અમરલોકથી આવ અમારા શાયર મેઘાણી...
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
'લિ. હું આવું છું.'
સહી કરવાની આવી તે કોઈ રીત હોતી હશે! એક પત્રના અંતે આવું લખાય. નામ કેમ ન લખ્યું? પત્ર વાંચનારે સામો સવાલ પણ ના કર્યો કે તું કેમ આવે છે અને ક્યાં આવે છે. આ બધા જ પ્રશ્નોના ઉત્તર મેઘાણીએ લખેલ એ પત્રને તમે વાંચી જાવ એટલે શમી જાય. એ સમયથી જ મેઘાણીની બળુકી ભાષા -એ વાંચનારને પત્રમાં નહિ લખેલું ઘણું વંચાવતી હશે. પહાડનું બાળક એવા મેઘાણીનો જન્મ ૨૮મી ઓગષ્ટે કંકુવરણી પાંચાલ ભૂમિ ચોટીલામાં પણ બાળપણ વીત્યું રાજકોટમાં.. શાળા શિક્ષણ લઈને જૂનાગઢનીબહાઉદ્દીન કોલેજમાં ભણ્યા, અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા અને કલકત્તા ગયા. કલકત્તાના એક કારખાનામાં આવો ભણેલ ગણેલ યુવાન, કારખાના માલિકનો પ્રીતિપાત્ર હોય, માલિકને એ હદે તે યુવાન પર વિશ્વાસ હોય કે તે પોતાની સાથે તે યુવાનને ઇંગ્લેન્ડના પ્રવાસે લઇ જાય, સારો પગાર હોય, માન-પાન હોય અને છતાંય લિ. હું આવું છું લખીને પોતાના વતનમાં પાછા આવવા પાછળ શું આકર્ષણ હશે? આ કારખાનાના માલિક તે જીવણલાલભાઈ અને પચીસ વરસના આ યુવાન એટલે કે મેઘાણીની આ પત્રની મનોદશાનું દર્શન તેમના શેષ જીવનમાં સરસ રીતે વ્યક્ત થાય છે. તેઓ કહે છે કે 'મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. આ ગોવાળ કોણ? લોકસાહિત્યના અમૃતને ચાખવા, કસુંબલ રંગને પાવા અને પીવરાવવા, ગામડે- ગામડે ફરી લોકસાહિત્યનું શોધન- ભ્રમણ કરવા કાઠીયાવાડની આ ભૂમિ તેમને બોલાવતી હશે તેમ લાગે છે. ભીતરની ભોંયમાં શૈશવકાળથી જ સાહિત્યના રસઝરણ વહેતા હતા. બગસરામાં હતા ત્યારે જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય. શાળામાં પણ પ્રાર્થના એ જ ગવડાવે. એક વાર જૈનગુરુ પાસે મારવાડી શેઠ આવેલા. બારેક વરસનામેઘાણીએ તેમના વિશે એક રચના ગાઈ અને ચિમનાજી શેઠે પચીસ રૂપિયાનું ઇનામ પણ આપેલું. કાવ્યો રચવાનો શોખ વધ્યો. હાઈસ્કૂલમાં કલાપીના કાવ્યોનો પરિચય થયો. મેઘાણી કલાપીનાં કાવ્યો એવી દર્દભરી રીતે ગાય કે સૌના હૃદય સાથે સૂક્ષ્મ સંબંધો બંધાતા! વાતાવરણમાં મોહક કરુણતા પ્રસરતી. ગીત પૂરું થતાં સૌ એકાદ મિનિટ નિ:શબ્દ બેસી રહેતા. મિત્રો એમને 'વિલાપી' કહેતા. કલકત્તામાં રહી બંકિમચંદ્રની નવલકથાઓ, દ્વિજેન્દ્રરાયનાંનાટકો, રવિબાબુનાં સાહિત્યનું વાંચન કરતા બંગાળી ભાષા શીખ્યા. કલકત્તાથી પાછા આવ્યા ત્યારે આપણને પત્રકાર મેઘાણી મળ્યા. પત્રકારત્વની સાથે-સાથે શુક્ર, શનિ અને રવિ તો કાઠીયાવાડની ધરતીને ેખુંદવાના દિવસો એમ રાખેલું. ગિરનારના શિવરાતના મેળાની વાત સાંભળે અને એમનું હૈયું હાથ ઝાલ્યું ન રહે. 'એક કોર આપણા બગસરા ગામનો લુકમાનભાઈ વોરો અને બીજી કોર બરડાના બરખલા ગામની અડીખમ મેરાણી; એ માનવીયુંના મેળા વચ્ચે આ વોરો અને આ મેરાણી ત્રણ- ત્રણ દિવસ સુધી સામસામા દુહા અને સોરઠા લલકારે.' મેઘાણીજી એને ટપકાવી લે. ઢેલીબહેન મેરાણી હોય કે પછી જયાબહેન દાણી હોય. બહેનો પાસેથી લોકગીત સાંભળે અને લખે. રાતે મુસાફરી અને દિવસે કામ. એ સમયે લોકસાહિત્ય પીરસનાર અભણ વ્યક્તિ મેઘાણીજીને એમ કહેતા કે 'અરે બાપા, આ તો અજડવાણી : આ અમારા ગાંડા ઘેલા લોકોનું કામ. તમને આમાં શો રસ'. ત્યારે મેઘાણીએ કહેલું કે 'તમને આજ નહીં સમજાય, પણ હવે પછીની નવી પેઢીને - શિક્ષિતોને આ બધું ગમી જવાનું છે. થોડી રાહ જુઓ.' આજે મન મોર બની થનગાટ કરે કે પછી કસુંબીના રંગ પર દાદ દેતી નવી પેઢીને જોઈ કવિ દ્રષ્ટા હોવાની અનુભૂતિ થાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે મેઘાણીજીએ લોક સાહિત્યના સંપાદન પહેલા મિસર, કોરિયા, હંગેરી અને આયર્લેન્ડના ઈતિહાસની રોચક કહાણી લખી છે. ટાગોરની કથા 'કથા ઓ કાહીની'નો કુરબાનીની કથાઓ નામે અનુવાદ કરનાર મેઘાણી આગળ જતા અનેક અનુવાદો અને ભાવાનુવાદ સ્વરૂપે અમર રચનાઓ આપે છે. જેલમાં સમવનડાર્લિંગનો અનુવાદ કોઈના લાડકવાયા નામે થયો હોય કે ટાગોરની નવવર્ષાનો અનુવાદ 'મન મોર બની થનગાટ' સ્વરૂપે દરેક અનુવાદમાં મેઘાણીની કાઠીયાવાડી સુગંધનો અનુભવ થાય છે.
સાચો કવિ એ છે કે જેના વાણી અને વર્તનમાં એકરૂપતા છે. પોતાની કલમથી રાષ્ટ્રપ્રેમની જ્યોત જગાવનારમેઘાણી દેશને જયારે- જયારે જરૂર પડી ત્યારે બધા કામો પડતા મૂકી દેશસેવામાં જોડાયેલા. દેશમાં ઇન્ફ્લુએન્ઝા ફાટી નીકળેલો ત્યારે ઘેર- ઘેર દવા વહેચવા જનાર મેઘાણી, સ્વદેશી આંદોલન અને ધોલેરા સત્યાગ્રહમાં આબાદ ઝુકાવે છે. નથી જાણ્યંું અમારે પંથ શી આફત ખડી છે. ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. આ શબ્દો તેમના જીવનમાં પળે-પળે પ્રતિબિંબિત થાય છે. મેઘાણીના કાવ્ય સંગ્રહ સિંધુડોના શબ્દોની તાકાત આપણે પામીએ કે ન પામીએઅંગ્રેજોએ બરાબર માપી લીધેલી. તેથી જ સિંધુડો અંગ્રેજ સરકારે જપ્ત કરેલો. પોતે ન કરેલ ભાષણના આરોપમાં જેલમાં પણ ગયા. અંગ્રેજ અધિકારીને 'થેન્કયૂ' કહી ગિરફ્તારી પણ વ્હોરેલી. ગોળમેજી પરિષદ વખતે પૂજ્ય બાપુનું સમસંવેદન ઝીલનાર મેઘાણી 'છેલ્લો કટોરો' લખી સ્વતંત્રતાની મીઠાશ દેશને ભેટ આપે છે.
પોતાના પાંચ દાયકાના ટૂંકા જીવન કાળમાંઈ. સ. ૧૯૨૨ થી ઈ. સ. ૧૯૪૭ સુધીના પચીસ વર્ષ અને બે માસના અલ્પકાળમાં મેઘાણી કેટલું રચી ગયા!! નવલકથા, વાર્તા, કવિતા, અનુવાદ, વિવેચન, પ્રવાસ અને સંશોધન કથા જેવી ૯૯ જેટલી માતબર કૃતિઓ. મેઘાણીની માણસાઈનાં દીવા આજે પણ ગુજરાતી સાહિત્યને અજવાળે છે. શબદના સોદાગર, ભેદની ભીંત્યું ને ભાંગનાર મેઘાણીને જન્મદિને શબ્દાંજલિ.
અંતે,
કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની;
સ્મરી લેજો અમોને ય જરી પળ એક નાની!!
- રાષ્ટ્રીય શાયર મેઘાણી