Get The App

દેવભાષા સંસ્કૃતનો દુનિયામાં દબદબો... .

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
દેવભાષા સંસ્કૃતનો દુનિયામાં દબદબો...                          . 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

સં સ્કૃત એ બધી ભારતીય ભાષાઓની જનની છે.સંસ્કૃતે માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશી ભાષાઓને પણ પ્રભાવિત કરી છે. પર્શિયન, લેટિન, અંગ્રેજી અને શ્રીલંકા, નેપાળી અને આફ્રિકાના મૂળ લોકોની ભાષા, ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની ભાષાઓ પર પણ સંસ્કૃતનો પ્રભાવ છે. દુનિયા સાથે સંસ્કૃતનો નાતો સદીઓથી મદમાતો રહ્યો છે. દેવભાષાનો દબદબો એવો છે કે સદીઓ પહેલા યુરોપમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ શરુ થયો હતો. પશ્ચિમી વિશ્વમાં સંસ્કૃતનો અભ્યાસ સત્તરમી સદીમાં શરૂ થયો. આ સમયે ભર્તૃહરિની કેટલીક કવિતાઓનો એક પોર્ટુગીઝ દ્વારા અનુવાદ કરવામાં આવ્યો. અઢારમી સદીમાં નાથાની એલબ્રાસી હેલ્હેડે પારસી ભાષાંતરમાંથી 'વદવર્ણવસેતુ' નામની કાનૂની સંહિતાનો અનુવાદ કર્યો. વર્ષ ૧૭૮૫ માં, ચાર્લ્સવિલ્કિન્સે બનારસ રહી સંસ્કૃતનો અભ્યાસ કર્યો  અને શ્રીમદ ભગવદગીતાનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કર્યો. આ પ્રથમ ઘટના હતી જેમાં કોઈ સંસ્કૃત લખાણનો સીધો અનુવાદ કોઈ યુરોપિયન ભાષામાં કરવામાં આવ્યો હતો. સત્તરમી સદીના મધ્યમાં, હેનરિકરોથ નામના એક જર્મન જેસ્યુટ પાદરી આગ્રા આવ્યા અને મિશનરી કાર્ય માટે સંસ્કૃત શીખ્યા અને તેમણે સંસ્કૃત વ્યાકરણ પર એક પુસ્તક લખ્યું.ભારતમાં બ્રિટીશ શાસન આવ્યું અને ગવર્નર વોરેન હેસ્ટિંગ્સે બ્રિટિશ અધિકારીઓને વહીવટી અને કાયદાકીય દ્રષ્ટિકોણથી ભારતીયોના રીતરિવાજો અને ધાર્મિક માન્યતાઓને જાણવા માટે સંસ્કૃત શીખવા માટે પ્રેરિત કર્યા. પરિણામે વર્ષ ૧૭૮૪માં કલકત્તામાં 'એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ'ની સ્થાપના કરવામાં આવી. અંગ્રેજ અધિકારી વિલિયમ જોન્સને બ્રિટિશ સેટલમેન્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે તેઓ સંસ્કૃત શીખ્યા અને તેમણે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલમ અને મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તે જ સમયે ફ્રેન્ચ લેખક એન્ક્વેરિલડુપેરોન દ્વારા ઉપનિષદનો લેટિન અનુવાદ પ્રકાશિત થયો હતો. ઈ.સ.૧૮૧૦ સુધી ઈંગ્લેન્ડમાં સંસ્કૃત શિક્ષણની કોઈ વ્યવસ્થા નહોતી. ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત ૧૮૧૧માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષાના શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્કૃત શિક્ષણ માટે આ વ્યવસ્થા શરુ કરનાર કર્નલ જોસેફ બોડેન હતા. જે બોમ્બેમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનામાં લેફ્ટનન્ટ-કર્નલ હતા. નિવૃત્ત થયા પછી, તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતચેરની સ્થાપના માટે તેમની પચીસ હજાર પાઉન્ડ જેટલી સમગ્ર મિલકત, વસીયત કરી દાનમાં આપી દીધી હતી. તેમાંથી સંસ્કૃત ચેરની સ્થાપના થઇ તેથી ઓક્સફર્ડ યુનિવર્સિટીએ આ સંસ્કૃત ચેરને'બોડન ચેર' નામ આપ્યું છે. પરંતુ આ બોડેનચેરનો હેતુ સંસ્કૃતના પ્રચાર-પ્રસાર કરવા કરતા ભારતમાં ખ્રિસ્તી ધર્મની સ્થાપનાનો હતો. આ ચેર અંતર્ગત ઇંગ્લેન્ડના જે અધિકારીઓ સંસ્કૃત શીખે તેને સ્કોલરશીપ આપવામાં આવતી.  

સંસ્કૃતના મહિમાને સમજી, એક વૈજ્ઞાનિક ભાષા તરીકે સંસ્કૃતનો સ્વીકાર કરી આ ભાષા શીખવી જોઈએ તેવું માનવામાં જર્મનો સૌથી મોખરે છે. જર્મનીમાં વર્ષ ૧૮૦૦માં વિલિયમજૂસે પ્રખ્યાત પ્રાચીન ભારતીય કવિ કાલિદાસ દ્વારા લખાયેલ અભિજ્ઞાન શાકુંતલમનો જર્મન ભાષામાં અનુવાદ કર્યો. આ અનુવાદને કારણે જર્મનીનો મહાન કવિ ગેટે અભિજ્ઞાનશાકુન્તલને માથે મૂકી નાચી શક્યો હશે. અનુવાદોને લીધે જર્મન લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ વધ્યો. જર્મન ભાષાશાસ્ત્રીઓએ એ પણ શોધી કાઢયું કે લેટિન ભાષા અને સંસ્કૃત વચ્ચે ઘણી સામ્યતાઓ જોવા મળે છે.જર્મન સંસ્કૃત વિદ્વાન, વિલ્હેમહમ્બોલ્ટ અને ઓગસ્ટ સ્લેગેલે સાથે મળીને ભગવદગીતા પર જર્મન ભાષામાં ભાષ્ય પ્રકાશિત કર્યું. ત્રીજા પ્રસિદ્ધ જર્મન ફિલસૂફ આર્થરશોપનહોઅરે ઉપનિષદોને માનવ બુદ્ધિ અને 'ઉદાર માનવીય વિચારસરણી'નું સર્વશ્રે કાર્ય ગણાવ્યું હતું. તેમણે લખ્યું છે કે જીવનમાં તેમને ઉપનિષદો વાંચવાથી ખૂબ જ સંતોષ અને પ્રેરણા મળે છે. 'ઉપનિષદ એ મારા જીવનમાં આશ્વાસન છે અને મૃત્યુમાં પણ મારું આશ્વાસન હશે.' જર્મનીમાં ઘણા દાયકાઓથીઅનેક શૈક્ષણિક સંસ્થાઓમાં સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવે છે. હાઇડલબર્ગ યુનિવર્સિટી, લીપઝિગ યુનિવર્સિટી, હમ્બોલ્ટ યુનિવર્સિટી, બોન યુનિવર્સિટી જેવી ચૌદ યુનિવર્સિટીઝમાં આજે પણ સંસ્કૃત વિભાગ ચાલે છે અને તેમાં દેવભાષાનું અધ્યયન થાય છે. જર્મનીમાં સંસ્કૃત અને ઇન્ડોલોજી અભ્યાસક્રમોની ભારે માંગ બાદ સાઉથ એશિયા ઇન્સ્ટિટયૂટ ઓફ હેડલબર્ગ યુનિવર્સિટીએસ્વિટ્ઝર્લેન્ડ, ઇટાલી સહિત સ્પોકન સંસ્કૃતના વર્ગો શરુ કર્યા છે. દુનિયાભરમાં વિદેશીઓ સંસ્કૃત ભાષા શીખીને અનેક સંશોધનો કરી રહ્યા છે. હમણાં જ કેલિફોર્નિયા યુનિ.ના પ્રો.સ્ટેફની જેમીસને ગ્વેદ ગ્રંથનો ૧૦ વર્ષ અભ્યાસ કરીને તર્ક સાથે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે ઇટાલીની એક યુનિવર્સિટીના ૧૨ વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાથી એટલા અભિભૂત થઈ ગયા કે તેમણે તેમના નામ પણ સંસ્કૃતમાં રાખી દીધા છે.જર્મનીના સંશોધક ડા. એનેટીસચ્મીડેસેન વર્ષોથી ભારત રહે છે. ડો. એનેટી સંસ્કૃતમાં ધારાપ્રવાહ બોલી શકે છે અને સંશોધન પણ કરે છે. તેમની સંસ્કૃત સેવા માટે ભારત સરકારે તેમને વર્ષ ૨૦૧૫માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કર્યા છે. સંસ્કૃતમાં એમ કહેવાયું છે કે 'વસુધૈવકુટુમ્બકમ'અને તે સંસ્કૃત ભાષા માટે આજે સાચું પડતું દેખાય છે. 

અંતે, 

જ્ઞાનં ભાર: ક્રિયાં વિના 

ઉપયોગમાં આવ્યા વિનાનું જ્ઞાન ભાર સમાન છે.


Google NewsGoogle News