ભીતરની આંખે અદભુતનું દર્શન : અશ્વિન મહેતા

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
ભીતરની આંખે અદભુતનું દર્શન : અશ્વિન મહેતા 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- અશ્વિન મહેતાએ છબીકલાના ખોળે માથું મૂકી કેમેરાના સૂક્ષ્મ લેન્સથી સમગ્ર જીવનને જોયું છે

આ પણે ત્યાં જેટલો ચિત્રકલાનો મહિમા થયો છે તેટલો તસવીરકારોનો નથી થયો. ગુજરાતી તસવીરકળાના રાજમાર્ગ પર શાશ્વતીનાં પદચિહ્નો છોડી જનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત છબીકાર અશ્વિન મહેતાને આજે યાદ કરવા છે. વર્ષ ૨૦૧૪માં આજના જ દિવસે અ. મ. રંગસાગરમાં કાયમને માટે ભળી ગયેલા અને અનંતની યાત્રાએ ચાલી નીકળેલા. પોતાને અ. મ. કહેવાનું વધુ પસંદ કરતા અને વિશ્વ આખામાં એક ઉત્તમ તસવીરકાર તરીકે જેમની નામના છે તેવા અશ્વિન મહેતાનો જન્મ સુરતમાં થયેલો. તેમણે એક માત્ર પુસ્તક લખ્યું અને સાહિત્ય જગતમાં અમીટ છાપ છોડી ગયા. આ પુસ્તક એટલે 'છબિ ભીતરની'. આ પુસ્તકને વર્ષ ૨૦૧૪નો સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર પણ મળ્યો છે. આ પુસ્તકમાં પોતાના બાળપણનાં સંસ્મરણો વિશે તે લખે છે કે 'બહુ વિચાર કરું છું ત્યારે સુરતના મોસાળનો એક પ્રસંગ યાદ આવે છે. હું બાર-તેરનો હોઈશ, મારા નાનાની હવેલીની પાછલી સાંકડી, ધૂળિયા શેરીમાં એક કાબરચીતરો બકરો, ભડક નડીયાદિ લીલા રંગના બારણા પાસે ઉભો હતો. મારા થકી પહેલા માળની બારીમાંથી અમુક ખૂણે દેખાઈ ગયો. કોણ જાણે કેમ, આ અદભુત રંગ-સંયોજના જોઈ હું ઘણો હરખાઈ ગયેલો'. કહેવાય છે કે સામાન્ય માણસ કરતાં કોઈ કલાકારનું ભાવવિશ્વ અને ચિત્તલય જુદા હોય છે. સ્મૃતિઓ, ગમી ગયેલી ક્ષણો, અનુભૂતિઓ, કલ્પના અને આનંદને ભાવનાત્મક પિંડ આપીને સૌન્દર્ય સર્જવાની ક્ષમતા તેનામાં હોય છે. અશ્વિન મહેતામાં પણ આવું જ વિસ્મય નાનપણથી રોપાયું હશે, જે આગળ જતા સમયનાં સૌંદર્યમાર્ગ પર અત્યંત રમ્ય પડાવો સર્જે છે. તેમના કુટુંબમાં કોઈ કલાકાર નહોતું. સ્ત્રીઓ ઘર સંભાળે અને પુરુષો નાની- મોટી નોકરી કરે. તેઓ લખે છે કે 'સુરતીલાલા હોવાના નાતે, બધા ખાઈ- પી ને મોજ કરતા ને સમય આવે ગુજરી જતાં. તે જમાનામાં મરી જવાનું આજના જેવું કપરું નહોતું. પાપડી-પોંક કે કેરી- પતંગ આયુમર્યાદાને લંબાવી કે ટૂંકાવી શકતા નહીં!!' આ રીતે અશ્વિનભાઈની સેન્સ ઓફ હ્યુમર વાચકને આગળ ને આગળ વાંચવા પ્રેરિત કરે છે. છબી ભીતરની પુસ્તક સાધક, ઝીણા અનુભવી, આનંદ-ઉત્સાહના નાયગરા પૂ. સ્વામી દાદાને અર્પણ કરવામાં આવ્યું છે. તેમના ગદ્યમાં સ્વામી આનંદની શબ્દ ચેતનાનો પ્રભાવ વર્તાય છે. સ્વામી આનંદ સાથેના તેમના નિકટના સ્નેહસેતુને કારણે  અશ્વિન મહેતા એ ત ઋતુએ ઋતુમાં હિમાલયમાં હજારો માઇલ રઝળીને હિમાલયનાં ફૂલોના ફોટોગ્રાફ પાડયા છે અને અનંત સૌંદર્યવંતા હિમાલયના પણ ફોટોગ્રાફ પાડયા છે, હિમાલય ઉપરાંત ભારતની ભવ્ય વિભૂતિ સમા એને વીંટળાયેલા સાગરકાંઠાના ફોટોગ્રાફ પાડયા છે, જે પુસ્તક રૂપે ઉપલબ્ધ છે, ઉપરાંત બીજા પાંચ અદ્વિતીય તસવીરોના ગ્રંથો પ્રગટ થયા છે. પોતે એમ માનતા હતા કે કલાકારે પોતે મૂંગા રહેવું અને પોતાની કલાને બોલવા દેવી. તેમ છતાંય કેટલાક મિત્રોના આગ્રહથી 'છબિ ભીતરની' પુસ્તક કર્યું તે તેમની સિધ્ધાંત નિા સાથે વ્યવહારિક કળા નિસ્બતનું દર્શન કરાવે છે. 'છબિ ભીતરની' પુસ્તકમાં 'વણદેખ્યું વીંધે તે શૂર' લેખ એ ફોટોગ્રાફરો માટેની તસવીર ચાલીસા છે. તેમની સૂત્રાત્મક વાતો એ તેમની છવ્વીસ  વર્ષની દીર્ઘ તસવીર યાત્રાની તવારીખ છે. નર્મદે જેમ કલમનાં ખોળે માથું મુકેલું તેમ અશ્વિન મહેતાએ છબીકલાના ખોળે માથું મૂકી કેમેરાના સૂક્ષ્મ લેન્સથી સમગ્ર જીવનને જોયું છે, જાણ્યું છે અને માણ્યું પણ છે. તેથી જ તેઓ કહે છે કે 'મારી એક મુશ્કેલી છે કે મારા જીવનની બારાખડીમાં અધ્યાત્મનો 'અ' પહેલા આવે છે અને કળાનો 'ક' પછી'. ફોટોગ્રાફી એ આજીવિકાનું એકમાત્ર સાધન હોવા છતાં આ કળાસાધકે કેટલાક સિદ્ધાંતો આજીવન પાળ્યા. ગમે તેટલા પૈસા મળતા હોય તો પણ કાપડ- કપડાં, દારુ તમાકુની જાહેરખબર માટે ફોટા ન પાડવા કે પાડેલા ફોટામાંથી કશું વેચવું નહીં, જે જાહેરખબરમાં સ્ત્રીનો દેહ કેન્દ્રસ્થાનમાં હોય એવા ફોટા પાડવા નહીં, કુદરતી પ્રકાશમાં જે કામ થાય તે કરવું પણ સ્ટુડીઓ 'મલ્ટી-ફ્લેશ' વગેરેની ઝંઝટમાં પડવું નહીં, બજારું ફોટોગ્રાફી કરવી નહીં. આ સિદ્ધાંતો હોવા છતાં અશ્વિન મહેતા કીર્તિ અને ધન બંને કમાઈ શક્યા, તેનું કારણ તેમની આગવી કળાદ્રષ્ટિ અને નિસબત છે. સિંગાપોર એરલાઇનનાં દળદાર માસિકમાં તેમના ફોટો ફીચર આઠ વરસમાં એકવીસ વાર છપાયેલા. યુનિસેફના કાર્ડમાં પણ તેમના ફોટો છપાયેલા. 

તેમના ફોટો પ્રદર્શનો વિશ્વભરમાં યોજાયા. દરેક પ્રદર્શન એક ચોક્કસ વિષય પર હોય. તેઓ કહેતા કે ભજીયાની મિક્સ્ડ પ્લેટ આપવાને બદલે દર વખતે કાંદાનાં, બટાટાનાં, રતાળુના એમ દરેક વખતે જુદા-જુદા ભજીયા પીરસવા. તેમણે એક પણ પ્રદર્શનનું ઉદઘાટન નહોતું કરાવ્યું કે નહોતા પ્રકટાવ્યા ઘી કે મીણનાં દીવા.. છતાંય એમના પ્રદર્શનો સદાબહાર રહ્યા. ફ્રાંસના રાષ્ટ્રીય પુસ્તકાલય ('બિબ્લિયોથેક નેશનલ'માં જગતભરના ફોટોગ્રાફરોની શ્રેષ્ઠ કૃતિઓમાં ભારતના ત્રણ જ ફોટોગ્રાફરોની તસવીરો સ્થાન પામી છે. રઘુરાય, રઘુબીરસિંહ અને અશ્વિન મહેતા.) અશ્વિન મહેતાના ફોટોગ્રાફની સંખ્યા સારી એવી છે. આપણે સાભળ્યું છે કે 'ગીત ગાયા પથ્થરોને..' પણ તેમના ગિફટ ઑફ સોલિટયૂડ' પુસ્તકે ફોટોગ્રાફરોને શીખવ્યું કે પથ્થરના પણ ફોટા પાડી શકાય. તસવીરકલાના માધ્યમે પથ્થરોને પણ બોલતા કરી શકાય. તેમની ફોટોગ્રાફીની એ વિશેષતા હતી કે તે પ્રકૃતિની તસવીરોમાં ભીતરની પણ ભીતર રહેલું અમૂર્ત તત્ત્વ જીવંત થઇ ઉઠતું !! ભીતર કશુંક ભાળી ગયેલા આ સર્જકની ચેતનાને સો સો સલામ!! 

અંતે, 

અલખ જગત જો રચાય ભીતર 

નખશિખ નિર્મળ બચાય ભીતર 

ગણિત ગજબનું ગણાય ભીતર 

લખચોરાસી વણાય ભીતર 


Google NewsGoogle News