Get The App

માનવીય મૂલ્યોનું મહાકાવ્ય : શ્રીમદ ભગવદગીતા

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
માનવીય મૂલ્યોનું મહાકાવ્ય : શ્રીમદ ભગવદગીતા 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- સંકટ સમયે કામ આવે તે પુસ્તક સાચું. ગીતા એ એવું પુસ્તક છે

શ્રી મદ ભગવદ ગીતા એક વૈશ્વિક ગ્રંથ છે. વિશ્વની અનેક ભાષાઓમાં ગીતાનો અનુવાદ થયો છે. ૧૮મી સદીમાં વોરનહેસ્ટીગેવિલ્કિનસ પાસે ભગવદ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો હતો. વોરનહેસ્ટીગ સમજતો હતો કે ભારતને સમજવું હોય તો ગીતાને સમજવી જ રહી. ગીતામાં માનવીય મૂલ્યોનું અદભુત નિરૂપણ છે. માનવતાનો કલ્યાણકર્તા માર્ગ પ્રશસ્ત કરવાનો અનુપમ માર્ગ ગીતા આપણને બતાવે છે. આજથી ૫૦૦૦ થી વધુ વર્ષ પૂર્વે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણે જગતની પ્રથમ કવિતા ગાઈ તે ગીતા. મૂલત: અધ્યાત્મિક ગ્રંથ તરીકે ઓળખાતી ગીતાએ જગતના અનેક મહાપુરુષોને જીવન ઉત્તમ બનાવવા માટે દિવ્ય સંદેશ આપેલ છે. મહાત્મા ગાંધીજીને શ્રીમદ ભગવદ ગીતામાં અખૂટ શ્રદ્ધા હતી. બાપુ પોતે તો શ્રીમદ ભગવદ ગીતાનો નિત્ય પાઠ કરતા જ હતા. સાથે-સાથે પોતાના સંપર્કમાં આવનાર સૌને બાપુ શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરવા અનુરોધ કરતા. માત્ર અનુરોધ જ નહિ, બાપુ સૌ પાસે વચન પણ માંગી લેતા કે તેઓ સૌ દૈનિક ગીતાનું પઠન કરશે. યરવડા જેલમાં અમદાવાદના નવયુવાન શંકરલાલ બેન્કરને ગાંધીજીએ ગીતાપાઠ માટે સંસ્કૃત શીખવ્યું હતું. બાપુએ શંકરલાલને કહ્યું હતું કે ''ગીતા એ એવું પુસ્તક છે કે જેનું રોજ ને રોજ અધ્યયન કરવા જેવું છે. એમાંથી તમને રોજે-રોજ નવાં સત્યો મળતા રહેશે. આપણે ઘણા બધા પુસ્તકો વાંચીએ છીએ પણ સંકટ સમયે એ બધા ઓછા કામ આવવાના હતા? સંકટ સમયે કામ આવે તે પુસ્તક સાચું. ગીતા એ એવું પુસ્તક છે.'' અન્ય એક જગ્યાએ ગાંધીજી લખે છે કે જયારે-જયારે મને સંકટ આવે છે ત્યારે હું ગીતામાતાનાં શરણે જાઉં છું''. શ્રી લોકમાન્ય ટીળકે પણ ગીતા રહસ્યમાં ગીતાને વ્યવહાર જીવનનું શાસ્ત્ર કહ્યું છે. શ્રી વિનોબા ભાવે એ પણ તેમના ગીતા પ્રવચનમાં જીવનના શાશ્વત સત્યને સમજવા ગીતા વાંચવી જ રહી તેમ કહ્યું છે. વિદુષી સંત વિમલા ઠકાર ગીતા માટે 'જીવનયોગ' શબ્દ પ્રયોજતા. હેન્રી ડેવિડ થોરો, ટી. એસ. ઇલિયટ, ફિલિપ ગ્લાસ અને ઈમર્સન જેવા વિશ્વના મહાન ચિંતકો ગીતા જ્ઞાનમાં ડૂબકી લગાવીને પ્રભાવિત થયા વિના રહી શક્યા નથી. 

ગીતા એ શાશ્વત તત્વચિંતન છે. તેથી જ ૫૦૦૦ ઉપરાંત વર્ષો પછી પણ જીવન સાથે જોડાયેલો ગ્રંથ છે. માનવીના જીવનરૂપી કુરુક્ષેત્ર મેદાનમાં પળ-પળનો સંગ્રામ ચાલ્યા કરે છે. આ આંતરિક લડાઈમાં સત્ય-અસત્ય-નીર-ક્ષીરનો વિવેક સમજાવવામાં ગીતા આપણી વ્હારે આવે છે. ગઈ સદીમાં મનોવિજ્ઞાની ફ્રોઈડની  દીકરી અન્નાફ્રોઈડના શિષ્ય એરિકસને પ્રથમ વખત જગતને 'ૈંગીહૌાઅભિૈજૈજદ જેવો શબ્દ આપ્યો. શ્રીમદ ભગવદ ગીતા આખરે છે શું? જીવનના મહાયુદ્ધમાં અર્જુનને ઉભી થયેલી સ્વ-ઓળખની કટોકટીનું નિવારણ શ્રીકૃષ્ણએ આપેલ જ્ઞાનને લીધે થયું. ત્યારે છેક અઢારમાં અધ્યાયના અંત ભાગે અર્જુનને સ્વધર્મનું ભાન થયું. પોતાની સાચી ઓળખ મળી અને તેની અસ્મિતાની પુન: પ્રાપ્તિ થઇ. વિચારકો એમ કહે છે કે ગીતાની વિચારયાત્રા એટલે સ્મૃતિલોપથી સ્મૃતિપ્રાપ્તિ સુધીની યોગયાત્રા. તેથી જ ગીતા એ તત્વજ્ઞાન અને ભારતીય અધ્યાત્મશાસ્ત્ર છે. જે સંપ્રદાય કે ધર્મના બંધનોથી પર છે. આજે નાની એવી નિષ્ફળતાથી જીવનને ટૂંકાવી દેનાર વિદ્યાર્થી ગીતા ભણશે તો અર્જુનના વિષાદયોગની અનુભૂતિ સારી રીતે કરી શકશે. તેને ગીતાનો એ શાશ્વત સંદેશ સમજાશે કે માત્ર કર્મ પર જ મારો અધિકાર છે, ફળ પર જરાય નહિ. પરિણામ એ પ્રાકૃતિક નિષ્પત્તિ છે તેને સ્વીકારવું જ રહ્યું તેમ માની, વાસ્તવદર્શી બની જીવનને આગળ ધપાવશે. 

વિશ્વનું શ્રેતમ સંવાદકાવ્ય ગીતા અંતે તો માનવકલ્યાણનું જ શાસ્ત્ર છે. યુદ્ધભૂમિ વચ્ચે પણ બુદ્ધ કેવી રીતે થઇ શકાય તે ગીતા આપણને સમજાવે છે. ગીતાના ૭૦૦ શ્લોકમાં માનવકલ્યાણની સુંગધ અનુભવાય છે. સાહિત્યિક દ્રષ્ટિએ પણ સુદ્રઢ અનુષ્ટુપ છંદમાં રચાયેલી ગીતા કાવ્યતત્વની વિશેષતાઓથી ભરપૂર છે. મમત્વને બદલે સમત્વનો સંદેશ આપતી ગીતા પાઠયક્રમમાં આવશે ત્યારે શ્લોકનું જ્ઞાન લોક સુધી પહોચશે. તાજેતરમાં જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શ્રીમદ ભગવદ ગીતાને પાઠયક્રમમાં દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય માટે સરકારને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. ગુજરાતના બાળકોને ગીત ગાતા ચલને બદલે ગીતા ગાતા ચલ કહી સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલનો પ્રારંભ કર્યો છે ત્યારે આ શરૂઆત શુકનિયાળ છે તેમ લાગે છે. 

અંતે, 

તું કૌરવ, તું પાંડવ : મનવા ! તું રાવણ, તું રામ !

હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ !

- સુરેશ દલાલ 


Google NewsGoogle News