પ્રજાસૂય યજ્ઞાના આચાર્ય વિનોબા ભાવે

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
પ્રજાસૂય યજ્ઞાના આચાર્ય વિનોબા ભાવે 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

વા ત છે ઈ. સ. ૧૯૧૬ની ૭મી જૂનની. હિમાલયની શાંતિ પ્રાપ્ત કરવા નીકળેલો એક વ્યક્તિ અમદાવાદના કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમમાં આવી પહોંચ્યો. તે વખતે મહાત્મા રસોડામાં હતા. શાક સમારતા હતા. આ યુવાન સાથે બાપુની મુલાકાત પણ ત્યાં જ ગોઠવાઈ. બાપુએ યુવાનને પડખે બેસાડી હાથમાં ચપ્પુ પકડાવીને કહ્યું 'લ્યો, આ શાકભાજી સમારો'. યુવાનના મનમાં પ્રશ્નો થયા કે આ મહાત્મા છે કે કોણ છે? મહાત્માના હાથમાં દંડ નહીં, કમંડળ નહીં અને છરી!! વિચારોમાં ને વિચારોમાં શાકના જાડા અને આડાઅવળા ટૂકડા થતા હતા. બાપુ પણ શાક સમારતા જાય અને વાત કરતા જાય. યુવાનના મનમાં તણખો ઝર્યો 'હશે, આચાર અને વિચારમાં એકરૂપતા તો છે!'. ઓછી વાતો 'ને વધારે  અનુભૂતિ વચ્ચે બેઠકમાંથી બંને ઉભા થયા ત્યારે વર્ષોથી એકમેકને ઓળખતા હોય તેમ પોતીકા બની ગયા. આ યુવાન એટલે મહારાષ્ટ્રથી આવેલ ૨૧ વર્ષનો વિનાયક ભાવે. વિનાયક હવે આશ્રમમાં રહી અને રોજબરોજનું કામ કરે. અનાજ દળે, વૃક્ષોને પાણી પાય, ખેતરમાં ખૂબ કામ કરે. આ બધું બાપુ જોયા કરે. બાપુને લાગ્યું કે આ યુવાનને કામ કરવાની ટેવ નથી છતાંય કરે છે એટલે એકવાર પૂછયું કે 'આવા શરીરે આવડી મહેનત કેવી રીતે કરો છો?' વિનાયકે ટૂંકો જવાબ આપ્યો 'બસ, સંકલ્પ બળથી!!' ત્યારથી બાપુનાં મનમાં રહેલા કાચા સૂતરના તાંતણા એકમેકમાં ગૂંથાઈ ગયા. આમ આ વિનાયક સ્વભાવે ખૂબ અતડો, કોઈની સાથે વાત કરે નહીં, એ ભલો ને એનું કામ ભલું. આશ્રમના બીજા સેવકોને એમ લાગે કે આ દુબળોપાતળો જુવાનિયો બહુ મહેનતુ છે. એક વાર સાંજના સમયે નિત્યકાર્ય પૂર્ણ કરી સાબરમતીના કિનારે રેતમાં બેસી, આથમતા સૂર્યને જોઈ, આ યુવાન વેદની ઋચાઓ અને ઉપનિષદના મંત્રો જોરજોરથી ગાવા લાગ્યો. એક યુવાન ટોળીને એનામાં ખૂબ રસ પડયો. 'કેવા સરસ ઉચ્ચારો!! કેટલું કંઠસ્થ'. આ યુવાન છોકરાઓ બીજે દિવસે આશ્રમમાં આવ્યા અને એક સેવક સામે વર્ણન કર્યું કે 'એક દૂબળો પાતળો ભાઈ મંત્રો સરસ ગાય છે, તેને મળવું છે, તેમની પાસે સંસ્કૃત શીખવું છે'. પેલા સેવકે યુવાનોની હાંસી ઉડાવી કહ્યું કે 'ભાઈ, એ તો મૂંગો છે. સંસ્કૃત તો શું કોઈ ભાષા બોલતો નથી'. પણ પેલા છોકરાઓની  જિજ્ઞાસાએ એ યુવાનને શોધી કાઢયો. એ સમયે તે યુવાન આશ્રમમાં કોદાળીથી ક્યારા વાળી રહ્યો હતો. છોકરાઓએ નમસ્કાર કરી વાત કરી અને ખૂબ વિનંતી કરી ત્યારે કોદાળીનું કામ પુરું કરી આ યુવાન એક ઝાડની નીચે બેસી સંસ્કૃતની બ્રહ્મવિદ્યાને ઉચ્ચરવા લાગ્યો. કૃષિકર્મ હવે ઋષિ કર્મ બન્યું. વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઇ એક ચિત્તે સાંભળવા લાગ્યા અને ધીરે-ધીરે તેની સુવાસ સારાય આશ્રમમાં પ્રસરવા લાગી. મૂંગો અને ગૂંગો કહેનાર આશ્રમવાસીઓ હવે કહેવા લાગ્યા 'આ તો આચાર્ય છે, મહર્ષિ છે'. બાપુને લાગ્યું કે આ નોખી માટીનો માણસ છે. તેનામાં સંતનું વૈરાગ્ય, દેશભક્તની દેશદાઝ અને ઋષિનું તેજ છે. એટલે બાપુએ કહ્યું જેમ મહારાષ્ટ્રમાં જ્ઞાનોબા, તુકોબા છે એમ આશ્રમમાં વિનોબા. આમ ગાંધીજી દ્વારા વિનાયક વિનોબા બન્યા. ગાંધીજીએ એક વખત એમના સાથી ઍન્ડ્રૂઝને કહેલું કે વિનોબા આશ્રમનાં દુર્લભ રત્નોમાંના એક છે. નાનપણથી જ અભંગનો વૈરાગ્ય મનમાં ને મનમાં ઘૂંટીને પાકો થઇ ગયેલો એટલે આજીવન બ્રહ્મચર્ય પાળવાના દસ વર્ષની ઉંમરે લીધેલા વ્રતને આજીવન પાળી શક્યા. થોડો વખત આશ્રમમાં રહી વિનોબા ગાંધીજીની રજા લઈ એક વર્ષ દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા વાઈની પ્રાજ્ઞા પાઠશાળામાં ગયા. ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્રો તથા શાંકરભાષ્ય, મનુસ્મૃતિ અને પાતંજલ યોગદર્શનનો અભ્યાસ કર્યો. પગે ચાલી ગીતા પર વ્યાખ્યાનો આપ્યાં અને વર્ષ પૂરું થતાં આશ્રમમાં પાછા ફર્યા. આઝાદીના આંદોલનમાં બાપુ સાથે રહી વિનોબાએ સત્યાગ્રહ કરી ત્રણ વાર જેલ ભોગવી. ૧૯૪૨માં 'ભારત છોડો' આંદોલન વખતે પણ વિનોબાની ધરપકડ થઈ. એમને તમિલનાડુની વેલોર જેલમાં રાખ્યા. ત્યાં એમણે તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાળમ એ દક્ષિણની ચાર ભાષાઓ શીખવાનું શરૂ કર્યું. પોતે ચૌદ ભાષાઓ શીખ્યા પછી પણ માતૃભાષાનો મહિમા કર્યો. વિનોબાનો પ્રજાસૂય યજ્ઞા એટલે ૧૯૫૧ની અઢારમી એપ્રિલે એમણે શરૂ કરેલું ભૂદાનયજ્ઞા આંદોલનનું કાર્ય. જીવનભરનાં રચનાત્મક કામો અને સાધનાના ટોચકળશરૂપ એ કાર્ય હતું. તેનું નિમિત્ત બની તેલંગણની સામ્યવાદીઓની નક્સલવાદી હિંસક પ્રવૃત્તિઓ. અઢારમી એપ્રિલે પ્રથમ ૧૦૦ એકર જમીન ગરીબોમાં વહેંચવા દાનમાં મળી અને બીજા દિવસથી ભૂદાનયજ્ઞા આંદોલન માટે વિનોબાની પદયાત્રા શરૂ થઈ, જે સતત ૧૪ વર્ષ ચાલી. તેને પરિણામે ૫૦ લાખ એકર જમીન ભૂદાનમાં મળી. તેમાંની ૩૨ લાખ એકર જમીનનું ગરીબોમાં વિતરણ થયું. પૃથ્વીની બે વખત પ્રદક્ષિણા થઈ શકે એટલી લાંબી વિનોબાની એ પદયાત્રા થઈ. આ યાત્રા કોઈ સામાન્ય યાત્રા નહોતી. આ યાત્રાથી ગાંધીવિચારનો એક સુવ્યવસ્થિત પિંડ બંધાયો. ચંબલના બહારવટિયાઓનું હૃદય-પરિવર્તન થયું. એમણે સંતને ચરણે શસ્ત્ર-સમર્પણ કરી સ્વેચ્છાએ સજા ભોગવી. ભૂદાનમાંથી ગ્રામદાન, જીવનદાન, સંપત્તિદાન, સર્વોદય-પાત્ર, શાંતિસેના વગેરે કાર્યક્રમો અસ્તિત્વમાં આવ્યા. ૧૯૮૨માં વિનોબા નશ્વર દેહ છોડીને ગયા છતાં આજે પણ પવનાર અને વર્ધાની ભૂમિમાં 'ઓમ તત્સત'નો નાદ સંભળાય છે ત્યારે લાગે છે કે વિનોબા અહીં જ છે.

અંતે 

હું ચોર હોઉં તો બુદ્ધના નયનમાંથી શાંતિ ચોરીને ભાગી જાઉં.- વિપિન પરીખ 


Google NewsGoogle News