Get The App

કાળા દેહ ને' ઉજળા મનના માનવીઓની ભાષા : સંથાલી

Updated: May 30th, 2023


Google NewsGoogle News
કાળા દેહ ને' ઉજળા મનના માનવીઓની ભાષા : સંથાલી 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- સંથાલી ભાષામાં વ્યાપક પ્રમાણમાં પ્રકૃતિ ગીતો અને સંજ્ઞાઓ છે. તેથી આ ભાષાને કુદરતની ભાષા કહેવામાં આવે છે

'સાં ઓતાલ મેયે' નામથી ગુરુદેવ ટાગોરની એક સુંદર કવિતા છે...'આમાર શેષ બેલાકાર ઘરખાનિ...' જીવનના આખરી દિવસોમાં રહેવા માટેનું ઘર હું માટીમાંથી બનાવીશ. તેને નામ આપીશ શ્યામલી. શ્યામલી એ ઘાટીલી કોઈ સાંતાલ નારીની ઉપમા છે. ભાવપ્રધાન એવા આ ઊર્મિ ગીતનાં અંગ્રેજી અનુવાદ પરથી જ આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણીએ લખ્યું કેત 'દીઠી સાંતાલની નારી રે...' સાંથાલની નારીનું સુંદર વર્ણન આ ગીતમાં જોવા મળે છે. 

દેહ કાળા પણ મન ઉજળા એવા ૬૦ લાખ ભારતીય લોકોની ભાષા એટલે આ સંથાલી. સંથાલી ભાષાની વ્યુત્પત્તિ વિશે કોઈ ચોક્કસ પ્રમાણો નથી મળતા. પરંતુ હડપ્પીયન સભ્યતાના જે પુરાવાઓ મળે છે તેના પરના સંકેતો અને ભીંતચિત્રો સંથાલીને મળતા આવે છે. તેથી કેટલાક સંથાલી વિદ્વાનો તેને સિંધુ ઘાટી સભ્યતાની મૂળ ભાષા એમ કહે છે. પ્રાચીન કાળમાં સંથાલો પોતાને 'હોડ' જાતિના લોકો તરીકે ઓળખાવતા હતા. આ 'હોડ'નો અર્થ છે માણસ. ત્યાર પછીના સંથાલો ઇસ પહેલી સદીમાં 'સંતહોડ' એટલે કે સારો-સજ્જન-સભ્ય માણસ તરીકે ઓળખાતા હતા. આ 'સંત' શબ્દ પરથી 'સંતાલી' કે સંથાલી શબ્દ આવ્યો હોવાનું મનાય છે. સંશોધનને આધારે એ પ્રમાણિત થાય છે કે ઇસ પૂર્વેથી ઓસ્ટ્રીક લોકો પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોમાં રહેતા હતા. આ ઓસ્ટ્રીક પરિવારની એક ભાષા આ સંથાલી છે. જેને અલગ-અલગ વિદ્વાનોએ વિભિન્ન નામો આપ્યા છે. સ્ક્રેફસરુંડ નામના અંગ્રેજ ભાષા શાસ્ત્રીનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાનું શીલ્દા પરગણું પહેલા 'સાંતભૂમ' તરીકે ઓળખાતું હતું. આ 'સાંતભૂમ' પરથી સંતાલી નામ આવ્યું છે. તો ટ્રોયસી કહે છે કે બંગાળના સાઉતાર જાતિના લોકો પરથી સંથાલી નામ આવ્યું છે.  આ ભાષાને ભાષાવિજ્ઞાનીઓએ કોલરીયન, ખેરવાડી, કોલમુંડા જેવા નામે પણ ઓળખાવી છે.   

સંથાલી ભાષા ઝારખંડ, અસમ, બિહાર, ઓડિશા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં બોલાય છે. આ  ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ, ત્રિનિદાદ, મોરેશિયસ અને ભૂટાનમાં પણ કેટલાક આદિવાસીઓમાં સંથાલી જાણીતી છે. સંથાલી ભાષામાં વ્યાપક પ્રમાણમાં પ્રકૃતિ ગીતો અને સંજ્ઞાઓ છે. તેથી આ ભાષાને કુદરતની ભાષા કહેવામાં આવે છે. સંથાલી લોક સાહિત્ય લોકકથાઓ, પ્રકૃતિ ગીતો, બિનતી જેવા સાહિત્ય સ્વરૂપોથી સમૃદ્ધ છે. સંથાલી સાહિત્ય ખૂબ પ્રાચીન છે. ઇસ પૂર્વે બે હજાર વર્ષ પહેલાની લોક કથાઓ સંથાલી સાહિત્યમાં કંઠોપકંઠ પરંપરામાં સચવાયેલી છે. ઊંચા સ્વરે આદિવાસી વાદ્યો સાથે મંડાતી આ લોકકથાઓના સૂર હવે વિસરાતા જાય છે. સંથાલી એક પ્રાચીન બોલી તરીકે જાણીતી હતી. પરંતુ એક પ્રમાણિત લિપિની જરૂર હતી. ૧૯૨૫માં સંથાલીની લિપિ તૈયાર કરનારા પંડિત મૂર્મૂનું આદિવાસી જનજીવનમાં માનભર્યુ સ્થાન છે. 

તેમને મહાન સાંસ્કૃતિક આદર્શવાદી પણ ગણવામાં આવે છે. તા. ૨૨ ડિસેમ્બર, ૨૦૦૩ના રોજ સંથાલીને ભારતનાં બંધારણની આઠમી અનુસૂચિમાં સ્થાન મળ્યું. કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ પણ હવે તેમની માન્ય ભાષામાં સંથાલીને સમાવી છે. આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સંથાલ સમુદાયમાંથી આવે છે. તાજેતરમાં જ રાજ્યસભામાં પહેલી વાર સંથાલી ભાષાનો પ્રયોગ થયો. સંથાલી માટે આ બધા શુકન છે. આધુનિક પ્રવાહો સાથે સંથાલી જાતિનો વિકાસ થતો જાય છે પરંતુ તેમના પ્રાચીન લોકસાહિત્યનાં સંરક્ષણ માટે જોઈએ તેટલું કામ હજુ થયું નથી. સંથાલી સાહિત્યના આદિકવિ માંઝી રામદાસ ટુડુ 'રાસકા'ની એક જાણીતી રચના છે કે મારી ભાષાના ગીત હું ગાતો હતો. આ ગીત ગાતાની સંગાથે પ્રભુજીને વાચા ફૂટી. ઈશ્વરને પણ વાચા આપનાર સંથાલીની વર્તમાન સ્થિતિ અને સમસ્યાઓને કોણ વાચા આપશે તે એક પ્રશ્ન છે. 

અંતે.. 

નૈતિકતા એ એવું વલણ છે કે જેને આપણે હંમેશા બીજા પર થોપીએ છીએ. 

- ઓસ્કાર વાઈલ્ડ  


Google NewsGoogle News