સાહિત્ય, ટેકનોલોજી અને આપણે... .
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
સા હિત્ય સર્જનમાં ટેકનોલોજીના ઉપયોગની વાત હવે જરાય નવી નથી. ભવિષ્યમાં પણ વિવિધ મોરચે ટેકનોલોજી અને મનુષ્યનો સામનો થતો રહેવાનો છે. તેમાંનો એક મોરચો સાહિત્યનો પણ છે. સાહિત્યને સર્જનાત્મકતાની અનન્ય માનવ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. પણ શું એઆઈના આવવાથી સર્જનની આ અનન્યતા મનુષ્યસહજ રહેશે ખરી? અત્યારે જ કેટલાય રોબોટ તમે ઈચ્છો તેવી વાર્તાઓ, નવલકથાઓ અને કવિતાઓ લખી આપે છે. વિશાળ ડેટાબેઝ, મશીન લર્નિંગ અને લાર્જ લેન્ગવેજ મોડેલ થકી એઆઇ તમે ઈચ્છો તેવી વાર્તાઓ કે કવિતાઓ આપી શકે. કોઈ સર્જકને પોતાના સર્જનનું સંપૂર્ણ એઆઇકરણ નથી કરવું તો તે એઆઇને અમૂક પ્રશ્નો આપી નવા સર્જનાત્મક પ્લોટ કે વિષયવસ્તુ કે કથાબીજ એઆઇ થકી મેળવે છે અને પછી પોતે સર્જન કરે છે. આ રીતે હાઈબ્રીડ સર્જનનો પણ પ્રારંભ થયો છે.
એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાના આગમન સાથે વિશ્વ એક આકર્ષક ઉત્ક્રાંતિનું સાક્ષી બન્યું છે. સાહિત્યિક વિશ્વમાં છૈં નો પ્રવેશ એ નવીનતા, પ્રયોગશીલતા અને વિવાદની વૃદ્ધિ કરનાર મહત્વનું પરિબળ છે. એઆઇ જનરેટેડ ટેક્ષ્ટ એટલે કે લખાણ માટે ભવિષ્યમાં પ્રૂૂફરીડરની જરૂર નહિ પડે. બહુ ઝડપથી મશીન લર્નિંગ કરતા એઆઇને આપણી ભાષાના બધા જ સિદ્ધાંતો અને તેના અપવાદો પહેલેથી જ ભણાવી દેવામાં આવશે એટલે તે ભાષાકીય ભૂલો નહિ કરે. ગઝલમાં છંદ, રદીફ અને કાફિયાના બંધારણો પણ એને બરાબર ભણાવી દેવામાં આવશે એટલે એઆઇ રચિત ગઝલમાં છંદદોષ નહિ હોય. દિવાળી વિશેષાંકોમાં સીઝનલ લખતા લેખકોએ ૧૨૦૦ કે ૧૫૦૦ શબ્દોની મર્યાદામાં લખવા માટે વારંવાર કાપકૂપ કે પરિમાર્જન નહિ કરવું પડે. એઆઇ બરાબર ૧૧૯૯ શબ્દોમાં વાર્તા લખી આપશે. એ જ વાર્તા ૮૦૦ શબ્દોમાં કહો તો ટૂંકાવીને માત્ર ૩૦ સેકન્ડમાં લખી આપશે. એટલું જ નહીં ગુજરાતી સાહિત્યમાં પ્રબંધકાવ્ય કે મહાનવલ લખીને મહાન થઇ જવાની ખેવના રાખનાર સાહિત્યકારોની વ્હારે પણ એઆઇ આવશે. અમૂક ચોક્કસ ઈનપુટ આપીને તે ટેકસર્જકો ઘડીના છઠ્ઠા ભાગમાં દીર્ઘ નવલ લખવાની શરૂઆત કરશે. જે સર્જકો અમૂક માહોલમાં લખવા માટે ટેવાયેલા હોય અને ચોક્કસ વાતાવરણમાં જ મૂડ બનતો હોય તેવા મૂડી સર્જકો માટે એઆઇ મહામૂલી મૂડી હશે. આ મૂડી સર્જકો પોપડા ખરી ગયેલ જૂના ડ્રોઈંગરૂમમાં, ખખડી ગયેલી ખુરશી પર બેઠા હશે ત્યાં જ વર્ચ્યુઅલ રીઆલીટીના માધ્યમથી કાશ્મીરની બર્ફીલી વાદીઓની અનુભૂતિ કરી શકશે. અમૂક લેખકો બેઠકખંડમાં બેઠા- બેઠા મહાભારતના યુદ્ધમાં ઉતર્યા હોય એવી અનુભૂતિ કરી શકશે. દુર્યોધનના પાત્રમાં વર્ર્ચ્યુઅલ કાયાપ્રવેશ કરી બેઠક ખંડમાં બેઠા-બેઠા જ ખંડકાવ્ય લખી દુર્યોધનને સુયોધન કહી, તેની મહાનતાને વર્ણવી પોતે રાતોરાત મહાન થઇ શકશે. સમીક્ષકો અને સંપાદકો માટે તો એઆઈ મોટું વરદાન છે. સંપાદકો તો ચપટી વગાડતા અમૂક તમુક પ્રસિદ્ધ કવિની જાણીતી રચનાઓ એઆઇ પાસે પસંદ કરાવી આ રચનાઓના વૈશિષ્ઠય વિષે એક દીર્ઘ લેખ લખાવી લેશે. સંપાદિત પુસ્તકના બેક ટાઈટલ પર છાપવા માટે આ સંપાદન જેવું અગાઉ કોઈએ કર્યું નથી.. આ યુગકાર્ય છે.. આ સંપાદન અનન્ય છે.. વિગેરે વિગેરે જેવું સ્વનામધન્ય હોવાનું લખાણ પણ એઆઇ જ લખી આપશે. જે સમીક્ષકો આખું પુસ્તક વાંચ્યા વિના માત્ર પ્રસ્તાવના વાંચીને ખૂબ જહેમતથી સમીક્ષા કરે છે તેમનું કામ ઔર આસાન થઇ જશે. એઆઇ તમને સરસ સમીક્ષા કરી આપશે- એમાં અલગ અલગ વર્ગ માટે અલગ અલગ સમીક્ષાઓ હોઈ શકે. કોઈ પણ કૃતિને પ્રમાણવાનું અને ધોઈ પાડવાનું કામ વિવેચકો કરતા હોય છે. તે કામ પણ એઆઇ જ કરશે. તમે માંગો એવા પર્સપેક્ટીવ ધરાવતું વિવેચન તમને મળશે. એટલે કોઈને ધોઈ પાડવા માટે બગડતા સમયનું ધોવાણ હવે અટકશે. અનુવાદનું આખું વિશ્વ પહોળાઈ જશે. મહેસાણાના જયંતીલાલ કે જામનગરનાં જ્યોત્સનાબેન યુવા નોવલ હરારીના નવા આવેલા તાજા પુસ્તકને ગુજરાતીમાં તરત જ વાંચી શકશે. નોબેલ પ્રાઈઝ વિજેતાના પ્રવચનને સ્પીચ ટુ ટેક્ષ્ટમાં કન્વર્ટ કરી તેનો ગુજરાતી અનુવાદ કરી વાંચી કે સાંભળી શકાશે. આ બધું વાંચીને તમને એમ થશે કે બધું એઆઈ કરશે તો આપણા સાહિત્યકારો નવરા થઇ જશે? અરે ના ભાઈ ના. અહીં માત્ર એઆઇના ઉપયોગ વિશેની જ ચર્ચા છે. બાકી એઆઇ જે સર્જન કરશે તેમાં અનેક મર્યાદાઓ પણ છે જ. બધું જ જે ડેટાબેઝ ફીડ કર્યો છે તેના આધારિત જ હશે. એઆઈને જે શીખવવામાં આવ્યું છે તેવું જ હશે. એટલે કે એઆઇ રચિત સર્જનો હોમોજીનીયસ હશે એટલે કે તેમાં સમાનતાનું પરિબળ વધુ જોવા મળશે. એઆઇ પોતે આયાસથી સર્જન કરે છે એટલે આયાસવાળા સર્જન માટે એ પડકાર છે. પણ અનાયાસે વીજળીના ચમકારે રચાયેલી અનન્ય રચનાઓ એઆઈ ક્યારેય નહિ સર્જી શકે કારણ કે એઆઇ કોઈનાં આંસુ લુછવા નહિ જઈ શકે. કોઈ લાચાર મનુષ્યના હદયની ઊંડાઈને અને તેમાં પડેલી અપાર વેદનાને નહિ માપી શકે કે નહિ પામી શકે. છેલ્લે એઆઇ એ પાવર્ડ આર્ટ છે અને મનુષ્ય પાસે આર્ટ પાવર છે. આ નાનકડો ફરક આપણી અનન્યતાને જાળવી રાખે છે કે કેમ તે જોવું રહ્યું..
અંતે,
પંખી ચાહે વાદળ થવા, વાદળ ચાહે પંખી થવા.
- રવીન્દ્રનાથ ટાગોર