Get The App

પહાડોથી ઊંચી નિરનિરાળી નેપાળીભાષા .

Updated: May 23rd, 2023


Google NewsGoogle News
પહાડોથી ઊંચી નિરનિરાળી નેપાળીભાષા             . 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- ટર્નરે તૈયાર કરેલ નેપાળી શબ્દકોશનાં 26000 શબ્દો પૈકી 7000 શબ્દો સંસ્કૃતનાં છે

અ મારી કોલેજમાં નેપાળી ચોકીદાર હતો. એકવાર એ ચોકીદાર આવીને કાનમાં કહે 'શાબજી, સીરિયા કા બાદશાહ મર ગયા.' મને એમ કે સિરિયામાં સિવિલ વોર ચાલે છે એટલે કોઈ અથડામણમાં માર્યો ગયો હશે. મેં ન્યૂઝમાં જોયું તો આવી કોઈ ઘટના દેખાઈ નહિ. બહાર ગાર્ડનમાં જઈને જોયું ત્યારે ખબર પડી કે એ એમ કહે છે કે 'ચિડિયા કા બચ્ચા મર ગયા.'

નેપાળી ભાષાનાં ગોરખી લહેકાની આવી અનેક મજેદાર વાતો તમે સાંભળી હશે. ભારતના પડોશી દેશ નેપાળની રાજભાષા નેપાળી છે. નેપાળ ઉપરાંત સિક્કિમ, દક્ષિણ ભુતાન, ભારતનાં ઇશાન (ઉત્તર-પૂર્વનાં) રાજ્યો, પશ્ચિમ બંગાળના ઉત્તર તરફના પ્રાંતો, ઉત્તરપ્રદેશ, હિમાચલ, પંજાબ વગેરેમાં અત્ર-તત્ર નેપાળી ભાષા બોલાય છે. બંગાળના દાર્જીલિંગ અને સિક્કિમમાં આ ભાષા બીજી રાજભાષા તરીકે સ્થાન પામી છે. ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ ૨૨ ભાષાઓ પૈકીની એક ભાષા નેપાળી છે. આ ભાષાનો ઉદભવ ભારતમાં થયો હતો. તેથી જ નેપાળનાં આદિ કવિ ભાનુભક્ત, જે નેપાળમાં જ જન્મ્યા હતા તે લખે છે કે 'બડો દુર્લભ જાનોસ ભારતભૂમિ કો જન્મ જન લે' અર્થાત્ ભારતભૂમિમાં જન્મ લેવો દુર્લભ છે. નેપાળ અને ભારતનો સાંસ્કૃતિક નાતો સદીઓ પુરાણો છે.

ઇન્ડો-આર્યન પરિવારની આ ભાષામાં હિન્દી, સંસ્કૃત, બાગ્લા અને મૈથિલીની છાંટ જોવા મળે છે. નેપાળી અને સંસ્કૃતની વ્યાકરણ રચના અને ઉચ્ચારમાં મોટા પાયે સામ્યતા દેખાય છે. ટર્નરે તૈયાર કરેલ નેપાળી શબ્દકોશનાં ૨૬૦૦૦ શબ્દો પૈકી ૭૦૦૦ શબ્દો સંસ્કૃતનાં છે. સૌથી જૂનું નેપાળી ભાષાનું લખાણ ઇ.સ.૯૦૩માં મધ્યપશ્ચિમ નેપાળમાં 'દુલ્લુ' પથ્થરના સ્તંભ પર મળી આવે છે. નેપાળીનું કુળ ભારતીય છે. આ ભાષા ખસ-કુરા, પરબતે, પરબતિયાં, ગોરખાલી નામોથી ઓળખાતી આવી છે. ઓગણીસમી સદીનાં અનેક સર્જકોએ તેને 'ગિરિરાજભાષા' કહી છે. આમ, નેપાળી એ પહાડોની રાજભાષા છે. જે પોતાની આગવી ઉંચાઈ ધરાવતા મૂલ્યસભર લોકસાહિત્યથી સમૃદ્ધ છે. બાર ગામે બોલી બદલાય તેમ નેપાળમાં નેપાળીની ૧૦૭થી વધુ બોલીઓ બોલાય છે. પહેલા તો નેપાળીને હિન્દી ભાષાની એક બોલી જ માનવામાં આવતી. પરંતુ ફોર્ટ વિલિયમ કોલેજ, કલકત્તાના એક અંગ્રેજ પ્રાધ્યાપક જે.એ.એટને 'અ ગ્રામર ઓફ નેપાલી લેન્ગવેજ' લખી તેને સ્વતંત્ર ભાષા તરીકે સિદ્ધ કરી. નેપાળી ભાષાની લિપિ દેવનાગરી છે.

ભારતમાં લખવામાં આવતી નેપાળી અને નેપાળમાં લખાતી નેપાળી વચ્ચે સહેજ અંતર છે. તેનું કારણ ભારતીય નેપાળી પર ઉર્દૂ અને ફારસીનો પ્રભાવ માનવામાં આવે છે. નેપાળમાં વસતા લોકો ઉર્દૂ કે ફારસી મિશ્રિત નેપાળીને અશુદ્ધ માને છે. જેમ સૌ પર્વતોમાં નેપાળ સરહદે આવેલ એવરેસ્ટ સૌથી ઊંચુ શિખર છે, તેમ નેપાળી સાહિત્યનું સર્વોચ્ચ શિખર કવિ ભાનુભક્ત આચાર્ય છે. તેમણે રામચરિતમાનસનો નેપાળીમાં અનુવાદ કરી માતા જાનકીના પ્રદેશને રામની ઓળખ કરાવી. આપણા રાષ્ટ્રગાન જન-ગણ મનની બેન્ડની ટયુન વિકસાવનાર ગોરખા રાઇફલ બટાલિયનના કપ્તાન રામસિંહ ઠકુરી નેપાળી હતા.

ભારતીય આર્મી માટે તેમણે 'કદમ- કદમ બઢાયે જા...'નું સ્વરાંકન કરેલું. પ્રકૃતિની ગોદમાં રમતી આ ભાષામાં પ્રકૃતિવર્ણન અને સાહસકથાઓ મોટા પ્રમાણમાં છે. હિમાલયની ગિરિ કંદરાઓમાં ઉછળતી- કૂદતી આ ભાષા હિમાલયની સંપર્ક ભાષા કહેવાય છે. હિમાલયમાં તમે ભૂલા પડો અને તમને કોઈ નેપાળી ન મળે તો જ નવાઈ ! ભારતમાં ૨૯ લાખ નેપાળી ભાષી લોકો વસે છે. પરંતુ નેપાળીની નૂતન સાહિત્યિક યાત્રા જોઈએ તેટલી આગળ વધી નથી. તેનું કારણ નેપાળી લોકોનું સતત હિજરત કરવું તેમ મનાય છે. ભારતના પ્રમુખ શહેરોમાં નેપાળીઓ રખેવાળ તરીકે કામ કરે છે. આપણા સૌની રખેવાળી કરનારની ભાષાની રખેવાળી કોણ કરશે તે આજે મોટો પ્રશ્ન છે.

અંતે

તકની મુશ્કેલી એ છે કે એ આવે તેના કરતા જતી રહે ત્યારે ખૂબ મોટી લાગે છે.

- જ્યોર્જ બર્નાડ શો


Google NewsGoogle News