યંત્રમાનવો જોઈએ છે? એક માગો ત્યાં હજાર!
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- સ્વતંત્ર વિચાર, પોતીકી સ્વતંત્ર અનુભૂતિ એ માનવવિકાસની પહેલી શરત છે
એક સરસ અર્થસભર પંક્તિ છે :
''ભ્રમર ઈલિકાને ચટકાવે
તે ભૃંગી જગ જોવે રે !''
એવી માન્યતા છે કે ભમરાનાં બચ્ચાંને (ઈયરને) ભમરી ડંખ મારે પછી એને પાંખો ઉગવાને વેગ મળે ને ઈયળ પાંખીથી ઊડવા લાગે !
તમે સમગ્ર માનવ ઈતિહાસ જોઈ જાવ : અનેક દેશો, અનેક ખંડોમાં, અનેક યુગોમાં વિચારકો આવતા રહ્યા છે. તત્કાલીન બંધિયાર પરિસ્થિતિ પર જાણ્યે અજાણ્યે પ્રહાર કરે. એક સર્વસામાન્ય વાત એ નોંધજો કે તત્કાલીન સમાજમાંથી મોટા ભાગના આ મહાપુરુષોનો વિરોધ જ કરે.
બહુમતીને જે પરિસ્થિતિ છે એમાં પડયા રહેવાનું ગમે. બરાબર અળસિયાં જેમ. બરાબર કાદવમાંની ભેંસ જેમ કહેવાતી ક્રાન્તિકારી વાતો પણ એવી પસંદ કરે જેમાં બહુમતીને માનસિક તકલીફ ન પડે !
વ્યક્તિ કે સમાજની ઉન્નતિ કદી જ પરાવલમ્બનથી, ઉધારી વિચારોથી ન થાય. સ્વતંત્ર વિચાર, પોતીકી સ્વતંત્ર અનુભૂતિ એ માનવવિકાસની પહેલી શરત છે. બંધિયાર પરિસ્થિતિ એટલે હોય કે બહુમતીને ઊંચા ઊઠવું કે ઊડવું ન ગમતું હોય.
યુગસર્જક વિચારકો બોચી પકડીને સ્વતંત્ર વિચાર કે પોતીકી અનુભૂતિ માટે વિચાર મૂકે આ પીડાદાયક હોય. મુઠ્ઠીભર લોકો આ પીડાને આવારે, એમને સ્વતંત્ર વિચારની પાંખો વિકસે. બરાબર ભમરી ઈયળને ડંખ મારે એમ જ વિચારક સરેરાશ માનસને ડંખ મારે. પણ પાંખો બધાને ન ઊગે. જેમનામાં ભમરી બનવાની તાસીર હોય એમને જ ભમરીના ડંખ ફળદાયી નિવડે.
ભગવાન બુદ્ધે સ્પષ્ટ કહેલું કે ''મારી વાત પણ તમારા સ્વતંત્ર વિવેકથી જ છેે તો જ સ્વીકારજો. ભગવાન કૃષ્ણે અર્જુન પર પોતાની વાત થોપી ન હતી. અઢારમા અધ્યાયમાં ભગવાન અર્જુનને પૂછે છે : ''તને સમજાયું ?''
પણ વિચારક સામે હમેશાં પસંદગી હોય છે : પીડા આફી, ધક્કો મારીને સ્વતંત્ર પાંખો ને ઉત્તેજન આપવું. આ પસંદગી કરે એને બહુમતી નાપસંદ કરે. જેમાં માનસિક તકલીફ પડે એવી પાંખો શા માટે પસંદ કરવી ?
અને બીજી પસંદગી, લોકોને સિફતપૂર્વક ભાવતું પીરસી, પ્રેમમાં પાડી, ઓશિયાળા બનાવવા ''બીજે છતરાવા નહીં જતા, મારી પાસે આવજો.'' આ બીજી પસંદગી લોકોને યંત્રમાનવો-બનાવવાની છે, અને એ માર્ગે વિચારક ને એક માગો ત્યાં હજારો અનુયાયીઓ મળે !
એક બાજુ આ દ્રશ્ય છે : દક્ષિણેશ્વરમાં માત્ર આઠ દશ જિજ્ઞાસુઓ સમક્ષ એક અકિંચન પૂજારી રામકૃષ્ણદેવ સહજ વાતો કરી રહ્યા છે. એને બીજું આ દ્રશ્ય : રીત સર કોઈ બજારૂ ચીજ કે કોચિંગ કલાસનાં માર્કેટિંગ જેમ ડુગડુગી વગાડીને જથ્થાબંધ લોકોને ઉદ્દાર માટે બોલવાઈ રહ્યા છે !
આ બીજા દ્રશ્યનાં કારખાનાં છે માનવ-રોબોટ્સ બનાવવાનાં અહીં આન્તરિક રૂપાન્તરને નામે આધ્યાત્મિક નાં ફાસ્ટફુડ જેવાં તૈયાર પડીકાં, અનુયાયીઓના યુનિફોર્મ વહેંચાય છે, અને કિંતમ શી ? કિમત રૂપે તમારે સ્વતંત્ર વિચારશક્તિ, સ્વતંત્ર મંથન અર્પણ કરવાનાં!