સર્જક ચેતનાનું શિખર ધીરુબહેન પટેલ.. .

Updated: May 28th, 2024


Google NewsGoogle News
સર્જક ચેતનાનું શિખર ધીરુબહેન પટેલ..                          . 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

'રો શનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું એક પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત...' એક નવલકથાની આ રીતે શરુ થાય છે. આ વર્ણન એટલું અસરકારક છે કે તેમાં આખીયે વાર્તાનો સાર છે. ધીરુબહેન પટેલની નવલકથા 'આગન્તુક'ના નાયક ઇશાન માટે લખેલી આ ત્રણ પંક્તિઓ કથા સાથે સતત બેકગ્રાઉન્ડમાં વાગ્યા કરતી હોય તેમ લાગે. ધીરુબહેનની નવલકથાઓમાં ભાષાની સાદગીનો આવો વૈભવ તમને અચૂક માણવા મળે. આજે ધીરુબહેનનો જન્મદિવસ છે. આજે એ હયાત હોત તો ૯૮ વર્ષના થયા હોત. આમ તો એમની ઈચ્છા સદી ફટકારવાની હતી પણ ૯૭મેં જ આપણને હાથતાળી દઈને ચાલ્યા ગયા. ચરોતરના ડોલરિયા પ્રદેશ ધર્મજનાં વતની ધીરેન્દ્રબાળા ગોરધનભાઈ પટેલ એટલે આપણા ધીરુબહેન. પાંચ- છ વર્ષની ધીરેન્દ્રબાળાને રોજ ડાયરી અને પત્રો લખવાની આદત. નાની ધીરુ રોજ ભગવાનને કાગળ લખે. આ કાગળમાં એ ભગવાનને પોતે કરેલા કાર્યોનો હિસાબ આપતી! શાળામાં ભણતી વખતે સાહેબે એક ટાસ્ક આપ્યું; ચિત્ર ઉપરથી વાક્ય લખવાનું હતું. નાની એવી ધીરેન્દ્રબાળાએ 'ચાંદ' મેગેઝીનનું કવરપેજ જોઈને લખેલું 'કન્યાના સુકુમાર મુખારવિંદ જેવું'. આચાર્ય રામપ્રસાદ બક્ષીએ પૂછયું 'મુખારવિંદ એટલે?' બાળ ધીરુબહેને કહ્યું 'સાહેબ, મુખારવિંદ એટલે મોઢું'. 'તો પછી તમે મોઢું શબ્દ કેમ ન વાપર્યો અને મુખારવિંદ એમ કેમ લખ્યું?' આચાર્યએ પૂછયું. ધીરુબહેન કહે 'ના, સાહેબ મોઢું એમ ન લખાય. એ સાહિત્ય જેવું ન લાગે!'. સાહિત્યના સંસ્કાર ઘરમાંથી મળેલા. ધીરુબહેનના પિતા ગોરધન પટેલ સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે સારું નામ ધરાવતા. ખૂબ ઓછું ભણેલા પણ વધુ ગણેલા માતા ગંગાબહેનનો પ્રભાવ ધીરુબહેન પર ખૂબ રહ્યો. ગંગાબહેને ગાંધીજીની હાકલથી ખાદી અપનાવી અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવેલું. આઝાદીની લડતમાં છ વાર જેલમાં જઈ આવેલ ગંગાબહેન પાંચ હજાર માણસોની મેદનીને વગર માઈકે સંબોધી શકતા. ગંગાબહેને વાર્તાઓ લખેલી અને 'સ્મૃતિસાગરને તીરે...' આત્મકથા પણ લખેલી. આવા પ્રખર રાષ્ટ્રવાદી સાહિત્યિક યુગલનું સંતાન એટલે ધીરુબહેન. પંદર વર્ષની ઉંમરે પહેલી વાર્તા 'સંજોગ' લખી અને સંદેશમાં છપાઈ પણ ખરી. કોલેજમાં ભણતા હતા ત્યારે ગાંધીજીએ હાકલ કરી કે દેશને માટે વિદ્યાર્થીઓ આઝાદીની લડતમાં જોડાય. પોતાની પાસેની બધી સામગ્રી બીજા વિદ્યાર્થીઓને આપી ધીરુબહેન આઝાદીની લડતમાં જોડાઈ ગયા. બાપુના પ્રભાવ હેઠળ ખાદી પહેરવાનું શરુ કર્યું અને આજીવન ખાદીધારી રહ્યા. તેઓ કહેતા કે 'હું ખાદીધારી છું પણ ગાંધીવાદી નથી.' મુંબઈમાં ભવન્સ કોલેજ, દહીંસર કોલેજમાં અંગ્રેેજીના અધ્યાપક તરીકે કામ કર્યું. પણ કોઈક કારણસર નોકરી છોડી આજીવન પગાર લઈને કોઈ કામ ન કરવું તેમ નક્કી કર્યું. ગુજરાતનું એ પરમ સૌભાગ્ય હતું કે જીવનના અંતિમ પડાવે ધીરુબહેન વિશ્વકોશ નામના વડલાની છાયામાં રહ્યા અને તેને પોષવાનું ઉત્તમ કાર્ય અંતિમ શ્વાસ સુધી કરતા રહ્યા.   

ધીરુબહેને કેટલા વિવિધરંગી વિષયો પર કાર્ય કર્યું. નવલકથા તેમનો મૂળ વિષય તો સાથે લઘુનવલો પણ એટલી જ સમૃદ્ધ. કિચન પોએમ્સ જેવા નવા વિષયથી તેમણે નારીવાદ ઉભો કરવા કરતા નારી મહિમાનું આલેખન કર્યું. વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો, હાસ્યકથાઓ તો વળી ટોમ સોયરના પરાક્રમોનો સુંદર અનુવાદ આપ્યો. મોટે ભાગે શિષ્ટ સાહિત્યનું સર્જન કરનારા મોટા લેખકો બાળ સાહિત્યને શીખાઉ સાહિત્યકાર માટેનો પ્રકાર સમજે છે. તેવા સમયે નીવડેલા નવલકથાકાર અને ખૂબ વખણાયેલા વાર્તાકાર ધીરુબહેને બાળ સાહિત્યની ૧૮ જેટલી સુંદર અને સમૃદ્ધ કૃતિઓ આપી. ધીરુબહેને વિચાર્યું કે ગુજરાતી ભાષામાં કિશોર કથાઓ બહુ ઓછી લખાય છે. તો કિશોર કથાઓની સ્પર્ધા યોજી. જેને પરિણામે આપણને ૮૮ જેટલી સુંદર કિશોરકથાઓ મળી. ધીરુબહેન સાહિત્યમાં મળેલી ચેલેન્જને સહર્ષ સ્વીકારતા. 'ભવની ભવાઈ' ફિલ્મમાં પટકથા લેખક - સંવાદ લેખક અને ગીતકાર તરીકે એમ ત્રણ ભૂમિકા ભજવી. આ ફિલ્મના સંવાદો એટલા ચોટદાર હતા કે એમને સંવાદ લેખન માટે પારિતોષિક પણ મળેલું. તેમણે ગીત ઘણા લખ્યા પરંતુ ગઝલ લખેલી નહિ. 'ઘેર ઘેર માટીના ચુલા' ફિલ્મમાં દિગ્દર્શકે કહ્યું કે એક ગઝલ લખી આપો. અગાઉ ક્યારેય ગઝલ લખેલી નહિ. ગઝલનો પડકાર ઝીલીને તેમણે 'બસ, એક વેળા નજરથી નજર ટકરાય જો તારી નજર' ગઝલ લખી. યસુદાસના કંઠે આ ગઝલ ગવાઈ. આ ગીત માટે તેમને શ્રે ગઝલકારનો એવોર્ડ પણ મળ્યો. વિશ્વકોશમાં 'વિશ્વા'ના માધ્યમે અનેક મહિલાઓને નવી આંખ અને પાંખ આપી. તેમના માર્ગદર્શનથી તૈયાર થયેલા અનેક સર્જકોમાં તેમની સાહજિક છાંટ જોવા મળે છે. માતૃભાષા માટે તેમની ચિંતા અને ચિંતનથી ગુજરાતના લોકો સુવિદિત છે. ગુજરાત સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિના સદસ્યરૂપે પણ રહ્યા અને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ પણ શોભાવ્યું..આ ધોમધખતા ઉનાળામાં આ સર્જકની છોળ અને છાલક સમી શબ્દ ચેતના આપણા હૈયે ટાઢક ન આપે તો જ નવાઈ!!

સંબંધને વળી નામ દેવાં- વાડ શી રચવી વૃથા? 

નયણા મળ્યે અંતર હસે : સંબંધ એ સર્વોપરી !!  

અંતે,

તું જ તારો દીવો થા.. 

- ભગવાન બુદ્ધ 


Google NewsGoogle News