Get The App

રવીન્દ્રનાથે રળિયાત કર્યા બંગાળી બુલબુલના ટહુકાઓ

Updated: Mar 28th, 2023


Google News
Google News
રવીન્દ્રનાથે રળિયાત કર્યા બંગાળી બુલબુલના ટહુકાઓ 1 - image


- 25 કરોડના કંઠનો કામણ

- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- બંગાળી ભાષા પશ્ચિમ બંગાળ, આસામ અને ભારતના અન્ય રાજ્યોમાં છુટ્ટી છવાઈ બોલાય છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ બંગાલી બોલાય છે. આ ભાષા અંદાજે ૨૫ કરોડ લોકો દ્વારા બોલાય છે

બં ગાળી સાહિત્ય એટલે માત્ર રવીન્દ્રનાથ ટાગોર જ નહીં. હા, ટાગોર નિશંક બંગાળીના મોટા સર્જક. બંગાળીનો ભાષાવૈભવ માણવા 'ગીતાંજલિ'માંથી પસાર થવું રહ્યું. આધુનિક સર્જક મણિશંકર મુખોપાધ્યાય એ બંગાળી સાહિત્યના લોકપ્રિય લેખક છે. સંસ્મરણના સરનામે ઊભેલું એમનું પુસ્તક 'એકાએક એકાશી' વાંચવું રહ્યું. બે'ક વર્ષ પહેલા દિલ્લી સાહિત્ય અકાદમીનું ઇનામ આ પુસ્તકને મળ્યું હતું. ચાર્લ્સ વિલ્કિન્સે છાપવા માટે પહેલી વાર બંગાળી ટાઇપ ઇ.સ. ૧૮૭૮માં ઢાળ્યા. બંગાળી વર્ણમાળાએ આજનું મુદ્રિત રૂપ લીધું હતું. ગુજરાતીમાં નરસિંહ જેમ મધ્યમ બંગાળીના સમયમાં વૈષ્ણવ પદકવિઓએ કર્યું હતું. ભક્તિના ઘોડાપૂરને રેલાવ્યું હતું. ભક્તિગીતો અને અન્ય સાહિત્ય કઠપૂતળીના ખેલ સાથે રજૂ થતાં હતા. એ સમયે કાશીરામની પૂરી ન થયેલી રચના તેમના ભત્રીજાએ પૂરી કરી હતી. કવિ મુકુંદરાય ચક્રવર્તીનું 'ચંડીમંગલકાવ્ય' સોળમી સદીની સૌથી મહત્ત્વપૂર્ણ કૃતિ છે.

અપભ્રંશમાંથી ઉદ્ભવ પછી બંગાળી ભાષા બે તબક્કાઓમાંથી પસાર થઈ હતી.: (૧) પ્રાચીન બંગાળી (૯૫૦ થી ૧૩૫૦) અને (૨) મધ્યમ બંગાળી (૧૩૫૦થી ૧૮૦૦). મધ્યમ બંગાળીના બે ભાગ જોવા મળે છે: (૧) આરંભનો મધ્યમ પૂર્વકાલીન (૧૩૫૦થી ૧૫૦૦) અને (૨) મધ્યમ ઉત્તરકાલીન (૧૫૦૦થી ૧૮૦૦). એ પછીના તબક્કાને અર્વાચીન યુગ તરીકે ઓળખીએ છીએ. ભારત-ઇરાની તરીકે ઓળખાતી ભારત-યુરોપીય ભાષાકુળની છેક પૂર્વેની શાખમાંથી ઊતરી છે. પ્રાકૃત સાથે એનો સીધો સંબંધ. સંસ્કૃત-પ્રાચીન ભારતીય આર્યભાષામાંથી અવતરી છે. આ અર્વાચીન ભારતીય આર્યભાષાઓ જુદી જુદી ભાષામાં બંગાળીનો સમાવેશ થાય છે. આ ભાષાઓમાંથી કેટલીક ભાષાનો જન્મ દશમી સદીમાં થયો, તેમાંની એક તે બંગાળી.

તુર્કી આક્રમણને કારણે બંગાળના સાંસ્કૃતિક કેન્દ્રોનું પતન થતા. જેના ઘેરા પડઘા પડયા. સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવૃત્તિ લગભગ બંધ જેવી હાલતમાં હતી. અગમપંથના ગાયકો અને લોકદેવતાઓના ચારણો પ્રવૃત્ત હતા પણ એ તો દુષ્કાળમાં એકાદ ઝાપટું વરસી જાય એવી ઘટના... સોળમી સદીમાં મુઘલ સામ્રાજ્યને કારણે વિદેશી શબ્દોનું આક્રમણ રોકી શકાયું નહીં. વેપાર અને વ્યવહારની ભાષા ફારસી હોવાથી અનેક ફારસી-અરબી શબ્દો પ્રવેશ્યા. અંગ્રેજોને કારણે અંગ્રેજી શબ્દો બંગાળી પ્રવાહમાં ભળ્યા. ૧૯૧૩નું સાહિત્યનું નોબેલ પારિતોષિક ટાગોરને મળ્યું અને સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતીય સાહિત્ય તરફ દોરાવ્યું. વિદ્યાસાગરના 'તત્વબોધિની પત્રિકા'માં મહાભારતનો ગદ્યાનુવાદ આરંભાયો. તેમના મૃત્યુ બાદ અધૂરું કામ કાલિપ્રસન્ન સિંહે પૂરું કર્યું. આ જ સામયિકમાં રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર લેખો લખતા હતા. કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપનાથી બંગાળી સાહિત્યમાં વેગ આવ્યો.

બંગાળી ભાષાના પહેલા સફળ ઉત્તમ નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ૧૭૯૫માં 'છદ્મવેશ' અંગ્રેજી નાટકનો બંગાળી અનુવાદનું મંચન થયું હતું. જેની ક્રેડીટ એક રશિયનને ખાતે જાય છે. પછી કલકત્તાનું હિંદુ થિયેટર અને શ્યામબજાર થિયેટર સક્રિય થયા. ૧૯૨૩માં 'કલ્લોલ' સાહિત્યમાં પ્રગતિશીલ ચળવળનું મુખપત્ર બની ગયું. વંચિતો-પીડીતોનીઓ વેદના સાહિત્યના માધ્યમથી આલેખતી રહી. ઓગણીસમી સદીના સુખ્યાત સર્જક અક્ષયકુમાર દત્તના તે પૌત્ર સત્યેદ્રનાથ દત્તે સમકાલીન કવિઓ પર ભારે પ્રભાવ પડયો હતો. નજરુલ ઇસ્લામની કવિતામાં 'વિદ્રોહી'નો લાવા છલકતો હતો. એમની વિદ્રોહી રચનાને કારણે એમને જેલવાસ થયો પણ એમની કલમ અટકી નહીં. નાટકકારોમાં બાદલ સરકારનું નામ અગ્રસ્થાને છે. બંગાળી ભાષા પશ્ચિમ બંગાળ, આસામ અને ભારતના અન્ય રાજ્યોમાં છુટ્ટી છવાઈ બોલાય છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ બંગાલી બોલાય છે. આ ભાષા અંદાજે ૨૫ કરોડ લોકો દ્વારા બોલાય છે, આમ બંગાળી ભાષા દુનિયાની લગભગ પાંચમાં કે છઠ્ઠા ક્રમાંકે સૌથી વધુ બોલાતી ભાષા છે. બંગાળીની મીઠાઈ જેમ ભાષામાં પણ મીઠાશ છે. એટલે જ બંગાળી સાહિત્ય આજે પણ ભર્યુંભાદર્યું છે.

અંતે...

મનનું માન્યું તો મર્યા અને મનને માર્યું તો જીત્યા. - કર્લાઇલ

Tags :