રે આજ અષાઢ આયો... .

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
રે આજ અષાઢ આયો...                                         . 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

વરસાદ એ કોઇ મોસમી ઘટના નથી પણ મોસમનો આગવો 

મિજાજ છે.મીટરોલોજી એટલે કે હવામાનશાસ્ત્ર એમ કહે છે કે 'પ્રેડીકટીબીલીટી ઓફ મોનસુન ઈઝ ઈનપ્રેડીકટીબીલીટી' આપણે ત્યાં વરસાદ માટે કહેવત પણ છે કે આંસુ, સાસુ અને ચોમાસું ગમે ત્યારે વરસી પડે કઈ કહેવાય નહિ.  કવિવર ટાગોરને કોઈએ પૂછયું કે વર્ષાતુનો પ્રથમ વરસાદ પડે ત્યારે તમને શું લાગણી થાય છે? તો કવિવરે કહ્યું ''છત્રી વગર બહાર નીકળેલી કુંવારીકાનાં ગાલ ઉપરથી વર્ષાના બિંદુ તેને ચુંબન કરતા-કરતા ટપકે છે તે જોઈ મને મેહુલાની ઈર્ષ્યા આવે છે.'' વર અને વરસાદને લઈને અનેક કવિઓ અનરાધાર વરસ્યા છે. વ્હાલમ અને વરસાદની પ્રતીક્ષાનાં સુંદર કલ્પનોથી આપણી ભાષામાં સુંદર ગીતોનું મેઘધનુષ્ય રચાયું છે. આપણા કવિ અનિલ જોશીની આવી જ એક અષાઢી રચનામાં પહેલા વરસાદનો છાંટો નાયિકાને વાગે છે અને તે પાટો બંધાવા હાલી નીકળે છે ને એના જીવને ખાલી ચઢે છે. જીવને ખાલી ચઢવાની કલ્પના જ કેટલી રોમાંચક છે! તો વરસાદી ગીતોના કવિ તુષાર શુક્લ લખે છે કે, ''મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,એને વરસંતા લાગે છે વાર... પણ, વરસે ત્યારે અનરાધાર...!'' આ અનરાધાર એ માત્રાગત તો મહત્તમ છે જ પણ સાથે તેમાં સાતત્યનો પણ ભાવ છે. તેમાં અનંતની અભિવ્યક્તિ છે.

ચોમાસું એ કુદરતની પોએટ્રી જેવુ છે. એ વરસે છે ત્યારે મન ભરીને વરસે છે. વાદળ પોતે ખાલી થઇ જાય છે પણ આખી ધરતીને તૃપ્ત કરે છે. સભર કરે છે. પોતે ખાલી થઇ જવાય તો પણ બીજાના જીવનમાં રંગો ભરતા રહેવું અને વરસતું રહેવું તે ચોમાસાનો પોતીકો સ્વભાવ છે. પણ આજે કશાકની હોડમાં ને દોડમાં આપણે મોસમનો આ મિજાજ માણવાનું ચૂકી જઈએ છીએ. શહેરીજનો મોટેભાગે વરસાદન ેવધાવવાને બદલે ભૂવા પડયાની ફરિયાદો કરે છે. છાપાઓમાં અને ન્યુઝ ચેનલોમાં કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન પાણીમાં તેવી હેડલાઈન સાથે સમાચારો આવે છે. સરેરાશ અમદાવાદીઓ આ સમાચાર સાંભળીને જ બહુ વરસાદ આવ્યાની અનુભૂતિ કરે છે અને ૨ બીએચકે ફ્લેટમાં બેઠા-બેઠા વરસાદથી થતી હેરાનગતિનાં રોદણાં રડે છે. તેથી જ કવિ ભગવતી કુમાર શર્મા લખે છે કે: 

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઇ નહીં !

હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,એવું કાંઇ નહીં !

સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં વરસાદ પડે છે ત્યારે કોન્ક્રીટના નિર્જીવ કણો પણ જીવંત થઇ ઉઠે છે.પણ ટપટપ ટપકતા નેવલાનો નાદ ઈયર ફોન ભરાવેલાકાને ક્યાંથી સંભળાય? ફેસબુક અને વોટ્સએપના સતત નોટીફીકેશન વચ્ચે મોરનો ટહુકો હવે ક્યાંક ખોવાયો છે. હવે બાળકો મોટેભાગેવરસાદમાં નહાતા નથી. આજની અતિજાગૃત સુપર મમ્મીઓ માટે બાળકનું વરસાદમાં નહાવું એ ઘોર અપરાધ છે. એટલે નિશાળનો છૂટવાનો બેલ પડે અને તાકડે જ મેઘો વરસે, એમાં ન્હાતા-ન્હાતા ઘેર જવાનો વૈભવ આ પેઢી સદંતર ગુમાવી ચૂકી છે. આ પેઢીને હવે વરસાદનો એટલો રોમાંચ નથી. તેને વરસાદી વાતાવરણનો કેફ નથી ચઢતો અને એટલે જ વરસતા વરસાદમાં પણ એણે સિગરેટના કશથી કેફ મેળવવો પડે છે.આ માટે આપણી શિક્ષણ પદ્ધતિ પણ જવાબદાર ખરી. પર્યાવરણ જેવા વિષયમાં ૧૦૦ માંથી ૯૯ મેળવનાર બાળક ક્યારેય વરસાદમાં ન્હાયો ન હોય તેમ બને, તેણે એકેય વૃક્ષ ન વાવ્યું હોય તેમ પણ બને અને ક્યારેય ચકલીને દાણા ન નાખ્યા હોય એમ પણ બને. આવું બને ત્યારે નવી પેઢીની આપણને દયા આવે છે. વરસાદી વાતાવરણમાં વરસાદી પાણીમાં પોતાના જહાજ તરતા મૂકવાની જાહોજલાલી આ પેઢીએ માણી નથી. તેનું કારણ છે કે આજે પ્રિ- સ્કૂલમાં જ બાળકો ગાય છે. ''રેઇનરેઇન ગો અવે..લીટલ જ્હોની વોન્ટસ ટુ પ્લે''. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં રેઇનરેઇન ગો અવે ન ચાલે. જે દેશનું પ્રાથમિક ક્ષેત્ર કૃષિ હોય, દેશની ૫૦ ટકા જેટલી વસ્તી આ કૃષિ પર નભતી હોય અને લગભગ બધી ખેતી આકાશી હોય તે દેશમાં વરસાદનું મહાત્મ્ય આપણને ન સમજાય તે તો નવાઈ જ કહેવાય. આ માટે આપણા અભ્યાસક્રમોમાં પ્રત્યેક તુને વધાવવા માટેના ઉત્સવ હોવા જોઈએ. શાંતિ નિકેતનમાં ત્રણ ઉત્સવો ઉજવાય છે. તેનું નામ છે વર્ષા મંગલ, વસંતોત્સવ અને ગ્રીષ્મોત્સવ. આ ઉત્સવમાં પ્રત્યેક તુનાં વધામણા ગીત, સંગીત અને નૃત્યના સથવારે થાય છે. આવ રે વરસાદ અને કાલે મેધા કાલે મેધા પાની તો બરસા તેવા ગીતો ગવાય છે. આપણી પ્રાથમિક શાળાઓમાં લગભગ આવું કશું થતું નથી. એટલે યુવાનીમાં તેને  ક્યાંથી ખબર પડે કે ન્હાવા, પલળવા અને ભીંજાવા વચ્ચે શું ફેર છે? 

અંતે, 

રે આજ અષાઢ આયો !

મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

મેઘવીણાને કોમલ તારે 

મેલ્યાં વીજલ નૂર,

મેહુલાએ ત્યાં જલની ધારે 

રેલ્યા મલ્હાર સૂરત 

એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

બિરહમાં બાઢ લાયો...  રે આજ...

- નિરંજન ભગત 


Google NewsGoogle News