સુધારક મિજાજનાં માલિક કરસનદાસ મૂળજી
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
- 'મહારાજ' ફિલ્મ જોતાં આપણને નાસ્તિક લાગતા કરસનદાસે નીતિ વચન પુસ્તકમાં પોતે ઈશ્વર પર અતૂટ શ્રધ્ધા ધરાવતા હોવાનું લખ્યું છે.
હ મણાં જ એક બહુચર્ચિત ફિલ્મ આવી અને હાઇકોર્ટનાં ફરમાન પછી આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થઈ. આ ફિલ્મ એટલે ઓગણીસમી સદીના પ્રખર ગુજરાતી સમાજસુધારક, નીડર પત્રકાર અને લેખક કરસનદાસ મૂળજી પર બનેલ ફિલ્મ 'મહારાજ'. ૨૫ જુલાઇ, ૧૮૩૨નાં રોજ જન્મેલા કરસનદાસનું મૂળવતન મહુવા પાસેનું વડાળ ગામ. માતાનું અવસાન થયું અને પિતાએ બીજું લગ્ન કરવાથી, મોસાળમાં માતાની કાકી પાસે ઊછર્યા. મુંબઈમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરી, સુધારાવાદી વિચારોનો અડ્ડો ગણાતી એલ્ફિન્સ્ટન કૉલેજમાં કરસનદાસ ભણ્યા, એટલે તેમની સ્વતંત્ર વિચારસરણીને વધુ બળ મળ્યું. આર્થિક ભીંસને કારણે ભણવાની સમાંતરે તેમણે શિક્ષક તરીકે નોકરી લેવી પડી. તેમના જેવા સુધારક મિજાજના જણને સામાન્ય રીતે કોઈ નોકરીએ ન રાખે, પણ સુધારાતરફી ગણાતા ભાટિયા શેઠ ગોકુલદાસ તેજપાલે તેમની ગુજરાતી નિશાળમાં કરસનદાસને નોકરી આપી.
મુંબઇમાં ૧૮૫૧માં સ્થપાયેલી 'બુદ્ધિવર્ધક હિંદુ સભા'ના તેઓ આરંભથી સભ્ય હતા. ખૂબ નાની વયે જ તેજાબી વિચારોને કાગળ પર ઉતારવાનું શરૂ કરેલું. તેમની લેખનપ્રવૃત્તિનો આરંભ દાદાભાઈ નવરોજીના 'રાસ્ત ગોફતાર'થી થયો હતો. આગસ્ટ ૧૮૫૨ના 'રાસ્ત ગોફ્તાર'માં કરસનદાસનો પહેલો લેખ 'બાપદાદાઓની ચાલ' (એટલે કે, જૂના વખતથી ચાલ્યા આવતા રિવાજ) વિશેનો હતો. તેમાં વીસ વર્ષના કરસનદાસે 'મારા પ્યારા દેશીઓ'ને ઉલ્લેખીને સ્પષ્ટતા કરી છે કે આપણી ખરાબ રૂઢિ કાઢીએ અને અંગ્રેજોની સારી રૂઢિ દાખલ કરીએ તો તેમાં અંગ્રેજોની નકલ કરી છે, એવું ન ગણાય. આ દ્રષ્ટિએ તે નર્મદ અને મહિપતરામનાં સમકાલીન અને સમવિચારી હતા. 'બુદ્ધિવર્ધક હિંદુ સભા'માં પણ તેમણે આવી રહેલા સુધારા અને વર્તમાન બદીઓ વિશે નિબંધો વાંચવાનું શરૂ કર્યું. તે સમયના બીજા ઘણા સુધારકો કરતાં કરસનદાસ એ બાબતે જુદા પડતા હતા કે તેમના વિચાર અને આચારમાં કશો તફાવત ન હતો.
કરસનદાસે આગસ્ટ ૧૮૫૨માં 'દેશાટણ વિશે નિબંધ' લખેલ. એ એમનો પહેલો વ્યાખ્યાનલેખ બુદ્ધિવર્ધક હિંદુ સભા સમક્ષ વાંચ્યો અને બીજે વરસે તે પ્રસિદ્ધ થયો. પરદેશમાં રહીને પણ દેશીઓ પોતાનો ધર્મ પાળે છે, તેથી તેમણે હિંદુ જ્ઞાતિઓના આગેવાનોને વિનંતી કરી હતી કે તેઓ વિલાયત જનારાઓને નાત બહાર ન મૂકે. 'વિધવાપુનર્લગ્ન' વિષય પર યોજાયેલી નિબંધ હરીફાઈમાં જોડાવાને કારણે કરસનદાસને કાકીએ ઘરમાંથી કાઢી મૂક્યા. ત્યારે કરસનદાસ અને તેમનાં પત્ની ચૂપચાપ નીકળી ગયાં હતાં. એવી જ રીતે, નાતબહાર મુકાવાની તેમને જરાય બીક ન હતી અને એક વાર મુકાયા પછી કુટુંબીઓ-સ્નેહીઓના દબાણથી પ્રાયશ્ચિત કરીને પાછા ફરવાની તૈયારી ન હતી. કરસનદાસે ૧૮૫૪માં મુંબઈની એક ગુજરાતી શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી. તે વરસે કવિ નર્મદ કૉલેજના પ્રથમ વર્ષમાં, કરસનદાસ બીજા વર્ષમાં તથા મહીપતરામ રૂપરામ ત્રીજા વર્ષમાં ભણતા હતા. તે સમયની બૌદ્ધિક તથા સામાજિક પ્રવૃત્તિમાં, આ ત્રિપુટી સાથે હતી.
કરસનદાસે ૧૮૫૫માં પોતાનું સામયિક 'સત્યપ્રકાશ' શરૂ કર્યું. ત્યારબાદ થોડો સમય ડીસા ખાતે નોકરી મળતા 'સત્યપ્રકાશ' મહીપતરામ નીલકંઠને સોંપી ડીસા રહેવા આવેલા. મુંબઈનાં દરિયાના મોજા સામે લડવાની આદતને લીધે ડીસામાં ન ફાવ્યું અને પાછા મુંબઈ ગયા. કરસનદાસે ૨૧ સપ્ટેમ્બર, ૧૮૬૦ના રોજ તેમનો જાણીતો લેખ 'હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો' પ્રગટ કર્યો. આ લેખમાં તેમણે મહારાજોનાં અયોગ્ય કાર્યો જાહેર કર્યાં. આ લેખને કારણે વૈષ્ણવ આચાર્ય જદુનાથજી મહારાજે કરસનદાસ પર રૂપિયા ૫૦,૦૦૦નો બદનક્ષીનો દાવો માંડયો; જેનો અહેવાલ 'મહારાજ લાયબલ કેસ'નામે પ્રગટ થયેલો. મહારાજ લાયબલ કેસ' ૨૮ વર્ષના યુવાન કરસનદાસની અગ્નિપરીક્ષાનો અધ્યાય હતો અને તે તેમના જીવનનો કીર્તિસ્થંભ પણ બની રહ્યો.
કરસનદાસ માધવદાસે ઇંગ્લૅન્ડમાં પોતાની પેઢી ખોલી હતી, તેનો વહીવટ સંભાળવા તેમણે કરસનદાસ મૂળજીને સન ૧૮૬૩માં ઇંગ્લન્ડ મોકલ્યા. ત્યાં આ મહાન સુધારકને દાદાભાઈ નવરોજી ઇંગ્લૅન્ડના વડાપ્રધાનની મુલાકાતે લઈ ગયા હતા. વર્ષ ૧૮૫૭માં ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ સ્ત્રીઓનું સામયિક 'સ્ત્રીબોધ' પ્રગટ થયું. બે વર્ષ સુધી તેઓ તેના તંત્રી પણ હતા. તેમના વિદ્વાન મિત્ર. ડૉ. જાન વિલ્સને ડિસેમ્બર ૧૮૬૭માં કરસનદાસને રાજકોટમાં કાઠિયાવાડ પૉલિટિકલ એજન્ટના મદદનીશ તરીકે નિયુક્ત કરાવ્યા. રાજકોટથી એપ્રિલ, ૧૮૭૦માં તેમની બદલી લીંબડી થઈ. ત્યારે તેમને રાજકોટમાં ભવ્ય વિદાય આપવામાં આવી. તે સમયે તેમને અર્પણ થયેલાં માનપત્રો ઉપરથી જાણવા મળે છે કે રાજકોટમાં પુસ્તકાલય, શાકમાર્કેટ તથા અનાજ માર્કેટ બંધાવવામાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેમણે લખેલ સચિત્ર ગ્રંથ 'ઇંગ્લૅન્ડમાં પ્રવાસ' ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. ઇંગ્લૅન્ડનાં મહત્વનાં સ્થળોનાં વિવિધરંગી ચિત્રો ધરાવતો આ ગ્રંથ ત્યાંની પ્રજા, સંસ્કૃતિ અને તત્કાલીન સામાજિક-રાજકીય પરિવેશ વિશેનાં લેખકનાં નિરીક્ષણોને વિગતે નિરૂપેલ છે. ગુજરાતી ભાષા માટે અનન્ય પ્રેમ ધરાવનાર કરસનદાસે આશરે ૧૦,૦૦૦ શબ્દો ધરાવતો શાળોપયોગી લઘુકોશ 'ધ પૉકેટ ગુજરાતી-ઇંગ્લિશ ડિક્ષનરી'એમનું મહત્વનું પ્રદાન છે.
'મહારાજ' ફિલ્મ જોતાં આપણને નાસ્તિક લાગતા કરસનદાસે નીતિ વચન પુસ્તકમાં પોતે ઈશ્વર પર અતૂટ શ્રધ્ધા ધરાવતા હોવાનું લખ્યું છે. એક વાર બીમારીને કારણે શરીર કમજોર થતાં ડોકટરે તેમને માંસાહાર કરવાનું કહ્યું ત્યારે કરસનદાસે કહેલું 'અભક્ષ્ય ખાવું તેના કરતાં મરવું વધારે સારું'. ધર્માંધ નહીં પણ ધર્મશીલ એવા કરસનદાસનું ૧૮૭૧માં લીંબડી ખાતે અવસાન થયું. શું આજે આપણને આવા કરસનદાસોની જરૂર છે ખરી?
અંતે,
પિંડમાં પરમને પામવો એ જ ખરું આધ્યાત્મ.
- વિનોબા ભાવે