બરાબર હતા, કે પઢાવેલા પોપટ જેમ, એક પછી એક દરેક મહેમાન સામે હાથ જોડીને એ જ વાક્યો ફરી ફરી બોલી રહ્યો હતો !
યાંત્રિકતાની પરાકાષ્ઠા !
જે પ્રસંગે હૂંફાળા આવકાર અને કુટુંબના સભ્યો તરફથી સ્નેહસભર સ્વાગત હોવું જોઈએ એ પ્રસંગે આવી હાસ્યાસ્પદ જડતા ?
પણ જ્યારે સંખ્યા જ મહત્વની હોય, કોને આમંત્રણ પાઠવ્યા છે એની યજમાનને ખબર સુદ્ધાં ન હોય, સ્ટાફના માણસો એ જ જથ્થાબંધ આમંત્રણો મોકલી દીધાં હોય ત્યાં બીજો રસ્તો પણ ક્યો ?
હૂંફ કે પ્રેમ કે લાગણીઓ નહીં, માત્ર-દેખાડાનો શિષ્ટાચાર જ જરૂરી એ આપણે હવે જાણે સહજપણે સ્વીકારવા લાગ્યા છીએ.
આ યાંત્રિકતા તો દેખાઈ આવે છે, પણ - હકીકતમાં આ આપણા સમાજમાં રગરગમાં વ્યાપી ગયેલ શુષ્કતા (હૂંફ, સંવેદનાનો અભાવ)નાં સપાટી પરનાં ચિહ્નો છે.
માણસ જન્મજાત રીતે એકલો છે, અને જીવનમાં એની સામે સતત રહેતી બે વાસ્તવિકતાઓ છે ઃ એક, દરેકે દરેક વાતની ક્ષણભંગુરતા, અને બે, એકલતા !
પરિવાર, લગ્ન, સંતાનો, મિત્રો, સ્નેહીસંબંધીઓને એકલતા દૂર કરવાના ઉપાયો તરીકે મનાય છે, પણ આ સંબંધોમાં તૈલી પદાર્થ (લુબ્રિકેશન) ન હોય તો અચૂક એ સંબંધો કાટ ખાવા લાગે છે, અને આ તૈલી પદાર્થ છે. હૂંફ અથવા તો ''પરસ્પર-સંવેદન'' ! સામેની વ્યક્તિની પીડાને સમજવાની સંવેદના !
પણ સાચું કહો ઃ કેટલા સંબંધો કે પરિવારોમાં તમને આ સંવેદના ટકેલી સમજાય છે ? ખાસ તો, જે લોકો પરિવારમાં અપ્રસ્તુત, બિનજરૂરી લાગે - એવા મજબૂર જણ, એ વડીલો હોય, વિધવા કે વિધુર પણ હોય, એ લોકો ભાગ્યે જ દિલ ખોલશે (કારણ કે એમણે છેવટે એ જ પરિવારનો આશ્રય લેવાનો હોય ! દરિયામાં રહીને મગર સાથે વેર !) પણ જો દિલ ખોલશે તો હૂંફ સંવેદનાનો અભાવ એમની આંખોમાંથી ડોકિયાં કરશે. આ સંવેદનાનો અભાવ એમનાં આયુષ્યનાં વર્ષો બાકાત કરે છે !
ઘણા લોકો આ વાસ્તવિકતાનો સામનો કરવા વૃદ્ધાશ્રમો જેવી વ્યવસ્થાની વાત કરે છે. વાર તહેવારે એ લાચાર વડીલોને કામચલાઉ, કલાક બે કલાકની હૂંફ આપવા જતા - સામાજિક કાર્યકરોના સમાચાર કે ફોટા તમે જોયા હશે ! પણ દિવાલો, ખાવા-પીવા-રહેવાની સગવડો કે નર્સ એ હૂંફના પર્યાય નથી !
આપણે ત્યાં હૂંફ કે સંવેદના માટે પૂર્વજોએ જે ભાર મૂક્યો હતો એની પાછળ ખૂબુ ઊંડી સમજ હતી. માણસ ટૂંકી જિંદગીમાં પેલું સત્ય ભૂલી જતો હોય છે ઃ ''અમવીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં''
એકલતા અગોતરી નોટિસ વિના આવે છે. માત્ર વૃદ્ધો નહીં, યુવાનોને પણ અપવાદ નથી હોતો. શિષ્ટાચાર નહીં પણ હૂંફ આપણને ટકાવી રાખનાર અનિવાર્ય તત્ત્વ છે એ જેટલું વહેલું સમજાય એટલું ગનીમત !