સાહિત્ય અને સમાજ : પરિવર્તનની પરિપાટી પર...
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
- ઘણી વખત લેખક તેના યુગના વાચકોથી નિરાશ થાય છે, પછી ભવભૂતિની જેમ તે ભવિષ્યના વાચકોને સંબોધે છે.
સ માજ જે ભાષામાં સમજે છે, વ્યવહાર કરે છે તે સાહિત્યમાં આવે છે. આ ભાષા કોઈ એક લેખકે બનાવી નથી. ભાષાનો પીંડ તો સમાજ દ્વારા ઘડાય છે. સમાજ દ્વારા આપવામાં આવતી ભાષા દ્વારા જ લેખક પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. લેખક પોતાના સર્જનાત્મક કાર્ય દ્વારા આ ભાષાને સમૃદ્ધ કરે છે તે ચોક્કસ છે. આપણને સૌને ગમતા ગીત કવિ વિનોદ જોશી કહે છે કે હું એક શાકવાળી બાઈ પાસે ભાષા ઉછીની લઉં છું અને તેને વ્યવસ્થિત ગૂંથીને શબ્દ અને અર્થ સાથે લયમાં જોડીને સમાજને પાછી આપું છું. કવિ દ્વારા વપરાયેલી આ સમૃદ્ધ ભાષાનો ઉપયોગ ભવિષ્યના લેખકો દ્વારા કરવામાં આવે છે. એ જ રીતે સાહિત્યના વિવિધ સ્વરૂપો અને શૈલીઓની પણ દીર્ઘ પરંપરા આ રીતે વિકસે છે. સર્જક આ પારંપારિક રચના અપનાવે છે અને સર્જન કરે છે. આ સમાજશાસ્ત્રીય દ્રષ્ટીએ મહાકાવ્ય કોઈ એક લેખક દ્વારા રચવામાં આવ્યું તેમ ન કહી શકાય, કે નવલકથા કોઈ એક મોટા લેખકે લખી એમ પણ ન કહેવાય. આ બધામાં સમાજની ભૂમિકા છે. તેનો અભ્યાસ, વિશ્લેષણ અને મૂલ્યાંકન પણ સાહિત્યના સમાજશાસ્ત્રનો વિષય છે. ભ્રમરગીતમાં ગોપીઓ અને ઉદ્ધવ વચ્ચે સંવાદ છે, આ સંવાદમાં તેઓ માત્ર સામાજિક જીવનની ચર્ચા કરે છે. તુલસીદાસના રામચરિતમાનસના રામરાજ્ય અને કળિયુગનો ખ્યાલ તત્કાલીન સમાજમાંથી જ આવ્યો હતો. સમાજશાસ્ત્રીય વિવેચનની મુળભુત માન્યતા એ છે કે સાહિત્ય અને સમાજ વચ્ચે ગાઢ સંબંધ છે. કોઈપણ સાહિત્યિક કૃતિ કોઈ અનન્ય પ્રતિભાથી સર્જાતી નથી, બલ્કે તે સમયના સમાજ, યુગ અને વાતાવરણ દ્વારા સર્જાય છે. આ યુગબોધ વિના સાહિત્યની કલ્પના શક્ય નથી. એ જ રીતે લખ્યા પછી કૃતિ સર્જકથી સ્વતંત્ર બની જાય છે. તેથી જ દરેક વખતે કૃતિનું લખાણ વાંચવું એ પુન:સર્જન જેવું બની જાય છે. તેનો અર્થ બદલાઈ જાય છે. લેખક આ ફેરફાર કરતા નથી પણ સમાજ એ કર્યે રાખે છે એટલે ઘણા વિવેચકો એમ કહે છે કે કૃતિ સાથે લેખકનો સંબંધ કામચલાઉ હોય છે. ઉદાહરણ તરીકે, તુલસીદાસની કૃતિ રામચરિતમાનસને લઈએ. લખતા પહેલા તુલસીદાસે વિવિધ પુરાણ અગમ-નિગમનો અભ્યાસ કર્યો હતો. રામકથા પહેલેથી અસ્તિત્વમાં હતી. તુલસીદાસે એ વાર્તા ફરી વાંચી, નવો અર્થ આપ્યો અને પછી લખ્યું. રામકથાના પાત્રો, ઘટનાઓ, એપિસોડ અને સંદર્ભ ચોક્કસ છે. પાત્રો પણ નક્કી છે. તેની સાથે છેડછાડ કરી શકાતી નથી. એ તો પહેલેથી જ નક્કી છે. પાછું મહાકાવ્યોના વર્ણનની શૈલી પણ ચોક્કસ છે. આ નિશ્ચિત ડીઝાઈન હોવાને કારણે, તુલસીદાસ સામે આવે છે સર્જનાત્મકતાનો પ્રશ્ન. ચોક્કસ ડીઝાઈનમાં જ સર્જન કરવાની મર્યાદા હોવાની સાથે સાથે તે સમયનાં જીવનમૂલ્યો, એ યુગના વિરોધાભાસો, એ યુગની જરૂરિયાતો, તુલસીના પોતાના વર્ગ અને જાતિના પાત્રો અને સર્જકના જીવનનો અનુભવ સર્જનમાં મોટી ભૂમિકા ભજવે છે. જ્યારે આ બધા ભેગા થાય છે, ત્યારે તુલસીને પોતાની આગવી સર્જકતા માટે બહુ ઓછી જગ્યા બાકી રહે છે અને આ બાકી રહેતી જગ્યામાં જે સુગંધ ઉમેરાય છે તે તુલસીને બીજા કરતા નોખા પાડે છે. તુલસીએ ઉપજાવેલી વિશિષ્ટ ભાત ૫૦૦ વર્ષ પછી પણ સમાજ ભૂંસી શકતો નથી અને પોતાની જરૂરિયાત અનુસાર, સમાજ તેના અર્થો પ્રાપ્ત કરે છે. નવા અર્થઘટનો ખોલે છે અને રસની પ્રાપ્તિ કરે છે. આપણી દરેક કૃતિનું એકવીસમી સદીના સંદર્ભમાં રી-રીડીંગ થાય તો દરેક કૃતિમાં રહેલી આ આગવી તુલસીમય સુગંધને પામી શકાય તેમ છે.
પ્રશિષ્ટ કૃતિઓની સામાજિક નિસબત તપાસતી વખતે એ પણ જોવું જોઈએ કે લેખક સર્જન કરે છે, પણ તે પોતાના માટે નથી કરતો. સમાજને સમજાવવા માંગે છે. તે સમાજને કશું કહેવા માંગે છે. બોધાત્મક, વ્યંગાત્મક કે કલાત્મક રીતે તે સમાજને બદલવા માંગે છે. તે સમાજ પાસેથી સમર્થનની અપેક્ષા રાખે છે. તે સમાજ તરફથી સ્વીકૃતિ માંગે છે. તેથી, આપણે કહી શકીએ કે વાચક સુધી પહોંચ્યા પછી જ કૃતિ પૂર્ણ થાય છે. ઘણી વખત લેખક તેના યુગના વાચકોથી નિરાશ થાય છે, પછી ભવભૂતિની જેમ તે ભવિષ્યના વાચકોને સંબોધે છે. આ ભવિષ્યનો વાચક એટલે કે પ્રશિષ્ટ કૃતિનો આજનો વાચક અને તેની સમજ તે લેખકને નિરાશ કરનારી છે કે ખરેખર લેખકને જે કહેવું હતું તે સમાજ સુધી પહોંચી ગયું છે ? આ પહોચતા કેટલા વર્ષો લાગ્યા અને તે કેવી રીતે પહોચ્યું ? સમાજમાં બદલાવના કયા પરિબળો કામ કરી ગયા ? આ તમામ વિશે અભ્યાસ થવા જોઈએ. જે સાહિત્યની સામાજિકતાને ઓળખવા માટે વાચક સમુદાય પર સાહિત્યના પ્રભાવ તરફ દોરી જાય છે. આ અંતર્ગત વાચક દ્વારા કૃતિની પસંદગી, પસંદગીના કારણો, તેની માનસિકતા, કૃતિની સમજ, કૃતિના અર્થનું પુન:નિર્માણ, વાચક પર પડેલી અસર અને તેની પ્રતિક્રિયાઓ વિશે ચર્ચા કરવી જરૂરી છે. આ રીતે વાચકની રૂચિના વિકાસમાં કૃતિની ભૂમિકા અને સાહિત્યના સ્વરૂપના વિકાસમાં વાચકોની ભૂમિકા પણ વિશ્લેષિત કરી શકાય છે. આ તમામ ચર્ચા પાછળનો ઉદ્દેશ સાહિત્યના ક્ષેત્રમાં નવા સમાજશાસ્ત્રીય પરિમાણો સ્પષ્ટ કરવાનો છે. આમ પણ એવું કહેવાય છે કે પ્રશિષ્ટ કૃતિઓ જેટલી પૂજાય છે તેટલી વંચાતી નથી હોતી.
અંતે
કોઈ પણ સાહિત્યિક સર્જનનું અંતિમ લક્ષ્ય વાચક છે, તેથી વિવેચનમાં લેખકના મૃત્યુની કિંમતે પણ વાચકનો પુન:જન્મ થાય તે જરૂરી છે. - રોલેન્ડ બાર્થેસે