Get The App

આજ નવા રે દિવસને નવી રાત... નેજાળી ઊજવે નોરતા...

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
આજ નવા રે દિવસને નવી રાત... નેજાળી ઊજવે નોરતા... 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

પા રંપરિક ગરબામાં માતાજીની સ્તુતિ સાથે તત્વજ્ઞાાન અને દર્શનનો રંગ ભળે છે. ત્યારે એક સરસ ચંદરવો રચાય છે. એમાંય ચારણી સાહિત્યને કારણે ગુજરાતના ગરબા પરના આભલામાં સોનલ વરણા સૂરજનું અજવાળું ઝળકે છે. ચારણી આઈ પરંપરામાં મા સોનલમા થઈ ગયા. જૂનાગઢ પાસે કેશોદ સ્ટેશનથી નજીક મઢડા ગામ આવે. ત્યાં હમીરદાન ગઢવીને ત્યાં જન્મેલા સોનલમાં પ્રત્યે સમાજના અઢારે વર્ણનાં લોકો અનન્ય શ્રધ્ધા ધરાવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે આઈ સોનલ સાહિત્યનો ખજાનો હતા. અનેક દુહા, છંદ અને ચારણી પરંપરાનાં કાવ્યો-ચરજ તેમને કંઠસ્થ હતા. તેથીયે વિશેષ તેઓ પોતે પણ ઉત્તમ રચનાકાર હતા. ચારણી આઈ પરંપરામાં અનેક ઉત્તમ કવયિત્રીઓમાં માં સોનલને મૂકવા પડે તેવં  ગુણવત્તાપૂર્ણ સર્જન તેમણે કર્યું. ગોમંડળનાં ગલઢેરા હોય કે પછી હે ચારણી સુખકારણી હોય દરેકમાં તેમનું ઊંડું અધ્યાત્મદર્શન પ્રતિબિંબિત થાય છે. 'જગદંબા તારોવીંઝણો' રચના તો ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ રચનાઓમાં મૂકી શકાય તેટલી ઉત્તમ અને ગૂઢ છે. ઓછા સમયમાં જ આપણા હૈયે વસી જનાર યુવા પ્રતિભા હાર્દિક દવેએ આ રચના અદભુત રીતે ગાઈ છે. એ સાંભળીએ ત્યારે કોઠે-કોઠેદીવા થતા હોય એમ લાગે. આઈ સોનલમાં લખે છે કે....

માડી તે તો શેનો રે ગૂંથ્યો રે આવો રૂડોવીંઝણો...

માડી તે તો કેવો રે ગૂંથ્યો રે અનુપમ વીંઝણો...

માડી તારા વિંઝણલેઘૂમે છે બ્રહ્માંડ ચૌદ રે,

જગદંબા તારો વીંઝણો...

જગતજનની એવી માતા જગદંબા એ સર્જનરૂપી પવન ફૂંકીને આ વીંઝણો કાર્યરત કર્યો છે. આપણાં દેહમાં રાત-દિવસ શ્વાસનો વીંઝણો ચાલે છે તે શ્વાસનો અનુપમ વીંઝણો જગતકારિણી ભગવતી એ કેવી રીતે ગૂંથ્યો હશે એ આશ્ચર્ય માતા સોનબાઈ માં આ ચરજની પહેલી પંક્તિમાં વ્યક્ત કરે છે. આ વીંઝણા થકી ચૌદ બ્રહ્માંડ મતલબ કે સકળ લોકમાં જ્યાં-જ્યાં પણ જીવનની સંભાવના છે તે પ્રાણવાયુનાંમા જગદંબાએ ગૂંથેલા આ અનુપમ વીંઝણા થકી જ આ જગત ચાલે છે. આગળ માતા સોનબાઈ કહે છે કે, માડી તારા વિંઝણલે ત્રણે ગુણ જોને રમી રીયા....

માડી એમાં ભરત ચિતર છે બહુ રંગ રે...

જગદંબા તારો વીંઝણો....

અહીં માણસના શ્વાસમાં રમી રહેલાં સત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણો રમી રહ્યાં છે. આ વાત અતિ ગહન છે. ઈડા  નામક સૂર્યનાડી તમસનું, પિંગળા નામક ચંદ્રનાડી રજસનું અને સુષુમ્ણા એ સત્વનું પ્રતિનિધિત્વ કરે છે. પતંજલિના યોગસૂત્ર મુજબ માણસ સત્વશીલ વિચારો કરે છે કે કાર્ય કરે છે. ત્યારે તેનો શ્વાસ નાભિ સુધી, રાજસિક વિચારો કરે છે. ત્યારે હ્ય્દય સુધી અને તામસિક આચરણ સમયે શ્વાસ ફેફસા સુધી હોય છે. આગળ સોનલ આઈ કહે છે કે ''માડી એમાં ભરત ચિતર છે બહું રંગ રે....'' માણસ સત્વ, રજસ અને તમસનાં તાણા વાણાથી ગૂંથાયેલા વીંઝણામાં વણાયો છે. આ ત્રણ ગુણો માણસના વ્યક્તિત્વના અને વર્તનોના અનેક રંગો દેખાડે છે. આ વર્તનોનો સરવાળો એ આપણા જીવનનું ભરતકામ છે. બીજા અર્થમાં જોઈએ તો આ વિશાળે જગ વિસ્તરે માનવ, પશુ-પક્ષી અને વનસ્પતિ છે તે આ જગતનંત ભરતકામ છે. આગળ જતા સોનબાઈમાં કહે કે ''માડી તારા વિંઝણલે જડ ચેતન કાપડ ઝળહળે.'' આ વીંઝણો એ જડ અને ચેતનના કાપડ થકી બન્યો છે. જડ પથ્થર વચ્ચેથી ચેતન નદી વહે છે તે રીતે જે અમૂક સમય પછી જડ થઈ જવાનો છે એ દેહની વચ્ચે પ્રાણવાયુ વહે છે. જડતા અને ચૈતન્યનો સમન્વય આ શ્વાસનાવિંઝણામાં ભગવતી એ મૂક્યો છે. કબીર એક ભજનમાં કહે છે કે,

अष्ट कमल का चरखा बनाया, पांच तत्व की पूनी ।

नौ दस मास बुनन को लगे, मूरख मैली कीनी ।

चदरिया झीनी रे झीनी, राम नाम रस भीनी ।

આ જ વાત અહીં મા સોનલ સરળ શબ્દોમાં કહે છે.

માડી તારા વિંઝણલે ચાંદો સૂરજ ટાંકિયા,

માડી એમાં ઝળકે નક્ષત્ર મોતીડાની માળા રે, જગદંબા તારો વીંઝણો...

ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર સહિત બ્રહ્માંડ એ તમામ ગતિમાન, પ્રાણવાન અને વિકાસમાન છે. જ્યાં ગતિ છે ત્યાં શક્તિ છે. તે શક્તિ જગદંબાની મહાશક્તિનો અંશ છે. જ્યાં પ્રાણ છે ત્યાં ચેતના છે. આ ચેતના એ જગદંબાની પરમ ચેતનાનો અંશ છે. જ્યાં ચેતના છે ત્યાં વિકાસ છે, ત્યાં પ્રાણવાન અને શક્તિમાન ચેતનાની ઉર્ધ્વગતિ છે. આ ઉર્ધ્વગતિ એ જગદંબાની કૃપા છે. આ તમામ બ્રહ્માંડના તત્વો આપણને થાક્યા વિના કર્મ કરવાની પ્રેરણા આપે છે. જેની ચાલક બળ સ્વયં માતા હોય ત્યાં સતત પ્રગતિ રહેવાની !

માડી તારો વીંઝણલો અમીની ફોરમ ફોરતો,

માડી તારા વીંઝણલે અનોધારસને રૂપ રે,

આપણા ઋષિએ કહ્યું કે વયં અમૃતસ્ય પુત્રા. તમામ નાશવંત વસ્તુઓની વચ્ચે અમૃત આત્માની અમી ફોરમ આ શ્વાસના વિંઝણામાં ગુપ્ત રીતે પ્રસરેલી છે. આ સૃષ્ટિ અનોખા રસ અને રૂપથી ભરપૂર છે. અહીંયા વિવિધ ઋતુઓના, ભૂભાગોનાં, જળસ્ત્રોતોના રૂપ છે જ્યારે આ તમામ ભૌગોલિક બાબતો થકી માનવનાં માનસપટ પર ઉપસતા વિવિધ નવ રસ અહીંયા મૌજુદ છે. આ તમામ રૂપ અને રસ થકી સૃષ્ટિમાં વસતાં તમામ ચરાચર જીવો આત્માના અમીની ફોરમ થકી ફોરે છે. જ્યાં વાણીનાં સીમાડા પુરા થાય અને શબ્દની આવરદા આવી રહે તો પણ જેનો મહિમા ગાઈ ન શકાય તેવી આદ્યશક્તિને વંદન. એમનેમ જ કવિ કાગે નહિ ગાયું હોય કે સોનલમા આભ કપાળી...

અંતે, 

તન વ્યાધિ હરનતારનતરન, જળ થળ રૂપ જીણરોબણ્યો

 'કાગ' એક તૂટે નહિ, તાર એક અંબા તણો...

- કવિ દુલાભાયા  'કાગ'


Google NewsGoogle News