પુસ્તકોનું નગર...હે-ઓન-વાય.. .

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
પુસ્તકોનું નગર...હે-ઓન-વાય..                        . 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- અંગ્રેજીમાં છપાયેલા કોઈ પણ પુસ્તકની પ્રથમ આવૃત્તિ જોઈતી હોય તો હે- ઓન-વાયમાં અવશ્ય મળી જ જાય

પ શ્ચિમનાં ધનાઢય અને મોટા શહેરોમાં વિશાળ બુક સ્ટોર્સ જોવા મળે છે. લંડનમાં 'ફોઇલ્સ'ની બુકશોપ પ્રખ્યાત છે. લંડનનો વિખ્યાત 'વોટર સ્ટોન' બુક- સ્ટોર છએક માળનો છે. વોશિંગ્ટનમાં 'બાર્ન્સ એન્ડ નોબલ' નામનો મોટો બુક-સ્ટોર છે. આવા વિશાળ સ્ટોરમાં બધા પ્રકારની સુવિધાઓ હોય છે. પુસ્તકો માટે આવા મોટા સ્ટોર હવે ભારતમાં પણ બનવા લાગ્યા છે. આમ પુસ્તકો માટે મોટા બુક સ્ટોર્સ ઉભા કરીને પુસ્તકોનો મહિમા કરવો એ સારી વાત છે, પણ પુસ્તકોના સ્ટોર્સથી ઊભરાતું એક આખુંય નાનકડું ગામ હોય તે વિરલ ઘટના છે. ઇંગ્લેન્ડના વેલ્સ વિસ્તારમાં આવું એક ગામ છે  એ ગામનું નામ છે : 'હે-ઓન-વાય'. વેલ્સમાં વ્યવહાર અંગ્રેેજીમાં ચાલે પણ ત્યાંની પ્રજાને એની પોતીકી એવી 'વેલ્સ' બોલી પણ છે. પ્રજાને તેનું ગૌરવ પણ છે. આંતરિક વ્યવહારોમાં એ પ્રજા વેલ્સ ભાષા વાપરે. વાય નદી પર વસેલું હોવાને કારણે તેનું નામ પડયું હે- ઓન -વાય. હે- ઓન- વાયને પુસ્તક પ્રવાસન તરીકે વિકસાવી શકાય તેવો વિચાર ઓક્સફર્ડમાં ભણેલા એક તરંગી યુવાનને આવ્યો. આ યુવાનનું કુટુંબ વર્ષોથી હે-ઓન- વાય ગામમાં વસતું હતું. આદર્શવાદી એવો આ યુવાન એટલે રિચાર્ડ બુથ. ભણેલા- ગણેલા યુવાનો ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરે અને બ્રેઈન ડ્રેન થાય તે રિચાર્ડને ગમતું નહોતું. તેણે વિચાર્યું કે આમને આમ ચાલ્યું   તો ગામડા વધુ શુષ્ક, એકલવાયા, અવિકસિત થતા રહેશે અને શહેરો વધુ ગીચ, ગંદા અને ભરચક બનતા રહેશે. પોતાના ગામ અને પ્રકૃતિ પ્રત્યેના અનન્ય આકર્ષણને કારણે રિચાર્ડે ગામને સ્વનિર્ભર બનાવવા માટે યોજના કરવાનું શરુ કર્યું. એણે જોયું કે પોતાનું ગામ હે- ઓન- વાય બ્રિસ્ટોલ અને બર્મિંગહામની વચ્ચે આવેલું છે. વળી આયર્લેન્ડ જવાના મુખ્ય માર્ગ પર જ આ ગામ છે અને લંડનથી થોડુંક જ દૂર. આ બધા પરિબળોને જોતા તેણે વિચાર્યું કે કોઈ વિશિષ્ટ વસ્તુનો વ્યાપાર અહીં આકર્ષણ બની શકે તેમ છે. આ વિચારથી તેણે એક આગવો બુક સ્ટોર ઉભો કર્યો. ૧૯૬૨માં ખુલેલા આ બુક સ્ટોરનું નામ હતું 'હે સિનેમા બુક સ્ટોર'. રિચાર્ડે આ બુક સ્ટોર બંધ પડેલી સિનેમાની જગ્યા પર ઉભો કરેલો તેથી તેનું નામ 'હે સિનેમા' રાખેલું.  આ સ્ટોર મુખ્ય રસ્તા પર હોવાથી પ્રવાસીઓની ગાડીઓને ત્યાં ેબ્રેક લાગવાનું શરુ થયું અને રિચાર્ડની વિચારયાત્રા આગળ ચાલી. તેને થયું લોકોને પુસ્તકોનું આકર્ષણ તો છે જ એટલે આખા ગામને પુસ્તકોનાં ગામ તરીકે વિકસાવ્યું હોય તો કેવું?  થોડા સમય પછી રિચાર્ડે 'હે સિનેમા' બુક સ્ટોર લંડનના એક ધનવાન વેપારીને વેચી દીધો અને પોતે નવો બુક સ્ટોર ખોલ્યો અને તેનું નામ રાખ્યું 'રિચાર્ડ બુથ્સ બુક શોપ'. પોતાનો મોટો બુક સ્ટોર ખોલ્યા પછી રિચાર્ડની એવી ઈચ્છા હતી કે ગામમાં જુદા-જુદા વિષયનાં પુસ્તકઘર કમ સ્ટોર ઉભા થાય. નવા પુસ્તકઘર ઉભા કરવા માટે તેણે ગામમાં સૌને પ્રોત્સાહન આપ્યું. તેણે એવી શરત પણ મૂકી કે જે વ્યક્તિ કોઈ ચોક્કસ વિષયના પુસ્તકોનો બુકસ્ટોલ ખોલવા ઈચ્છે તે પહેલા સ્વયં તે પુસ્તકો વાંચે. પુસ્તકોની જાણકારી મેળવે અને જે-તે વિષયમાં નિપુણ થાય પછી જ તે પુસ્તકઘર કમ સ્ટોલ ખોલે. રિચાર્ડના પ્રોત્સાહન અને પ્રેરણાથી ગામમાં એક પછી એક પુસ્તક ઘર ખૂલવા લાગ્યા અને શરૂ થયું પુસ્તક પ્રવાસન. બાળકો માટે, વૃદ્ધો, મહિલાઓ માટે એમ ગામમાં એક પછી એક ઓગણચાલીસ જેટલા પુસ્તકઘર કમ સ્ટોર શરુ થયા. પુસ્તકઘરોના ગામનો વિચાર આપનાર રિચાર્ડ બુથનું સૂત્ર હતું. 'આખાય વિશ્વમાંથી પુસ્તકો ખરીદી લાવો ને પછી આખુંય વિશ્વ ખરીદી કરવા તમારે ત્યાં આવશે.' રિચાર્ડ બુથનો આ વિચાર સફળ નીવડયો. આખા ગામમાં શેરીએ -શેરીએ પુસ્તકો જ પુસ્તકો. રિચાર્ડે અને તેની પત્નીએ હે-ઓન- વાય કિલ્લામાં પણ પુસ્તક પ્રવાસન શરુ કર્યું અને શરુ થયો હે-ઓન-વાય ઉત્સવ. આજે પણ આ ઉત્સવ જૂન અને નવેમ્બર મહિનામાં ઉજવાય છે. વિશ્વભરનાં વાંચનરસિકો ત્યાં આવે છે અને પોતાને ગમતા પુસ્તકો વિશે વાત કરે છે. હવે તો હે- ઓન- વાય એટલું જાણીતું પ્રવાસન સ્થળ છે કે ત્યાં સારી હોટેલ્સ, મ્યુઝીક કાફે, આઈડીયા સેન્ટર જેવી સુવિધાઓ પણ વિકસી છે. 

હે-ઓન- વાયના બુકસ્ટોરવાળાઓ માત્ર પુસ્તક-વિક્રેતા નથી, તેઓ પુસ્તક ખરીદનાર પણ છે. કોઈ વ્યક્તિ જૂનું પુસ્તક કે પુસ્તકો લઇ આવે તો આ ગામનાં સ્ટોરવાળા તેને વાજબી ભાવે ખરીદી લે છે અને તે પુસ્તકને સરખું કરીને, સજાવીને પછી વેચાણમાં મૂકે છે. કોઈના ઘરે ઘણાં બધાં પુસ્તકો હોય તો તેને ઘરે કે બીજા ગામે જઈને પણ આવાં પુસ્તકો અહીંના સ્ટોરવાળા લઇ આવે છે. અંગ્રેજીમાં છપાયેલા કોઈ પણ પુસ્તકની પ્રથમ આવૃત્તિ જોઈતી હોય તો હે- ઓન-વાયમાં અવશ્ય મળી જ જાય. તેથી આજના યુવાનો આ ગામને મેજિકલ કિંગડમ ઓફ બુક્સ કહે છે.  આજે પણ ચાર લાખથી વધુ પુસ્તકો સાથે 'રિચાર્ડ બુથ્સ બુક શોપ' સેકન્ડહેન્ડ પુસ્તકોની આપ લે કરનાર વિશ્વનો સૌથી મોટો બુક સ્ટોર છે. પંદરસો લોકોની વસ્તી ધરાવતા ગામમાં દસ લાખ પુસ્તકો વસે છે. આજે ઘણા પત્રકારો હે-ઓન-વાયનાં વિક્રેતાઓને પૂછે છે કે ઓનલાઈન પ્લેટફોર્મ અને ઈ-બુક્સ આવ્યા પછી તમારું વેચાણ ઘટયું છે કે યથાવત છે? ત્યારે આ ગામનો પુસ્તકપ્રેમી વિક્રેતા જવાબ આપે છે કે 'ઈ-બુક્સ આવ્યા પછી પણ અમારું પુસ્તક વેચાણ યથાવત છે કારણ કે પુસ્તકોમાંથી આવતી શાહીની સુવાસ પણ યથાવત છે.'

અંતે, 

અત્યારની ક્ષણ જેટલી મૂલ્યવાન ચીજ બીજી કોઈ નથી.                      

- ગોથે 


Google NewsGoogle News