Get The App

ક્યાંક જ્યોત, ક્યાંક પાવક જ્વાળા : એનું નામ દિવાળી...

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
ક્યાંક જ્યોત, ક્યાંક પાવક જ્વાળા : એનું નામ દિવાળી... 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

ભા રતીય સંસ્કૃતિમાં સદીઓથી ઉજવાતો દિવાળીનો તહેવાર પોતાનું આગવું મહત્વ ધરાવે છે. અમાસની અંધારી રાતે આવતો હોવા છતાં આ પ્રકાશનો તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. પરંતુ અહીં દીવડા પ્રગટાવીને માત્ર બાહ્ય અંધકારને દૂર કરવાની વાત નથી. ભીતરમાં જ્ઞાનના દીવડા પ્રગટાવી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીએ તો જ સાચા અર્થમાં દિવાળી ઉજવી કહેવાય. આ જ વાત કવિ માધવ રામાનુજ બહુ અસરકારક રીતે તેમની કવિતામાં વર્ણવે છે;

અંદર તો એવું અજવાળું, અજવાળું....

સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.

અંદર તો એવું અજવાળું, અજવાળું ...

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.

મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.

પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું

અંદર તો એવું અજવાળું...

આ અંદરનો દીવો ઘી-તેલથી પ્રદીપ્ત નથી થતો. આપણી ભીતર માણસાઈના, અનુભવના, પરોપકારના, સારપના, ત્યાગના કે સમજણના અનેક દીવાઓ જલતા થાય ને ત્યારે જીવનમાં અજવાળા જ અજવાળા પથરાય છે. આવા સઘળા મૂઠી ઊંચેરા માનવીઓને આપણે માણસાઈના દીવા કહી શકીએ. આ દિવાળીનું પર્વ એ ભીતર આવા દીવા પ્રકટાવવાનું છે. પ્રત્યેક દિવાળીએ સમજણના, સગપણના, સારપના દીવા ભીતર જલતા થવા જોઈએ. આ દીવા પ્રકટે ત્યારે માણસની આંતર સમૃદ્ધિ વધે છે. આવી સમજણવાળા વ્યક્તિને બારે મહિને બત્રીસે કોઠે શાણપણના દીવા ઝળહળ થતા રહે છે. જેટલી દિવાળી આવતી જાય તેમ ભીતર વધુ ને વધુ ભીનું થતું જાય અને માણસ વધુ ને વધુ પરિપક્વ થતો જાય. એમ જ આપણે ત્યાં નથી કહેવાતું કે 'તારા કરતા વધુ દિવાળીઓ મેં જોઈ છે'. આ કહેવત એ આપણું સદીઓનું શાણપણ છે. 

દિવાળીના દિવસોને નવા દિવસો કહેવાય છે. પ્રકાશના આ નવા પર્વે જૂની કડવાશને ભૂલી નવા ઉમંગો સાથે જીવનને જાણવાનો અને માણવાનો પ્રયાસ કરવો તે જ દિવાળીનો સંદેશ છે. હવે બજારમાં એવી દવા મળે છે જે તમારી ખરાબ યાદોને એકદમ સાફ કરી શકે. વૈજ્ઞાનિકોએ 'મેમરી એક્સિંગ્શન' એટલે કે 'સ્મૃતિ વિનાશક' દવા બનાવી છે. તમારી કડવાશભરી યાદો, તમારી નફરતો એ બધાંને આ દવા મિટાવી નાખે! 'ફિંગોલીમોડ' નામની દવા લોહીમાં ભળીને દિમાગ સુધી જઇ અને યાદોની દીવાલો તોડીને ખરાબ યાદોને મિટાવી શકે છે. પણ ગુજરાતીઓ તો 'ફિંગોલીમોડ' કરતા 'રંગોલીમોડ' સાથે દિવાળી ઉજવીને વિના ગોળીએ ખુશીઓની ઝોળી છલકાવી શકે છે. એક કવિતામાં ક્યાંક વાંચ્યું હતું કોઈ અજાણ્યાના આંગણામાં રંગોળી પુરીએ ને ત્યારે થાય દિવાળી. કોઈ અજાણ્યાના જીવનમાં રંગો ભરવાનો અને અજવાળા પાથરવાનો તહેવાર છે દિવાળી. આશાઓનું અજવાળું પાથરી, ઉત્સાહના વાઘા પહેરી, અસ્સલ સ્મિત સાથે આત્મીય અનુભૂતિનો અવસર છે દિવાળી!! એટલે જ કવિ સુરેશ દલાલ કહે છે કે;

આસોના અજવાળા એ તો આશાનાં અજવાળાં જીત

શબ્દો એ તો લાગે જાણે પ્રકાશનાં પરવાળાં જી 

તુલસીને ઈશ્વરની માળા; એનું નામ દિવાળી 

ક્યાંક જ્યોત, ક્યાંક પાવક જ્વાળાત એનું નામ દિવાળી..

ક્યાંક જ્યોત સ્વરૂપે તો ક્યાંક જ્વાળા સ્વરૂપે; પણ દરેક પાસે પોતીકું તેજ હોય છે. રાતના ઉડતા આગિયા પાસે પણ પોતાનું તેજ હોય છે. તો માણસ પાસે કેમ ન હોય !! ભારતીય સંસ્કૃતિ પોતે પોતાનો દીવો થવાની વાત પર ભાર મૂકે છે. બુદ્ધે પોતાના શિષ્યોને જીવનની અગત્યતાનો પાઠ  શીખવતા કહ્યું હતું કે 'અપ્પો દીપ્પો ભવ' અર્થાત તું જ તારો દીવો થા. એટલે કે માણસ જ્યારે  પોતીકી સમજણથી જીવશે, જાત બાળીને જો જગતને અજવાળશે ત્યારે તેની આસપાસના સઘળા અંધકારનાં થર આપોઆપ ઓગળવા માંડશે. જે પળે આપણી ભીતર દીવો પ્રગટે છે તે પળ શાશ્વત થઈ જતી હોય છે. આ જ વાતને કેન્દ્રમાં રાખીને કવિ ભોગીલાલ ગાંધી 'ઉપવાસી' તેમના અતિ સુંદર કાવ્યમાં લખે છે કે, 'તું તારા દિલનો દીવો થાને રે... ઓ ભાયા તું તારા દિલનો દીવો થાને રે.' દિવાળીનો લઘુતમ સામાન્ય અર્થ તો એક જ છે જ્યાં જ્યાં અંધારું છે ત્યાં ત્યાં અજવાળું થઇ શકે. જ્યાં જ્યાં અન્યાય છે ત્યાં ત્યાં ન્યાય થઇ શકે અને દીવામાંથી દીવો પ્રકટે એમ માણસમાત્રમાં નિર્ભયતા, પ્રસન્નતા અને આત્મબોધનું અજવાળું પ્રસરે ત્યારે જ આપણી દીપાવલી સાર્થક થઇ કહેવાય. આવી સાર્થક દિવાળી ઉજવવા માટે આપણે તૈયાર 

છીએ ને? 

અંતે, 

માગવાનું કહે છે તો માગી રહું છું આ પ્રભુ !! 

દઈ દે મન એવું કે માગે એ કશુંયે નહીં.. 

- વિપિન પરીખ  


Google NewsGoogle News