Get The App

ભાષાનું કૌવત અને ભાષાની કરવત એટલે કહેવત

Updated: Aug 22nd, 2023


Google NewsGoogle News
ભાષાનું કૌવત અને ભાષાની કરવત એટલે કહેવત 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- 'સદીઓનું ડહાપણ અને સમજદારી ભેગા થાય છે ત્યારે એક કહેવત જન્મે છે'. મર્મ એ કહેવતનો આત્મા છે. 

કો ઈ પણ ભાષાની કહેવત એ પ્રજાની સંસ્કૃતિનું દર્પણ છે. કોઈ પણ સમાજ અને એની સમજ જાણવી હોય તો કહેવતોનો અભ્યાસ કરવો રહ્યો. કહેવતો પ્રજાના આગવા મિજાજ અને પરંપરાનો પરિચય આપે છે. કહેવતો પ્રજાજીવનની સામાજિકતા, વ્યવહારુ ડહાપણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું દર્શન બક્ષે છે. ઉપરાંત કહેવતો પશુ, પંખી, પ્રકૃતિ અને નાતજાતનાં સ્વાભાવિક વલણોનાં પાસાંનું જીવનલક્ષી નિરૂપણ, રહેણીકરણી, માન્યતાઓ, દંભાચાર અને રૂઢિના ખ્યાલોને સરળ બોલીમાં ચોટદાર રીતે વર્ણવે છે. બાર ગામે બોલી બદલાય એટલે એમ ચોવીસ ગામે કહેવત પણ બદલાય. એમાં પાછી બોલીની વિવિધતા ભલે એટલે રંગમાં ઉમંગ. 

કહેવત શબ્દ આમ જુઓ તો સંસ્કૃતના 'કથન'માંથી આવેલો છે. આમ તો કહેવત એટલે કહેતી, દ્રષ્ટાંત, દાખલો કે ઉદાહરણ; 'કહેવત' 'કહે' ઉપરથી વ્યુત્પન્ન થાય છે, તેથી કહેવતના મૂળમાં 'કહેવું' 'કહેણી' કે 'કથવું' અર્થ સમાયેલો છે. વર્ષો સુધી કોઈ એક ભાષા લોકજીભે રમતી રહે છે ત્યારે કહેવતોનું સર્જન થાય છે. કહેવત એ માણસ જાતના સામૂહિક અનુભવનું પરિણામ અને પરિમાણ છે. અનુભવની એરણે લાધેલા સત્યને લોકભાષામાં સાહજિક રીતે પ્રયોજવામાં આવે ત્યારે તે કહેવત બની જાય છે. એટલે જ સંસ્કૃતમાં કહેવતને ભાષા દ્વારા પ્રક્ટેલ 'અનુભવ નવનીત' કહ્યું છે.  વેદ કે ઉપનિષદનાં પરમ સત્યને લાઘવમાં સમજાવી, થોડામાં ઘણું કહી ચોટ ઉપજાવે તે કહેવત છે. આ કહેવતોના માધ્યમથી જ શ્લોક એ લોક સુધી પહોચે છે. આ કહેવતોમાં કોઠાસૂઝ છે, તત્વજ્ઞાાન છે. શાણપણ છે. ટૂંકા વાક્યો અને લાંબી દ્રષ્ટિથી કહેવત દ્વારા ભાષા સમૃદ્ધ બને છે. 

જે સત્ય લાંબા ભાષણો આપીને પણ ન સમજાય તેવું સત્ય ક્યારેક કહેવતોના માધ્યમથી પ્રજાને હાડોહાડ સમજાય છે. કહેવત ચોટદાર હોય છે એટલે જ તેને ભાષાની કરવત કહેવામાં આવે છે. સામાન્યમાં સામાન્ય માણસ કહેવતને આસાનીથી સમજી શકે છે. કારણ કે તે કોઈ સાહિત્યકાર કે મોટા વિદ્વાન લેખક દ્વારા નથી સર્જાઈ. કહેવત તો આમ આદમીની લોકજીભે રચાયેલ અને કસાયેલ લોકવાણી છે કે જેને વિવેચન કે ભાષ્યની જરુર પડતી નથી. કહેવતો લોકો દ્વારા કહેતા કહેતા રચાઈ જાય છે. તેથી જ કહેવતોનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે. 

કહેવત તરફ પહેલી સભાનતા કવિ દલપતરામે કરી, અને ખાસ તો કહેવતો સંધરવાનો વિચાર સને ૧૮૦૦માં 'કથનસપ્તશતી' નામનો કહેવત સંગ્રહ કોશ પ્રસિદ્ધ કર્યો. સન ૧૯૦૨માં શ્રી જમશેદજી નસરવાન પીતીત નામનાં પારસી બાવાએ ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમને લીધે 'કહેવતમાળા' નામનો સંગ્રહ તૈયાર કર્યો પણ તેમનું અવસાન થવાને લીધે તે સંગ્રહ મોડેથી પ્રકાશિત થયો. આ જ સમયમાં ગુજરાતીમાં દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાએ કહેવત સંગ્રહ પ્રકાશિત કર્યો. ત્યાર પછી જયભિખ્ખુએ પણ 'બાર હાથનું ચીભડું' અને 'તેર હાથનું બી' એ શીર્ષકથી કહેવતની ચાર પુસ્તિકાઓ પ્રકટ કરી છે. 'ભગવદગોમંડળ' તો કહેવતોનો ખજાનો છે. 

બક્ષી કહેતા કે 'સદીઓનું ડહાપણ અને સમજદારી ભેગા થાય છે ત્યારે એક કહેવત જન્મે છે'. મર્મ એ કહેવતનો આત્મા છે. કહેવત એ ભાષાનો શૃંગાર છે. ભાષાનું ઘરેણું છે. અરબીમાં એક કહેવત છે કે જેમ લવણ (મીઠા) વિનાનું ભોજન લૂખું તેમ કહેવત વગરની ભાષા લૂખી. કહેવતથી વાણી અને લેખનમાં લાવણ્ય પ્રકટે છે. કવિ ઉમાશંકર જોશી કહેવતને 'લોકકવિતાની ધ્રુવપંક્તિ' કહેતાં અને પ્રા. યશવંત શુક્લ 'ભાષાનું ઘરેણું' કહેતા. કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય તો કહેવતને 'જીવનસંસારની આચાર સંહિતાનો સાર' તેમ કહ્યું છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તેને 'કોયડાઓનો અર્થ ઉકેલતી કૂંચી' કહી છે.

ભારતીય ભાષાઓમાં કહેવતોનાં દસ્તાવેજીકરણનું કામ જોઈએ તેટલું થયું નથી. તેથી સાંભળેલી કહેવતો એક મુખથી બીજા મુખ સુધી જાય ત્યારે સમયના પ્રવાહમાં તે ભૂંસાય છે અથવા અર્થનો અનર્થ થાય છે. જેમ કે 'અક્કલ બડી યા ભેંસ' કહેવતને અંગ્રેજોએ અક્કલ બડી યા બહસ' તરીકે પ્રયોજેલી. કેટલીક કહેવતો વિરોધાભાસી પણ હોય છે. જેમ કે 'બોલે તેના બોર વેચાય' અને 'ન બોલ્યામાં નવ ગુણ'. હોય સાન તો જગમાં માન તો પછી સત્તા આગળ શાણપણ નક્કામું. કહેવતો ગ્રંથસ્થ થાય તે જરૂરી છે. સાથે-સાથે વ્યવહારમાં પણ તેનો ઉપયોગ વધે તે જરૂરી છે. 'આગે-આગે ગોરખ જાગે' આમાં ના ચાલે. કહેવતોને શીખવા માટેના કોઈ ક્લાસ નથી હોતા. એ તો વડીલો દ્વારા નવી પેઢીને પવાતું ભાષામૃત છે. કહેવતનાં યોગ્ય પ્રયોગ માટે નવી પેઢી એ વડીલો પાસે બેસવું રહ્યું. બેસશો ને કે પછી શેઠની શિખામણ ઝાંપા સુધી!! 

અંતે... 

કિસ્મતને ત્રીજી પેઢી હોતી નથી. જ્યારે પુરુષાર્થને આખો વંશ હોય છે. 

એક ચીની કહેવત


Google NewsGoogle News