ઘણું જીવો ગુજરાતી, તું સદા રહો મદમાતી
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
એ કવાર અકબરના દરબારમાં એક માણસ આવીને કહે કે 'હું બધી ભાષા બોલી શકું છું, મારી માતૃભાષા કઈ છે એ કોઈ ઓળખી ન શકે.' બધાએ બધી ભાષામાં વાત કરી પણ દરેક ભાષામાં એ એક્સપર્ટ હતો. બધાએ બીરબલ સામે જોયું. પણ બીરબલ મૌન હતો. દરબાર પૂર્ણ થયા બાદ બીરબલે કહ્યું કે 'મહારાજા આજ રાત્રે મારી સાથે આવજો'. અરધી રાત્રે અકબર અને બીરબલ પેલા માણસના ઓરડામાં ગયા. બીરબલે ડોલ ભરીને પાણી પેલા માણસની માથે નાખ્યું. ત્યારે ઊંઘમાંથી ઊઠીને પેલો માણસ ગુસ્સામાં ગાળો બોલવા લાગ્યો. ત્યારે બીરબલે કહ્યું કે 'મહારાજ આ જે ભાષામાં ગાળો બોલ્યો એ એની માતૃભાષા.'
પરમ દિવસે વિશ્વ માતૃભાષા આવશે અને ઉજવાશે. સામે પક્ષે સમાજમાં આજે અંગ્રેજી મીડિયમમાં ફ્લેગ લહેરાઈ રહ્યા છે અને ગુજરાતી માધ્યમનો પવન પડી ગયો છે. પણ સંકટના સમયની સાંકળ એટલે માતૃભાષા. મહાન માણસોએ માતૃભાષામાં જ શિક્ષણ લીધું છે. પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ. મોરારિબાપુએ કહ્યું છે કે 'મા, માતૃભાષા અને માતૃભૂમિના ઋણમાંથી આપણે ક્યારેક મુક્ત ન થઈ શકીએ.' રશિયન લેખક મેક્સિમ ગોર્કી કહે છે 'દરેક ઉત્તમ પુસ્તક એક ચમત્કાર છે અને દરેક ઉત્તમ લેખક એક જાદુગર છે.' કાગળ ઉપર શબ્દો પડે છે ત્યારે કંકુ ખર્યા જેવી ઘટના સર્જાય છે. કેમિકલ લોચા હોય તો જ હટકે સર્જન કરી શકાય છે. નીમ પાગલ લોકો જ મહાન બની શકે છે. ડાહ્યા ડમરા લોકો નોકરી કરે. સર્જક સાહસિક અને સાહજિક હોવો જોઈએ. ઈશ્વરને પણ આનંદ થાય એવી મનુષ્યની શોધ એટલે શબ્દ. 'અવાજ'ના ભમ્મરિયા કૂવામાંથી બહાર નીકળીને 'હસ્તપ્રત'ના આકાશમાં ઉડ્ડયન કરતા શબ્દોની આદિમ સફરના અનેક રોમાંચક મુકામ છે.
આપણી જેમ પ્રકૃતિની પણ એક ભાષા છે, જે સૌથી ઉત્તમ છે. ભમરાનો ગુંજારવ પ્રેમની ભાષા છે, તમરાનું કોરસ ગાન અંધકારની ભાષા છે. પીપળાનાં પાનનો રવ પૂર્વજોની ભાષા છે, વાવાઝોડાનું તાંડવનૃત્ય ક્રોધની ભાષા છે અને સિંહની ગર્જના ખુમારીની ભાષા છે. આ બધી ભાષાઓનું વ્યાકરણ અલગ હોય છે. વેપારીઓ સાંકેતિક ભાષામાં વાત કરે છે. સામે ગ્રાહક બેઠો હોય તોય એને ખબર ન પડે. બીજી ભાષાનો જાણકાર પોતાની ભાષામાં ઉત્તમ લખી શકે છે. બીજી ભાષાના સંસર્ગથી માતૃભાષા મોહક બને છે. વિશ્વની અનેક ભાષાના શબ્દો ગુજરાતીમાં પરિવારના સભ્ય હોય એમ ગોઠવાઈ ગયા છે.
સેનેકાએ કહ્યું છે કે, 'હું શું બોલી ગયો છું, તેના પર વિચારું છું ત્યારે મૂંગા માણસની ઈર્ષા આવે છે.' બોલે એના બોર વેચાય પણ કોઈ આપણાથી બોર થાય તો ન બોલ્યામાં નવ ગુણ. ભાષાશાસ્ત્ર પ્રમાણે શબ્દની શક્તિને અભિધા, લક્ષણા અને વ્યંજનામાં વિભાજિત કરી છે. વ્યાવહારિક ભાષા અભિધા અને સર્જકની ભાષા વ્યંજના છે. રોજબરોજના રૂઢ થયેલા શબ્દને એક નવો અર્થ આપી ચમત્કાર સર્જે તે સર્જક. નવલકથાને 'ગુટેનબર્ગ ગેલેક્સી' કહે છે. જર્મનીના ગુટેનબર્ગે પંદરમી સદીમાં છાપકામના અક્ષરોનાં બીબાંની શોધ કરી હતી, જેથી અનેક લોકો સુધી મુદ્રિત અક્ષરનું અજવાળું પહોંચ્યું હતું. આજે ઓફસેટે તો બધું ઝળાંહળાં કરી નાખ્યું છે. ઓન લાઈન વાચન ખૂબ થાય છે, એ ી-મ્ર્ર્ં નું પણ ભાવપૂર્વક અને ભારપૂર્વક સ્વાગત છે. માધ્યમ કોઈ પણ હોય શબ્દ ભાવક સુધી પહોંચે છે એ બહુ અગત્યનું છે.
ભાષા એ તમારી સંપત્તિ છે. જેમ પૈસાદારનું સમાજમાં સન્માન છે એમ ભાષાદારનો પણ મોભો હોય છે. જો કે એને સમજતા થોડી વાર જરૂર લાગે છે. આમ પણ સ્વયમ શબ્દને સમજવો સહેલ ક્યાં છે ? સ્વેટ માર્ડન કધે છે કે 'તમારી પાસે ગમે તેટલી કુદરતી શક્તિ હશે, તમારી પાસે ગમે તેટલું શિક્ષણ હશે, તમે ગમે તેટલાં સુંદર વસ્ત્રો પહેર્યાં હશે, પણ જો તમારી ભાષા સુંદર નહીં હોય તો આ બધું નકામું નીવડશે. તે તમને સારા દેખાડી શકશે નહીં.' હરીશ મીનાશ્રુના એક કાવ્યસંગ્રહનું નામ જ 'શબદમાં જીનકું ખાસ ખબરા પડી' છે. જેમાં કવિ શબદની શોધ આરંભે છે. આ શોધ આધ્યાત્મ જેટલી જ ગહન છે. શબ્દ અને શબદ આમ બંને એક છે પણ એમાં આંશિક ભેદ રહ્યો છે. એક જ શબ્દના અલગ અલગ ઉચ્ચારથી પણ જુદા અર્થો મળે છે. સર્જકે ભાષાનો ક્યાસ કાઢવાનો હોય.
ભાષા સાથે સંસ્કૃતિ અને સંસ્કાર જોડાયેલા છે. વોટ્સએપમાં અને ઈન્સ્ટાગ્રામ પર યંગસ્ટરે નવી ભાષા ઊભી કરી છે. જો કે એના સાધક કરતા બાધક પરિણામો વધુ છે. અંગ્રેજીના સ્પેલિંગ માટે ડિક્ષનરી ખોલતા આપણે ગુજરાતી શબ્દો ગમે તેમ લખી જોડણીની કત્લેઆમ કરીએ છીએ. કવિતાના ખોટા ઉચ્ચારણ કરીને નરસિંહ મહેતાનું અપમાન કરીએ છીએ. કમ્પ્યુટર પુસ્તકાલય બની ગયું છે. મૂંગી ફિલ્મ 'હરિશ્ચન્દ્ર'થી ડાયલોગ ભરપૂર 'બાજીરાવ મસ્તાની' સુધી શબ્દ ચિત્રાંકિત થયો છે. નવ રસમાં વિલસતા - વિકસતા શબ્દને કોટિ કોટિ વંદન.
(શીર્ષક પંક્તિ કવિ કેશુભાઈ દેસાઈ
અંતે,
પ્રેમ દાખલ થાય છે બારીમાંથી અને જાય છે બારણાંમાંથી.
- વિલિયમ કેમડન