વિતાન સુદ બીજનું અજવાળું : રમેશ પારેખ
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
- તમે કવિતા વાંચો ને કવિનું નામ ન હોય તો પણ ખબર પડી જાય કે આ તો રમેશ પારેખની જ હોઈ શકે
નથી સમાતો આજ હવે તો,
હું આ મારા છ અક્ષરમાં.
એમ કહીને પોતાની વ્યાપકતા અને સભર સર્જકતાનો પરિચય કરાવતા કવિ ૨. પા.નો આજે જન્મદિન છે. આ ૨.૫ા. એટલે કે રમેશ પારેખ એ ગુજરાતી સાહિત્યની એક વિલક્ષણ ઘટના છે. પોતાના છ અક્ષરમાં ન સમાઇ શકતા આ કવિએ ગુજરાતી કવિતાને પોતાનામાં સમાવી લીધી છે. પોતે મુશળધાર વરસ્યા અને ગુજરાતી કવિતાને ન્યાલ કરી દીધી. પોતાની કવિતા દ્વારા અમરેલી શહેરને અમર કરી દેનાર આ કવિ ભાષાના માધ્યમથી ભાષા અને પ્રદેશના તમામ બંધનોનેવટાવી જઈને સમગ્ર વિશ્વને બાથ ભરી ચુક્યા હતા. એટલે જ તેમણે લખ્યું કે,
ચીંધ આખું વિશ્વ તું એને રમેશ
જેને સરનામું ૨.પા.નું જોઈએ.
આખા વિશ્વને પોતાનું ગણતા આ કવિરમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથીરોમરોમછલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટયું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે 'છ અક્ષરનું નામ'.
આપણા મૂર્ધન્ય વાર્તાકાર રજનીકુમાર કવિતા લખવા પ્રેરે અને અનિલ જોશી વાર્તા લખવા માટે. ખીજાઈને એકવાર ૨.પા.એ રજનીકુમારને કહી દીધું : ''સાલા, તું વાર્તાકાર છે એટલે મને કવિતામાંધકેલે છે અને પેલો અનિલ કવિ છે એટલે મને વાર્તા લખવા કહે છે. સાલાઓ, તમે બંને મારાથી ડરો છો.'' આધુનિક ગુજરાતી કવિતા ક્ષેત્રે ખૂબ જાણીતા થયેલા રમેશપારેખે કવિતા ઉપરાંત, નવલિકા, નાટક, નિબંધ અને બાળ સાહિત્ય ક્ષેત્રે પણ માતબર પ્રદાન કર્યું છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં જન્મેલા આ કવિને નાનપણથી જ વાચન, ચિત્રકળા અને સંગીતનો શોખ. પાછળથી આ જ ચિત્રકળાના મરોડ અને સંગીતનો લય તેમની કવિતાઓમાં ઘૂંટાય છે અને આપણને મળે છે આપણા ર.પા.
ઈ.સ. ૧૯૫૭માં દસમા ધોરણના વિદ્યાર્થી એવા રમેશે પોતાની પ્રથમ વાર્તાકૃતિ 'પ્રેતની દુનિયા' તે સમયના પ્રસિદ્ધ મેગેઝીન ચાંદનીમાં આપી અને તે છપાઈ. રમેશે હરખભેર આ વાર્તા પોતાના શિક્ષકને વંચાવી. શિક્ષકે આ વાર્તાની સારી નોંધ લેવાને બદલે કહ્યું કે, ''વાર્તા તેં જ લખી છે કે કોઈની ઉઠાવી છે ?'' આ પ્રશ્નના પ્રત્યાઘાત સ્વરૂપે ગુજરાતી સાહિત્યને એક ઉત્તમ સર્જક મળ્યા. રમેશ પારેખ કહે કે એ શિક્ષકને બતાવવા માટે તેમણે ધડાધડ વાર્તાઓ લખવી શરૂ કરી અને જોતજોતામાં તો સોએક જેટલી વાર્તાઓ છપાઈ ગઈ. આમ અમરેલીના એ શિક્ષકનું મહેણું ગુજરાતી સાહિત્યને લેણે રહ્યું. અમરેલી સાથેના તેમના સંબંધ વિશે તેમણે લખ્યું છે કે ''મારે એવું વસિયતનામું કરવાની જરૂર નથી કે મારા અસ્થિઓનું ચૂર્ણ કરી અમરેલીમાં છાંટજો, જેથી મારા ગામ અમરેલીની રજેરજમાં ભળી જાઉં અને એમાં ઓતપ્રોત થઈ જાઉં, કેમ કે અમરેલી ને હું અલગ નથી. એક જ માટીની સરજત છીએ તેવું લાગે છે.'' અમરેલી સાથેનું તેમનું આ જોડાણ તેમની કવિતાઓમાં ઉડીને આંખે વળગે છે, 'મને તેડયો અમરેલી એકેડમાં' કે પછી 'આખ્ખું અમરેલી ગામ મારી ફઈ' જેવી કવિતાઓમાં અમરેલીને રમેશ ઓતપ્રોત દેખાય છે. આયખાના પોણા છ દાયકા સુધી અમરેલીની ધૂળ સાથે જોડાયેલા રહેવાને કારણે જ ર.પા. છેવટ સુધી ધરતીને અડીને જ જીવ્યાં.
રમેશ પારેખની ગીત સૃષ્ટિનું અનેરૃં આકર્ષણ કેન્દ્ર છે એ ગીતોના લયની રિદ્ધિ સિધ્ધી. એમના ગીતોમાં લયની લીલાનો આવિષ્કાર સહજ રીતે થાય છે. એમની કવિતા સાંવરિયો રે મારો સાંવરિયો તો સુગમ સંગીતના પોતીકા પ્રદેશનું રાષ્ટ્રગાન છે. સુગમના કાર્યક્રમમાં આ કવિતા રજૂ ન થાય તો તે કાર્યક્રમ સુધારો ગણાય. સોનલ કાવ્યો એ એમનો પર્યાય બની ગયાં. સુરેશ દલાલ કહે છે : 'એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે'. મીરાં કાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિકતા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે. 'કાગડો મરી ગયો' એ કવિતા તો તેમની વ્યંગાત્મક અભિવ્યક્તિનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાંકલ્પનો ને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધાકાવ્યો, સોનેટ, અછાંદસ-જેને એનો 'મિડાસ ટચ' મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. મોરારિબાપુએ કહ્યું હતું : 'આ કવિ કંઈક ભાળી ગયેલો છે.' શબ્દ સાથે એવો અદભૂત નાતો કે તમે કવિતા વાંચો ને કવિનું નામ ન હોય તો પણ ખબર પડી જાય કે આ તો રમેશ પારેખની જ હોઈ શકે. તેમની કવિતાઓમાં પ્રયોજાયેલ આગવી 'રમેશાઈ'- શબ્દોની સુવાસ એ ગુજરાતી સાહિત્યની મહામૂલી જણસ છે. ર.પા. પોતે જ કહે છે કે ''સર્જન થવું એ માત્ર કલમનો જ નહીં, વિશ્વનો ચમત્કાર છે અને ચમત્કારો ગમે ત્યારે બનતા હોય છે.'' ર.પા. તમે પણ ગુજરાતી કવિતામાં થયેલો એક ચમત્કાર
જ છો ને !!
અંતે,
મારી કવિતા એ
મેં વિશ્વના હોઠ પર કરેલું
ચુંબન છે.
- રમેશ પારેખ