અલવિદા સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાય .
- હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
વ ર્ષો પહેલાનો એક પ્રસંગ છે.મુંબઈમાં સુગમ સંગીતના એક કાર્યક્રમમાં પુરુષોત્તમ ઉપાધ્યાય મન મુકીને ગાતા હતા. એમના કંઠનું કામણ એવું કે શ્રોતાઓને એ થાળીમાં રાઈના દાણાની જેમ પ્રેમપૂર્વક રમાડે. એ મન મૂકીને ગાય..એમનું હોવું એટલે મહેફિલ...શ્રોતાઓ હૂંફાળા હાથનાં સાથ સાથે દાદ આપ્યે જ જાય. આ કાર્યક્રમમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના માનસપિતા-ગુરુ અવિનાશ વ્યાસ પણ હાજર હતા. કાર્યક્રમને અંતે જયારે અવિનાશ વ્યાસને પુરુષોત્તમ ઉપાધ્યાય માટે બોલવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે એક અદભુત વાક્ય કહ્યું ''આજે ઓગળતા અવિનાશને પુરુષોત્તમ થવાનું મન થયું''. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું અને પુરુષોત્તમભાઈએ ગુજરાતને કવિતાને ચાહતું કર્યું. એમ કહેવાય છે કે કોઈ સારા ગીતને સજ્જ સ્વરકાર મળે ત્યારે તેને પાંખો મળે છે. પરંતુ પુરુષોત્તમભાઈ જે ગીતનું સ્વરાંકન કરે તે ગીતને પાંખો સાથે નવી આંખો અને ઉડવા માટે નવું આભ પણ મળતું. ૧૫ ઓગસ્ટ, ૧૯૩૪ને દિને જન્મેલા પુરુષોત્તમની કુંડળીમાં નવ ગ્રહ સાથે સૂરોનો અનુગ્રહ ભળ્યો અને આખુંય જીવન સૂરમય થઇ મહેકી ઉઠયું. સુરેશ દલાલ એમ કહેતા કે ''જયારે આ કલાકાર જન્મ્યો હશે ત્યારે એના પ્રથમ રુદનમાં સંગીતનો કોઈ સૂર અકળ રીતે ભળી ગયો હોવો જોઈએ''. છઠ્ઠીની મધરાતે વિધાતા જયારે લેખ લખવા આવી હશે ત્યારે એના ઝાંઝરની ઘૂઘરીનાં રણકારનો રંગ એના કંઠને અને કાનને અવશ્ય લાગ્યો હશે. પુરુષોત્તમભાઈ કહેતા કે ''સંગીતનો વારસો મારી માતા પાસેથી મળ્યો. માતા વિદ્યાગૌરીના કંઠેથી કોઈને કોઈ ભજન વહેતું હોય''. માતાનું આ ભજન પુરુષોત્તમ માટે જાણે સ્વજન બની ગયું. પુરુષોત્તમભાઈએ સૌ પહેલો સ્ટેજ શો છ વર્ષની નાની ઉંમરે કરેલો. નાટક મંડળીમાં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ રચિત 'સાધુ ચરણકમલ ચિત્ત જોડ' ગાયું અને નાનકડા પુરુષોત્તમને સત્તર વાર વન્સ મોર મળ્યા. આ રીતે રંગભૂમિ એ જ પુરુષોત્તમ ઉપાધ્યાયની જન્મભૂમિ બની ગઈ. નાટક કંપનીમાં ગાવા માટે અમદાવાદ, મુંબઈ આવ- જા કરે. પુરુષોત્તમભાઈ બહુ બહાર રહે તે પિતાજીને ન ગમે. નડિયાદમાં પુરુષોત્તમભાઈને ન ગમે. બે વાર તો ભાગીને મુંબઈ ગયા. પછી માતા-પિતાની આજ્ઞાા સાથે મુંબઈ સ્થિર થયા. પુરુષોત્તમભાઈનું એ સદભાગ્ય કે એમને અવિનાશભાઈ જેવા ગુરુ મળ્યા. નાટકમાં અને ફિલ્મોમાં ગાવાની શરૂઆત થઇ ગઈ હતી પણ હજુ ગુજરાતને દિગ્ગજ સ્વરકાર મળવાના બાકી હતા. 'અમથી અમથી મૂઈ, ઓલ્યા માંડવાની જૂઈ..'એ એમનું પ્રથમ સ્વરાંકન હતું અને પછી તો આજીવન તેઓ ઉત્તમ સ્વરકાર બની ગુજરાતી ભાષાના સુગમ સંગીતના ફળિયાને રળિયાત કરતા રહ્યા. મા અંબાજી પ્રત્યે તેમને અનન્ય શ્રદ્ધા. અંબાજી જાય એટલે માતાજી સામે રડતારડતા ગાય અને માતાજી પણ આંસુના એ અભિષેકથી રાજી થઈને નવી ઊર્જા આપે. આ ઉર્જાના પ્રસાદરૂપે ગુજરાતને એમના કામણગારા કંઠે હે રંગલો કે ઉંચી મેડી તે મારા સંતની કે પછી માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં જેવા અનેક ઉત્તમ સ્વરાંકનો મળ્યા. એ જમાનાના વિખ્યાત કલાકારો અમીરબાઈ કર્ણાટકી, તબલાનવાજ ઉસ્તાદ અલ્લારખાંસાહેબ, વિખ્યાત ગુજરાતી ગાયક અને સ્વરકાર દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ જેવાના અંગત પરિચયમાં તેઓ આવ્યા. પોતાની સંગીતકલાને વધુ ધારદાર અને શાસ્ત્રશુદ્ધ બનાવવાના હેતુથી ઉસ્તાદ નવરંગ નાગપુરકર પાસેથી શાસ્ત્રીય સંગીતના પાઠ લેવાની શરૂઆત કરી. સમયાંતરે તેમના ગુજરાતી સુગમ સંગીતના સ્વતંત્ર કાર્યક્રમો દેશવિદેશમાં આયોજિત થવા લાગ્યા. ગુજરાતી સાથે ઉર્દૂ ગઝલની ગાયકીમાં પણ માસ્ટરી મેળવી. ઉર્દૂ ગઝલો અસલ નવાબી રંગ સાથે ગાય. ચલચિત્ર જગતની સુવિખ્યાત સ્વરનિયોજક બેલડી કલ્યાણજી-આણંદજીની સંગતમાં પણ સ્વરનિયોજન કર્યું. તેમના સ્વરનિયોજન હેઠળ દેશના સુવિખ્યાત પાર્શ્વગાયકો સ્વરસમ્રાજ્ઞાી લતા મંગેશકર, આશા ભોસલે અને મહમ્મદ રફી જેવા પ્રથમ પંક્તિનાં ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે.પુરુષોત્તમભાઈના પ્રેમાગ્રહને કારણે જ બેગમ અખ્તર જેવા નામી કલાકાર મરીઝની ગઝલ ગાવા તૈયાર થયા અને ગુજરાતી સંગીતને એક અમર કૃતિ મળી. આગવો મૂડ જેમની મૂડી હતી તેવા પી. યુ.એ ગુજરાતની સુગમ સંગીતની સમકાલીન- વર્તમાન પેઢી પર વ્હાલવરસાવી નવા કંઠને ઉછેરવાનું કામબખૂબી કર્યું. તેમની સાતત્યપૂર્ણ સંગીતયાત્રા અને અનન્ય પ્રદાનને પરિણામે ભારત સરકારે તેમને ૨૦૧૭માં પદ્મશ્રીથી નવાજ્યા હતા. સુ. દ. એમ કહેતા કે ''પુરુષોત્તમના કંઠમાં ઘીના દીવાનું અજવાળું છે અને મશાલની આંચ છે. જૂઈની નજાકત છે અને આગઝરતા ગુલમહોરની ખુમારીનો વૈભવ પણ છે.'' જેમને પાનખરની બીક નહોતી એવા પુરુષોત્તમ ગુજરાતી સુગમ સંગીતની શાશ્વત વસંત છે. સૂરોત્તમ પુરુષોત્તમ નામનું ગીત હમણાં જ ગાતા-ગાતા ખોવાયું છે, રાખના રમકડા રાખમાં ભળ્યા છે એટલે હવે મા મંદિરના બારણા ઉઘાડશે અને સ્વર્ગમાં પણ રંગલો જામશે.. પણ ગુજરાતી ભાવકોનાં હૈયાને દરબાર તો પુરુષોત્તમભાઈનો ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ હંમેશા અકબંધ રહેશે..
અંતે,
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
આજે માવડીનાં મિલનીયે જાગ્યું આ વિરાટ.. - અવિનાશ વ્યાસ