સપનું એટલે આંખોમાં રચાતું મેઘધનુષ્ય....
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
- આજે અસ્તવ્યસ્ત જીંદગીમાં દોડ-ભાગ કરીને મનુષ્ય થાકી અને હારીને બેસી જાય છે તેના કરતા કેટલીક ચોક્કસ પળોમાં જાતની સાથે સંવાદ કરીને પોતે શું પ્રાપ્ત કરવું છે તે નક્કી કરે તો કેવું ?
આ જે વિશ્વ સ્વપ્ન દિવસ. તમને એમ થશે કે સપનાઓ તો રાત્રે જોવાના હોય, એના માટે કોઈ દિવસ ઓછો હોય. રાત્રે જોવાના સ્વપ્ન માટે આખે-આખો દિવસ ફાળવવો એ તો કેવી વાત કહેવાય. વર્ષ ૨૦૧૨માં વિશ્વના કેટલાક ચિંતકો-વિચારકો એકત્ર થયા અને નક્કી કર્યું કે આજના મનુષ્યને વધુ આશાવાન અને હકારાત્મક બનાવવા માટે કશુંક કરવાની આવશ્યકતા છે .આજે અસ્તવ્યસ્ત જીંદગીમાં દોડ-ભાગ કરીને મનુષ્ય થાકી અને હારીને બેસી જાય છે તેના કરતા કેટલીક ચોક્કસ પળોમાં જાતની સાથે સંવાદ કરીને પોતે શું પ્રાપ્ત કરવું છે તે નક્કી કરે તો કેવું ? આ વિચારે વિશ્વ સ્વપ્ન દિવસનો જન્મ થયો. સ્વપ્ન જોવા માટેની પ્રથમ જરૂરિયાત નવરાશની છે. નવરાશ એક ક્ષણ કે કલાકો અથવા ઘણા દિવસોની હોઈ શકે છે. સપના કોઈપણ સ્તરે જોઈ શકાય છે, વ્યક્તિગત, કટુંબ અથવા સંસ્થા. વર્લ્ડ ડ્રીમ ડે નું સ્વપ્ન કોલંબિયા યુનિવર્સિટીના અગ્રણી શિક્ષણવિદ અને ચિંતક ઓઝિઓમા એગ્વુઓનવુએ જોયું હતું. ત્યારથી દર વર્ષે ૨૫ સપ્ટેમ્બરને વિશ્વ સ્વપ્ન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જર્મની અને જાપાન જેવા દેશોમાં આ દિવસનું ખૂબ મહત્વ છે. જર્મનીમાં તો રોબર્ટ મૂલરના જન્મદિવસને રાષ્ટ્રીય સ્વપ્ન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે નાગરિકો નવા વિચારો અને નવી ઊર્જા સાથે નવા સંકલ્પો લે છે અને તેને પૂર્ણ કરવા દિવસ-રાત મહેનત પણ કરે છે. ડૉ.કલામ એમ કહેતા કે ''સપના એ નથી કે જે તમને સૂતા પછી આવે છે પણ સપના તો એ છે કે જે તમને સૂવા જ નથી દેતા.'' આ રીતે આ સ્વપ્નદિવસ પણ દિવસે સ્વપ્ન જોવાની હિમાયત કરે છે. દિવસે સ્વપ્ન જોવું સારું તો છે પણ જો દિવસે વધુ સ્વપ્ન જોવામાં આવે તો માનવી રોગનો પણ શિકાર થઈ શકે છે. વિશ્વના મનોજગતમાં આજે ડે-ડ્રીમીંગની સમસ્યા પર ખાસ્સી ચર્ચાઓ થઈ રહી છે. ડે-ડ્રીમીંગ ધરાવતા અડધા જેટલા લોકોને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઓસીડી) હોય છે. દિવાસ્વપ્ન જોવાની તેમની આદતથી લાચાર, આવા લોકો શરમ અનુભવવા લાગે છે, તેઓ ઈચ્છે તો પણ પોતાને રોકી શકતા નથી. તેમની ઊંઘ પણ પૂરી થતી નથી. આવા લોકો સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ હોય છે. અહીં પણ તેઓ તેનાથી છુટકારો મેળવવાના રસ્તાઓ જ શોધતા હોય છે. એટલે જ કદાચ આપણા કવિ મકરંદ દવેએ લખ્યું હશે કે :
રે ખાલી સપનાં સપનાં
આ કરુણ જીવનને રોજ કનડતાં
આવે છાનાં છપનાં...
સ્વપ્ન જોવાય અને પૂર્ણ ન થાય ત્યારે આવતો તણાવ એ સ્વપ્નની આડપેદાશ છે એમ કહી શકાય. આ સ્થિતિને જોતા કવિ શેખાદમ આબુવાલા કહે છે કે,
જિંદગીમાં જે નથી પુરુ થયું,
એ જ શમણું ખુબ નમણું હોય છે!
એવું નથી કે ડે-ડ્રીમીંગના માત્ર ગેરફાયદા છે. કેટલીક રીતે તેના ફાયદા પણ છે. જો તે દવાની જેમ વધુ પડતું ન હોય, તો તે તણાવને દૂર કરવામાં મદદ કરે છે. સંશોધન દર્શાવે છે કે તે એકલતા માટે વરદાન છે અને કંટાળાને દૂર કરે છે. સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે. તેનાથી ક્યારેક સર્જનાત્મકતા વધે છે. તેના થકી અકસ્માત અથવા મોટા આઘાતને કારણે થયેલા અઘાતમાંથી સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. દિવા-સ્વપ્ન દ્વારા, વ્યક્તિ થોડા સમય માટે પોતાની જાતને ભૂલી જવા માટે સક્ષમ છે. આ ઘણી વસ્તુઓને ભૂલી જવામાં મદદ કરે છે. ભારતીય તત્વજ્ઞાાન પણ કહે છે કે દરેક માણસ પાસે જીવવાનો ધ્યેય હોવો જોઈએ. પોતાનું એક સપનું હોવું જોઈએ. ઊંઘ એ સ્વપ્નને આવવા માટેનો રાજમાર્ગ છે. સપનાં વિનાની આંખ વાંઝણી છે એમ કહેવાય. સપનું લાવી શકાતું નથી એ તો આપોઆપ આવે છે. યીડીશમાં કહેવત છે કે જાતે સ્વપ્ન જુઓ અન્યથા બીજાના સ્વપ્ન દત્તક લેવા પડશે. સ્વપ્ન જોવા જ જોઈએ પરંતુ તેનો ભાર ન રહેવો જોઈએ. ચશ્માં બદલવાથી સ્વપ્નો નથી બદલી શકાતા. એ માટે પોતે બદલાવું પડે છે. આ માટે મોરપીંછની હળવાશ સાથે સ્વપ્ન સાકાર કરવા જોઈએ. ચાલો, આપણે પણ જીવનને કહીએ કે તું એક ગુલાબી સપનું છે, હું એક મજાની નીંદર છું.
અંતે,
એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..
- આલ્બેર કામૂ