Get The App

ભારતીય જ્ઞાન પરંપરા....ગુરુકુલથી ભારતકુલ... .

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ભારતીય જ્ઞાન પરંપરા....ગુરુકુલથી ભારતકુલ...                       . 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

ચ રકમુનિ એકવાર સંશોધાનાર્થે વનમાં ફરી રહ્યા હતા. દરેક વનસ્પતિની સાધક-બાધક તપાસ કરી રહ્યા હતા. ત્યાં જ એમની નજર એક જુદા પ્રકારનાં ફૂલછોડ પર પડી. એકીશ્વાસે તેઓ એ તરફ ધસી ગયા. અચાનક પાસે જઈ ઊભા રહી ગયા. શિષ્યે પૂછ્યું,  'ગુરુવર્ય, કેમ અટકી ગયા ? તો મુનિએ કહ્યું કે, 'આ વનવગડો નથી પણ કોઈનું ખેતર છે. એના માલિકને પૂછ્યા વગર આપણાથી આ ફૂલને અડાય પણ નહીં. શિષ્ય કહે, 'તમે આ સંશોધન રાજાની આજ્ઞાથી અને લોકાહિતાર્થે કરો છો, વળી તમે રાજવૈદ્ય પણ છો. પણ મુનિ ટસના મસ ન થયા. અને કહ્યું કે, 'માલિકને પૂછ્યા વગર વસ્તુ લેવી એ ચોરી છે.' શિષ્ય કહે, 'માલિક તો છેક સાંજે આવશે.' તો મુનિ કહે કે, 'ભલે, આપણે સાંજ સુધી રાહ જોઈશું.' ચરકમુનિ આયુર્વેદના પિતા છે. એમની આ પ્રામાણિકતા જ એમને મહાન બનાવે છે. મહાન માણસો સખત પરિશ્રમી તો હોય છે જ સાથે સાથે માનવીય ગુણો પણ ભારોભાર ધરાવતા હોય છે.

કોરોનામાં આયુર્વેદની અજમાઈશ કારગત નીવડી એ આપણે જોયું જાણ્યું. આ મહામારીએ સાબિત કર્યું કે પ્રકૃતિને ભૂલ્યા એટલે કેવી મોટી કિંમત ચૂકવવી પડી ! જિંદગીથી વિશેષ કશું અનિવાર્ય નથી એ શીખવ્યું. માર્ક ટ્વેઈને કહ્યું છે કે 'ભારત માનવજાતિનું પારણું છે. ભાષાનું જન્મસ્થળ છે. ઈતિહાસની જનેતા છે. પરંપરાની દાદીમા છે. રીતરિવાજોની વડદાદી છે.' આ જ ધરતી પર ભારતીય સંસ્કૃતિનું પ્રવેશ દ્વાર રામાયણ સર્જાયું છે અને આસ્થાનું અજવાળું રામમંદિર પણ બંધાયું છે. આ ધરતી પર મહાભારતથી ભવ્ય ભારત સુધીની ઘટના ઘટી છે. એમાં આપણું નાગરિકત્વ પ્રગટાવવું પડશે. દિવાળીના દિવસો નજીક છે ત્યારે દેશમાં અજવાળું પ્રગટે એ માટે પણ સંકલ્પ લેવો પડશે. કાકા કાલેલકર સવાઈ ગુજરાતી હતા તો ગાંધીજી સવાઈ ભારતીય હતા. વિશ્વના મોટા ભાગના દેશે ગાંધીજીની ટપાલ ટિકિટ બહાર પાડી છે. લગભગ આ રેકોર્ડ છે. જો કે મૃત્યુ ટપાલ ટિકિટ બન્યા પછી પણ ગાંધી એકબીજાને જોડવાનું કામ કરતા રહ્યા છે. બસ એમના મોં પર સિક્કા જેવા કાળા ડાધ ન પડે એ એક ભારતીય તરીકે જોવાનું રહ્યું છે.

સ્વામી વિવેકાનંદ કહે છે કે, 'પ્રથમ 'માણસ' બનો પછી જુઓ કે બીજું બધું તમારી પાછળ દોડતું આવશે.'... વેદો કહે છે મજબૂત દેહવાળો, તંદુરસ્ત અને બુદ્ધિશાળી યુવક જ પરમાત્માને પામી શકે. અત્યારે ભારતવર્ષને જરૂર છે રાષ્ટ્રની નસોમાં એક નવ શક્તિના સંચારની... ફળની આસક્તિ રાખ્યા સિવાય કર્મશીલતા અપનાવો... કામ કરો. મોતની ઘડી સુધી કામ કરો. બધાં જ મહાન કાર્યોની પ્રગતિ ધીમી રહેવાની... ધૈર્યવાળો માણસ અંતે જીતે છે. જીવનમાં કુરકુરિયાંનાં ભસવાથી ડરી જશો નહીં. અત્યારે આપણે પાંચ-છ સિંહોની જરૂર છે પછી તો સેંકડો શિયાળિયાં પણ ઉત્તમ કામો કરી શકશે... શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી આખી જિંદગી પચ્યા વગર ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો મનુષ્ય ઘડનારા, જીવન ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવનમાં ઉતાર્યા હોય તો જે માણસે આખી લાયબ્રેરી ગોખી નાખી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો...

મોરારિબાપુ કહે છે કે 'શિક્ષણથી માણસને આંખ અને પાંખ મળે છે.' આંખ એટલે નવી દ્રષ્ટિ અને પાંખ એટલે નવી દિશા. ગુરુનું ચરણ એ શિષ્યનું શરણ છે. ગુરુનો હાથ એ શિષ્યનો સાથ છે. ગુરુનો કંઠ એ શિષ્યનું વૈકુંઠ છે. ગુરુનું મુખ એ શિષ્યનું સુખ છે અને ગુરુની આજ્ઞા એ શિષ્ય માટે વરદાન છે. ભારતીય જ્ઞાનપરંપરા ગુરુકુલથી ભારતકુલ સુધી વિસ્તરી છે. એના મહોત્સવ થવા જોઈએ અને ગ્રંથો લખવા જોઈએ. જ્યાં સુધી આપણને આપણા વૈભવી વારસાનું ગૌરવ નહીં હોય ત્યાં સુધી આપણે ગતિ-પ્રગતિ નહીં કરી શકીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શબ્દો સાથે વિરમું, 'ભારત વિશ્વની સૌથી પ્રાચીન પરંપરાનું ઘર છે. જે આખી દુનિયા માટે એક વિરલ વારસો છે. આપણા સાંસ્કૃતિક વારસાને પોતાના જીવનનો હિસ્સો બનાવીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ.'

અંતે....

ન ગમતું કામ આવતીકાલને બદલે આજે જ પૂર્ણ કરો. જેથી એ કામના ભારથી ભરેલા ૨૪ કલાક હળવા થઈ જાય અને કામ પતાવી દીધાના સંતોષના ૨૪ કલાક માણી શકો.

- બોબ ટોલબર્ટ


Google NewsGoogle News