આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
'હે સુરેશ્વર, શાંતસ્વરૂપ, સૂક્ષ્મરૂપ, નીલકંઠ, નીલ નેત્રવાળા, નિયંતા, વરદાતા, કપર્દી, કરાલી, યામ્ય, મુંડ, ગિરીશ, પ્રશાંત, અંતર્યામી આપને હું નમસ્કાર કરું છું. સર્વ દેવોમાં પ્રથમ હોવાથી ઋષિઓ તેને 'જ્યેષ્ઠભૂત' કહે છે. તે સર્વ લોકોને મહિમાવંત કરે છે, બીજાને મોટાઈ આપે છે. એટલે તેઓ 'મહેશ્વર' છે. લિંગરૂપ હોવા છતાં અનેક રૂપો ધરાવે છે એથી તેઓ 'બહુરૂપા' છે. ક્રોધાયમાન સ્વરૂપને 'શર્વ' અને સૌનું કલ્યાણ કરનાર, સૌને સર્વ અર્થોની સિદ્ધિ પ્રદાન કરનાર હોવાથી 'શિવ' તરીકે ઓળખાય છે. તેમનો વર્ણ ધૂમ્રવર્ણ હોવાથી 'ધૂર્જટિ' તરીકે પણ ઓળખાય છે. સર્વદેવો તેમનામાં વાસ કરતા હોવાથી 'વિશ્વરૂપ' તરીકે વિખ્યાત છે. ત્રણેય લોકના પરમેશ્વરને પંડિતો 'ર્ત્ર્યમ્બક' કહે છે.
તમારા પરસેવાનો રૂપિયો જયારે પર-સેવામાં વપરાય ત્યારે સમજવું કે જીવન સાર્થક થયું છે. જીવન સમૃદ્ધ થાય એના કરતા સાર્થક થાય એ વધુ મહત્વનું છે. ફૂલ જે સહજતાથી સુગંધ આપે એ જ સહજતાથી સેવા થાય તો જીવન બાગબાગ થશે. નિસ્વાર્થ સેવા કરનાર ઉપર શિવની કૃપા અવિરત વરસે છે અને એને આઠે દિશામાં, આઠે પહોર લીલાલહેર હોય છે.
કેદારનાથમાં શિવની પીઠનું પૂજન થાય છે. મધ્યમેશ્વર કેદારમાં શિવની નાભિનું પૂજન થાય છે. તુંગનાથ કેદારમાં શિવના ઊંચા હાથનું પૂજન કરવામાં આવે છે. રુદ્રનાથ કેદારમાં શિવના મુખનું પૂજન થાય છે. જ્યારે કલ્પેશ્વર કેદારમાં શિવની જટાનું પૂજન થાય છે. આ બધા સ્થાનકોનું વિશેષ મૂલ્ય છે. પૂજાની પૂર્વ શરત એ છે કે એ હૃદયપૂર્વક થયેલી હોવી જોઈએ. શ્રાવણમાસમાં શિવ મંદિરમાં શિવનું સ્મરણ એટલે બધા ચોઘડિયા શુભ. ઓમ નમઃ શિવાયના ઉચ્ચારણથી હોઠ અને હૈયું પુલકિત થાય છે. ગુજરાત માટે ગૌરવની બાબત છે કે પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ આપણી પાસે છે. જે ગુજરાતનું રક્ષણ કરે છે.
પ્રાચીન કથા મુજબ દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ કન્યાઓને સોમદેવ સાથે પરણાવી હતી. જેમાં રોહિણી સૌથી સુંદર હોવાથી સોમદેવનો એના તરફ પક્ષપાત ખૂબ રહેતો હતો. અન્ય કન્યાઓની ફરિયાદ સાંભળી દક્ષે શાપ આપ્યો કે 'તારો ક્ષય થશે'. સોમદેવને પીડાતો જોઈ દક્ષે નિવારણ આપ્યું કે 'પ્રભાસ તીર્થ પાસે સરસ્વતી નદી મળે છે. ત્યાં સ્નાન કરીને શિવની પૂજા કરવી.' અને થોડા સમયમાં જ સોમદેવ હતો એવો થઇ ગયો. જે લિંગની પૂજા કરી તે પરથી સોમ+નાથ = સોમનાથ મહાદેવ નામ પડયું. જો સાચી નિષ્ઠાથી અનુષ્ઠાન થાય તો સોમદેવ ઉપર શિવ પ્રસન્ન થયા એવી જ પ્રસન્નતા આજે પણ બધા ઉપર ઉતરે છે. સૌરાષ્ટ્રની સુગંધ સાથે સાગરકાંઠાના સરનામે ભોળિયોનાથ બિરાજે છે. વેરાવળની લગોલગ આવેલું આ તીર્થધામ વિશ્વપ્રસિદ્ધ છે. આ પ્રથમ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ મળે છે. ૨૦૦૦ વર્ષના ઉજ્જવળ ઈતિહાસને સંગોપીને સૌનું રક્ષણ કરી રહ્યા છે.
વલ્લભીના રાજા મૈત્રકે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો પછી સિંધના આરબ શાસકના હુમલાથી મંદિરનો નાશ થયો હતો. પછી પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ફરી મંદિરનું નિર્માણ કર્યું. મંદિર પર અનેક હુમલાઓ થયા હતા. પણ સોમનાથ જેનું નામ, ફિનિક્સ જેમ ઊભા થવાનું કામ, એનો બુરો કદી ન આવે અંજામ. પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે 'સોમનાથ વિનાશ પર વિજયનું પ્રતીક છે.' હાલ જે મંદિર છે તેનું પુનર્નિર્માણ લોખંડીપુરૂષ પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વર્ષ ૧૯૫૧માં કરાવવામાં આવ્યુ હતું. ચાલુક્ય શૈલીથી બંધાયેલું 'કૈલાસ મહામેરુ પ્રાસાદ મંદિર' સોમનાથનો શણગાર છે. ગુજરાતના સોમપુરા કારીગરોની કમાલની કલા છે. ૧૨ જ્યોતિર્લિંગમાં સોમનાથનું પ્રથમ છે.
શિવ નામ સ્મરણથી પવિત્રતાના પારસમણીનો સ્પર્શ થાય છે. મનથી નીપજે એ વિવેક પણ હૃદયથી પ્રગટે તે શ્રદ્ધા. મનથી વિચારશો તો શિવને પામી નહીં શકો. પણ હૃદયથી સ્મરશો તો શિવને પામી શકશો. શિવ પોતે વર્ષો સુધી તપ કરે છે. એટલે શ્રમનું મૂલ્ય સ્થાપિત કરે છે. શિવ સ્વયં મહાસત્તા હોવા છતાં એમણે કદી પોતાના માટે છૂટછાટ લીધી નથી. દરેકને જે નિયમો લાગુ પડે છે એ પોતાના માટે પણ રાખ્યા છે. બ્રહ્મા સર્જન કરે છે અને શિવ વિસર્જન કરે છે. આ વિસર્જનમાં જ સર્જનની નિહિત છે. એવા આશુતોષ અવઢરદાનીને વારંવાર વંદન.
અંતે...
ચરિત્ર એવો હિરો છે જે અન્ય બધા પાષણને કાપી નાખે છે.