સીટીલાઈટથી લાઈમલાઈટ સુધી : ચાર્લી ચેપ્લીન
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
- કોઈ પણ જાતના ભભકા વગર, સરળ રીતે જીવનની કડવી વાસ્તવિકતા, ફિલોસોફી અને રમૂજને કેન્દ્રસ્થાને રાખીને પણ ઉત્તમ ફિલ્મોનું સર્જન કરી શકાય છે તે તેમણે દુનિયાને સમજાવ્યું
કેટલાક વ્યક્તિત્વો અમર થવા માટે જ આ દુનિયામાં જન્મ લેતા હોય છે. આવું જ એક અમર વ્યક્તિત્વ એટલે રમૂજ, હાસ્ય અને કટાક્ષનો બેતાજ બાદશાહ ચાર્લી ચેપ્લીન. 'ગાંધી' ફિલ્મ બનાવનાર રીચાર્ડ એટેનબરોએ એમ કહેલું કે હું ચાર્લીથી અત્યંત પ્રભાવિત છું. ગાંધીજી જેટલા મને આકર્ષે છે તેટલો જ ચાર્લી પણ મને આકર્ષે છે. એમ કહીને તેમણે ચાર્લી પર 'ચેપ્લીન' નામે ફિલ્મ બનાવેલી. એ વખતે એમને મૂંઝવણ એ થયેલી કે ચાર્લીની ભૂમિકાને ન્યાય આપી શકે તેવું કોણ? તેનો ઉત્તર તેમને રોબર્ટ ડોવની નામના પ્રસિદ્ધ અભિનેતામાં મળ્યો અને ફિલ્મમાં રોબર્ટનો અભિનય એટલો સુંદર ઘણા લોકોને તો એમ લાગ્યું કે સાક્ષાત ચાર્લી પોતે સ્વર્ગમાંથી ઉતરી આવ્યો કે શું? ૧૯૯૨ના વર્ષમાં બનેલી આ ફિલ્મના પંદર વર્ષ પહેલા એટલે કે ૧૯૭૭ની ૨૫મી ડીસેમ્બરે ચાર્લી આ ફાની દુનિયાને અલવિદા કહી ચાલી નીકળ્યો હતો. ૧૬ એપ્રિલ ૧૮૮૯ના રોજ લંડનમાં જન્મેલા ચાર્લીએ ૮૮ વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને અપાર પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. પિતાથી જુદી થયેલ માતા સાથે માત્ર સાત વર્ષની ઉંમરે સ્ટેજ શો કરવાની સાથે માતાને પાગલખાનામાં મૂકવા સુધીની બાળપણની વ્યથા હંમેશા તેના હૈયામાં ધરબાયેલી રહી. અત્યંત દારુણ ગરીબીમાં એનું બાળપણ વીત્યું. મયખાનામાં ફૂલો વેચતા ચાર્લીને ખબર પણ નહોતી કે પોતાના અભિનયથી લાખો લોકોના ચહેરા પર ફૂલ ખીલવાના છે. તેર વર્ષની ઉંમરે તો ચાર્લીએ પોતાના અભિનયના ઓજસ પાથરવાના શરુ કરી દીધા હતા. આગળ જતા અમેરિકા સ્થાયી થઇ મૂંગી ફિલ્મોના માધ્યમથી એક પણ શબ્દ બોલ્યા વિના દુનિયાના ચહેરા પર સ્મિત લાવનાર સર ચાર્લ્સ સ્પેન્સર ચપ્લિનનું અંગત જીવન દર્દભરી દાસ્તાન રહ્યું. ચાર્લી સ્ક્રીન પર આવે અને આખીયે સ્ક્રીન રમતિયાળ બની જાય. પોતાના અભિનયના ઓજસથી લોકોને પેટ ભરીને હસાવે.
મહાન હોલીવુડ અભિનેતા, દિગ્દર્શક અને લેખક ચાર્લી ચેપ્લિનને આજે એટલા માટે પણ યાદ કરવા જોઈએ કે કોઈ પણ જાતના ભભકા વગર, સરળ રીતે જીવનની કડવી વાસ્તવિકતા, ફિલોસોફી અને રમૂજને કેન્દ્રસ્થાને રાખીને પણ ઉત્તમ ફિલ્મોનું સર્જન કરી શકાય છે તે તેમણે દુનિયાને સમજાવ્યું અને નવો ચીલો ચાતર્યો. ટૂથબ્રશ જેવી મૂછો, બોલર ટોપી, હાથમાં છડી અને છટાદાર ચાલ સાથે તેમની અભિનવ દિગ્દર્શન શૈલીએ ચાર્લ્સ સ્પેન્સર ચપ્લિનને વિશ્વ સિનેમામાં ચાલી ચૅપ્લિન તરીકે અમર કર્યા. ચાર્લી બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હતો. એ સમયના સૌ કલાકારોમાં ચાર્લી બેહદ લોકપ્રિય રહ્યા. ત્યાં સુધી કે તે સમયની મોટાભાગની પ્રસિદ્ધ અભિનેત્રીઓનું એ સ્વપ્ન રહેતું કે તેના લગ્ન ચેપ્લીન સાથે થાય. જો કે રંગીન મિજાજના માલિક ચાર્લીએ એમાંથી ચાર જ અભિનેત્રીઓને આ તક આપેલી!!. ચાર્લીએ ત્રણ વાર છૂટાછેડા લીધેલ. પોતાના વૈવિધ્યપૂર્ણ સંબંધોને લીધે તે અનેક વાર કોર્ટ કેસ અને વિવાદોમાં પણ ફસાયેલ. સ્ત્રીઓ વિશે તેના મનમાં એક માન્યતા બંધાયેલી. તેથી તે કહેતો 'હું સ્ત્રીઓને પ્રેમ કરી શકું પરંતુ તેમની પ્રશંસા તો જરાય નહિ'. ચોથીવાર ચાર્લીએ પ્રસિદ્ધ અભિનેત્રી ઉના સાથે લગ્ન કરેલા. તે વખતે ચેપ્લિનની ઉંમર ૫૪ની હતી. જ્યારે ઉના ફક્ત ૧૮ વર્ષની હતી ! તેમનું આ ચોથું લગ્ન ચેપ્લિનને ફળેલું તથા આઠ બાળકોથી સમૃદ્ધ તેવું તેમનું આ લગ્ન જીવનપર્યંત ટકેલું. ચાર્લી કહેતો કે 'બીજી સ્ત્રીઓને મારી પ્રેમિકા, પત્ની થવાનું સૌભાગ્ય મળ્યું છે. પરંતુ મારી વિધવા થવાનું સૌભાગ્ય તો ઉના તને જ મળશે'. આખર સુધી ચાર્લી આ શબ્દોને વળગી રહ્યો. ચાર્લીના મૃત્યુ બાદ તેની ૮૧૭ કરોડની સંપત્તિ પણ આ ઉનાને જ મળેલી. વર્ષ ૧૯૭૨માં, એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ચાર્લીને માનદ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું. ૨૦ વર્ષ પછી યુ.એસ. પરત ફરેલા ચાર્લીને સમારંભમાં લોકોએ ૧૨ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું, જે ઓસ્કાર સમારંભના ઈતિહાસમાં હજુ પણ સૌથી મોટું સ્ટેન્ડિંગ ઓવેશન છે. ૧૯૩૧માં ચાર્લી ચેપ્લિન લંડનમાં મહાત્મા ગાંધીને મળ્યા હતા. ચાર્લીએ પોતાની આત્મકથામાં ઉલ્લેખ કર્યો છે કે મહાત્મા ગાંધી એ તેને મળેલ સૌથી આનંદિત વ્યક્તિઓમાંના એક છે. મહાત્મા ગાંધીના કહેવાથી જ ચાર્લીએ સમાજ પર મશીનોની પ્રતિકૂળ અસરો પર ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. એક સમય એવો હતો જ્યારે ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથે પણ સ્વીકાર્યું હતું કે તે ચાર્લી ચેપ્લિનની ચાહક છે. એ સમયે ચાર્લીનો એવો દબદબો હતો કે તત્કાલીન યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સનનો વાર્ષિક પગાર ૭૫ હજાર ડોલર હતો, જ્યારે ચાર્લી વાર્ષિક ૬ લાખ ડોલર કમાતો હતો. તે સમયે ટાઈમ મેગેઝીનના કવર પેજ પર ચમકનાર અને ૩૦ વર્ષની ઉંમરે મિલયોનેર બનનાર પહેલો કલાકાર એટલે ચાર્લી ચેપ્લીન. તે સમયના ઘણા કલાકારો તેની નકલ કરતા. શાળાના બાળકોમાં ચાર્લી એટલે ક્રેઝ હતો.
વર્ષ ૧૯૭૫નો એક રસપ્રદ કિસ્સો તો એવો છે કે ફ્રાન્સમાં એક સ્પર્ધા યોજાઈ. સ્પર્ધાનું નામ હતું 'લુક લાઈક ચાર્લી ચેપ્લીન'. ચાર્લી ચેપ્લિન પોતે આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા ફ્રાન્સ આવ્યા હતા. તે હરીફાઈમાં ચાર્લીએ ઓછો મેક-અપ કર્યો હતો. પરિણામ આવ્યું ત્યારે તેને ખબર પડી કે પોતાને એટલે કે અસલ ચાર્લીને ત્રીજો નંબર મળ્યો છે. તેમ છતાંય આ કોન્ટેસ્ટ પછી આપેલા ઇન્ટરવ્યુમાં હસતા હસતા કહેલું 'મજાની વાત એ છે કે અન્ય લોકો મારા કરતા વધુ ચાર્લી લાગતા હતા.' હસાવી છે મેં દુનિયાને રડયો છું એકલો રાતે એવું જ કશુંક અંગ્રેજીમાં લખી જનાર આ મહાન કલાકારને મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના દીકરાએ કહેલું 'તમે એટલા માટે પ્રખ્યાત છો કે તમે બધાને સમજાવ છો. મારા પિતાજી એટલા માટે પ્રખ્યાત છે કે તે કોઈને સમજાતા નથી'.
અંતે,
મને વરસાદમાં ચાલવું ગમે છે કારણ કે તેનાથી કોઈ મારા આંસુઓને નહિ જોઈ શકે.
-ચાર્લી ચેપ્લીન