પ્રેમ ગલી અતિ સાંકરી, જા મેં દો ન સમાહી
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
- જો હૃદયમાં પ્રેમ છે તો એને વારંવાર કહેવાની જરૂર નથી. અંતર્યામી ભગવાન અંતરનો ભાવ જાણી લેશે. વાત સાચી છે, ભક્ત-ભગવાનની પ્રીતની વાત હોય ને ભગવાન ભક્તના અંતરનો ભાવ જાણે નહીં તો અંતર્યામી કેમ કહેવાય?
સ દીઓથી પ્રેમ જગતભરના સર્જકોનો પ્રિય વિષય રહ્યો છે. તમામ ભાષાઓમાં પ્રેમ પર પ્રચૂર લખાયું છે, અખૂટ લખાયું છે. પ્રેમ શાશ્વત છે એમ પ્રેમ વિશેનું સર્જન પણ શાશ્વત છે. વિવિધ કળાઓમાં પ્રેમ મ્હોર્યો છે, ખીલ્યો છે, ખૂલ્યો છે.
ઈશ્ક-એ-હકીકી (ઈશ્વરીય પ્રેમ) અને ઈશ્ક-એ-મજાજી (પ્રિયપાત્રને પ્રેમ) - એમ પ્રેમના બે પ્રકારો પાડવામાં આવ્યા છે. ઈશ્વર-પરમતત્ત્વ-પ્રકૃતિને પ્રેમનો પ્રકાર એટલે ઈશ્ક-એ-હકીકી. પ્રિયપાત્રને પ્રેમનો પ્રકાર એટલે ઈશ્ક-એ-મજાજી. કહે છે કે ઈશ્ક-એ-મજાજીથી જ સર્જકો ઈશ્ક-એ-હકીકીની મંજીલ હાંસલ કરી શકે છે. પ્રેમની અભિવ્યક્તિ વગર દુનિયાની એકેય ભાષામાં સાહિત્યસર્જન શક્ય નથી, પરંતુ ભારતના ભક્તિયુગના કવિઓની કલમમાં જે પ્રેમ ઝીલાયો છે એ અદ્વિતીય છે. અનન્ય છે. અદ્ભુત છે. ફારસી-ઉર્દુમાં જ્યારે ઈશ્ક-એ-હકીકી અને ઈશ્ક-એ-મજાજીનો 'પ્રેમપ્રકાર' હજુ આકાર પામી રહ્યો હતો ત્યારે ભક્તિયુગના કવિઓ ઈશ્ક-એ-હકીકીમાં ઓતપ્રોત થઈને કેટલુંય લખી ચૂક્યા હતા. તેમના માટે સ્નેહ અને સર્જનહાર ભિન્ન ન હતા.
જબ મૈં થા તબ હરિ ના હી. અબ હરિ હૈ મેં ના હી.
પ્રેમ ગલી અતિ સાંકરી, જા મેં દો ન સમાહી.
ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ કેવો હોય? રહસ્યવાદી મરમી કબીર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે એમાં ભક્ત અને ભગવાન જેવા બે પ્રકાર છે જ નહીં. હરિ હોય ત્યાં 'હુંપણું' ન હોય. ભગવાન હોય ત્યાં ભક્તની અલગ ઓળખ શક્ય જ નથી. એમાં એકાકાર જ થવાનું હોય. પ્રેમ ગલી એટલી સાંકળી છે કે બેના અસ્તિત્વનો સવાલ જ ઉઠતો નથી. આ જ કબીર લખે છે: જા ઘટ પ્રેમ ન સંચરે, સો ઘટ જાન મસાન! જેના હૃદયમાં પ્રેમનો સંચય થયો ન હોય એ હૃદય તો સ્મશાન જેવું છે.
કૃષ્ણભક્ત કવિ રહીમ પ્રેમની કાળજી રાખવાની સલાહ આપતા લખી નાખે છે: રહિમન ધાગા પ્રેમ કા મત તોડો છિટકાય, ટૂટે સે ફિર ન મિલે, મિલે ગાંઠ પરિજાય. પ્રેમનો તંતુ જેની સાથે સધાય હોય એને સાચવો. એને આક્રોશનો-ગુસ્સાનો, નારાજગીનો ઝટકો મારીને તોડી ન નાખો. કારણ કે જો એક વખત પ્રેમનો તંતુ તૂટયો તો જોડાતા સમય લાગશે ને જોડાઈ જશે પછીય દોરામાં ગાંઠ તો રહી જ જશે. રહીમ તો એટલે જ એક દોહામાં એવીય સલાહ આપે છે કે રૂઠે સજન મનાઈએ, જો રૂઠે સૌ બાર. રહિમન ફિરિ ફિરિ પરોઈએ, તૂટા મુક્તા હાર. જો તમારું પ્રિયપાત્ર નારાજ થયું હોય તો એને સૌ વખત પણ જરૂર પડે તો મનાવી લો ને પ્રેમના મોતીનો તૂટેલો હાર ફરી ફરીને પરોવી લો. રહીમ સુક્ષ્મ અર્થમાં એમ કહે છે કે ઈશ્વર સાથેની નારાજગી ઉત્કટ ભક્તિથી દૂર કરી દો. ઈશ્વરને મનાવી લો!
રૈદાસ પ્રેમની પ્રબળ લાગણીને વ્યક્ત કરે છે: રૈદાસ પ્રેમ નહીં છિપ સકઉં, લાખ છિપાએ કોય. પ્રેમ ન મુખ ખૌલે કભઉં, નૈન દેત હૈં રોય. પ્રેમને ગુપ્ત રાખવાની લાખ કોશિશ કરો, પ્રેમ છુપાવીને રાખી શકાતો નથી. મુખ તો એક શબ્દ ઉચ્ચારશે નહીં, પણ હા આંખ રડીને બધું બયાઓમ કરી દેશે.
પણ મલુકદાસ તો પ્રેમ વ્યક્ત કરવાની ના પાડતા લખી નાખે છે:
જો તેરે ઘટ પ્રેમ હૈ, તો કહી કહી ન સુનાવ.
અંતરજામી જાનિ હૈ, અંતરગત કા ભાવ
જો હૃદયમાં પ્રેમ છે તો એને વારંવાર કહેવાની જરૂર નથી. અંતર્યામી ભગવાન અંતરનો ભાવ જાણી લેશે. વાત સાચી છે, ભક્ત-ભગવાનની પ્રીતની વાત હોય ને ભગવાન ભક્તના અંતરનો ભાવ જાણે નહીં તો અંતર્યામી કેમ કહેવાય?
કૃષ્ણભક્ત કવિ રસખાન તો પ્રેમ અને હરિને એક જ જુએ છે: પ્રેમ હરિ કો રૂપ હૈ, ત્યોં હરિ પ્રેમ સ્વરૂપ. એક હોઈ દ્વૈં યો લસૈં, જ્યોં સૂરજ અરૂ ધૂપ. પ્રેમ અને હરિ બન્ને એ રીતે એક છે જેમ સૂર્યનારાયણ અને એની ઉર્જા એક છે. સૂર્યનારાયણ છે તો ઉર્જા છે. ઉર્જાનું અલગ અસ્તિત્વ નથી. એમ હરિ છે તો પ્રેમ છે. પ્રેમ અને હરિ બંને ભિન્ન નથી.
તુલસીદાસ તો રામ સાથે નેહડો બાંધવાની ભલામણ કરે છે: તુલસી સબ છલ છાઓમડિકૈ; કીજૈ રામ-સનેહ, અંતર પતિ સૌં હે કહાઓમ; જિન દેખી સબ દેહ. સઘળા છલ-કપટ છોડીને ભગવાન શ્રીરામને સ્વચ્છ હૃદયથી સ્નેહ કરો. જેમણે સૌ દેહોનું સર્જન કર્યુ છે એનાથી અંતર રાખીને શું કરશો?
અંતે
'કોઈનો ગહેરો પ્રેમ પામવાથી માણસને શક્તિ મળે છે, પરંતુ કોઈને ઘાટો પ્રેમ કરવાથી સામર્થ્ય વિકસે છે.'
- લાઓત્સે