લોકશાહીનું મંદિર અને અસંસદીય શબ્દો .
- શબદ મેં જીનકું ખબરા પડી :
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
- બંધારણ સાંસદોને વાણીસ્વાતંત્ર્ય સાથે કેટલીક વિશેષ સુરક્ષા પૂરી પાડે છે
કવિ રાહી ઓધારિયાની એક સરસ ગઝલ છે.
શબ્દ ક્યાં મારો કે તમારો છે?
શબ્દ હર કોઈનો દુલારો છે.
બુઠ્ઠા અણિયારા રેશમી બોદા
શબ્દના કેટલા પ્રકારો છે.
કબીરે ભલે કહ્યું કે શબદ કે ન હાથ પાંવ. પણ કેટલાક અણિયાળા શબ્દો હાથ કે પાંવ ન હોવા છતાં દોડીને દિલ પર વાગી જતા હોય છે. શબ્દોને કારણે જ રામાયણ અને મહાભારત પણ સર્જાયા હોવાનો ઈતિહાસ છે. હમણાં જ શરુ થયેલા સંસદનાં ચોમાસું સત્રમાં પણ કંઇક આવી જ ધમાલ ચાલી રહી છે. લોકસભાના માનનીય અધ્યક્ષશ્રી દ્વારા સભ્યોને વારંવાર ટકોર કરવા છતાં પણ સભ્યો અસંસદીય શબ્દો બોલ્યે જ જાય છે અને તે શબ્દો વારંવાર રેકર્ડ પરથી દૂર કરવા પડે છે. ભારતની સંસદીય કાર્યપ્રણાલીમાં સંસદીય શિસ્ત માટેના નિયમો છે. આ નિયમો અનુસાર ગૃહનાં કોઈ પણ સદસ્ય વાણી સ્વાતંત્ર્ય ભોગવે પરંતુ સંસદની ગરિમાને હાનિ પહોચે તેવા કોઈ શબ્દો બોલી ન શકે. આ સંસદીય શિસ્તનો એક ભાગ છે. આ માટે ભારતીય સંસદ દ્વારા અસંસદીય શબ્દોની સૂચિ આપવામાં આવી છે. તે સૂચિમાં સામેલ શબ્દોનો ઉપયોગ ગૃહમાં કરી શકાતો નથી. બોલચાલની ભાષામાં સામાન્ય લાગતા શબ્દો પણ અસંસદીય હોઈ શકે છે. જેમ કે જુમલો, બાળકબુદ્ધિ વિગેરે.. અસંસદીય શબ્દો એ લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાની કાર્યવાહીમાંથી કાઢવામાં આવેલા શબ્દોનું સંકલન છે. કોમનવેલ્થ દેશોની સંસદમાં પણ આવા શબ્દોને અસંસદીય માનવામાં આવે છે. ભારતીય સંસદીય પ્રણાલીને બ્રિટન પાસેથી ઘણું વારસામાં મળ્યું છે. બ્રિટનમાં ગૃહની કાર્યવાહીમાંથી આવા શબ્દોને હટાવવાની પ્રક્રિયાનો લેખિત ઇતિહાસ ૧૬૦૪થી નોંધાયેલો છે. કારણ કે, ૧૬૦૪ના હાઉસ ઓફ કોમન્સના જર્નલમાં પ્રથમ વખત આવી કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઐતિહાસિક અહેવાલ મુજબ, ત્યારબાદ એક સાંસદના ભાષણમાં કરાયેલી અસંસદીય ટિપ્પણીને કાર્યવાહીમાં દબાવી દેવામાં આવી હતી, રેકર્ડ પરથી દૂર કરવામાં આવી હતી. ભારત અને બ્રિટન સિવાય અન્ય ઘણા દેશોમાં અને ખાસ કરીને કોમનવેલ્થ દેશોની સંસદમાં અસંસદીય શબ્દોને લઈને ગૃહના નિયમો છે. ૧૯૯૭માં આસ્ટ્રેલિયાની સેનેટના સત્ર દરમિયાન, 'જૂઠ' અને 'ડમ્બો' શબ્દોને કાર્યવાહીમાંથી દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેને બિનસંસદીય માનવામાં આવ્યા હતા. એ જ રીતે 'કોમો' (સામ્યવાદીઓ માટે અભદ્ર શબ્દ) ન્યુઝીલેન્ડની સંસદમાં માન્ય નથી. જ્યારે કેનેડામાં ઘણા શબ્દો પર પ્રતિબંધ છે. તેમાંથી એવિલ જીનિયસ, કેનેડિયન મુસોલિની, સિક એનિમલ, પેમ્પસ એસ જેવા શબ્દોને પણ અસંસદીય ગણવામાં આવ્યા છે. ભારતમાં અસંસદીય શબ્દોની પહેલી યાદી વર્ષ ૧૯૫૪માં બહાર પડેલી. આ શબ્દોમાં જુઠાણું, બબાલ, બેહાલ, પીઠ્ઠું જેવા અનેક શબ્દો સામેલ છે. આ બધા શબ્દોની યાદી થયા બાદ લોકસભાએ સૌપ્રથમ ૧૯૯૯માં એક પુસ્તક તૈયાર કર્યું, જેનું નામ અસંસદીય અભિવ્યક્તિ હતું. વર્ષ ૨૦૦૪ની નવી આવૃત્તિમાં ૯૦૦ પાના હતા. આ સૂચિમાં ઘણા શબ્દો છે જેને અસંસદીય ગણવામાં આવે છે. છેલ્લે લોકસભા સચિવાલયે 'અસંસદીય શબ્દો ૨૦૨૧' શીર્ષક હેઠળ આવા શબ્દો અને વાક્યોનું નવું સંકલન તૈયાર કર્યું છે, જેને 'અસંસદીય અભિવ્યક્તિ'ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ નવી બિનસંસદીય શબ્દોની યાદીમાં ૬૨ નવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. અસંસદીય શબ્દો માટે ભારતીય બંધારણમાં પણ જોગવાઈ છે. ભારતીય બંધારણની કલમ ૧૦૫(૨) કહે છે કે, સંસદના સભ્યોને ચર્ચા દરમિયાન આવા અસંસદીય શબ્દોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા નથી. સાંસદો માટે બન્ને ગૃહમાં શિસ્ત જાળવવી ખૂબ જ જરૂરી છે. લોકસભામાં પ્રોસિજર કંડક્ટ ઑફ બિઝનેસ રૂલ ૩૮૦ (અપવાદ) મુજબ, જો સ્પીકરને લાગે કે કાર્યવાહી દરમિયાન સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દો અસંવેદનશીલ, અભદ્ર, અપમાનજનક અથવા અસંસદીય છે, તો તે તેમને સદનની કાર્યવાહીમાંથી દૂર કરવાનો આદેશ આપવામાં આવે છે. ઘણી વાર સંસદમાં બોલાતા શબ્દોને સાંભળી એમ થાય કે આમ થોડું ચલાવી લેવાય. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ કશું આડું- અવળું બોલે તો પણ આપણે તેમને સજા કરતા હોઈએ છીએ અને આ તો વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં ચૂંટાયેલા માનનીય સાંસદો!! એ જે બોલે તે બધું સાંભળી લેવાનું તે કેમ ચાલે? ભારતના સામાન્ય નાગરિકનો આ સામાન્ય વિચાર છે. તો સાંસદો આવા અસંસદીય શબ્દો બોલે તો શું કરવાનું? એનો જવાબ પણ ભારતીય બંધારણ જ આપી શકે. સાંસદોને બંધારણ દ્વારા કેટલાક વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે. બંધારણ તેમને વાણીસ્વાતંત્ર્ય સાથે કેટલીક વિશેષ સુરક્ષા પૂરી પાડે છે. ગૃહમાં, સંસદમાં કે તેની સમિતિઓમાં બોલાયેલા શબ્દો, રજૂ થયેલાં વક્તવ્યો કે મંતવ્યો માટે તેમની પર અદાલતી કાર્યવહી કરી શકાતી નથી તેમજ તેમને તે માટે અદાલતમાં જવાબદાર ઠેરવી શકાતા નથી. આમ, સાંસદો અને ગૃહોની સત્તા, વિશેષાધિકારો તથા કામગીરી બંધારણ અને કાયદાથી રક્ષિત છે.
તેથી અસંસદીય શબ્દોના ઉપયોગ બદલ તેમને ટકોર કરવા કે શબ્દો રેકર્ડ પરથી દૂર કરવા સિવાય કશું થઇ શકતું નથી. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણે એ સમજવું રહ્યું કે ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. પરંતુ શિષ્ટ ભાષા એ સભ્ય સમાજની આદર્શ અભિવ્યક્તિ છે. ટાગોરની એક કવિતાનો અનુવાદ યાદ આવે છે. 'ભાષા એવી કે શબ્દો જાણે કલાકૃતિ'.
અંતે,
જીવવાની હૂંફ ધરશે શબ્દ તારો,
કાળજે વિશ્વાસ ભરશે શબ્દ તારો.
કૈંકના જીવન હશે અજવાળનારો,
સૂર્યની પેઠે ઉતરશે શબ્દ તારો.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'