Get The App

આમાર કરો તોમાર બિના ગુરુદેવ ટાગોરનું કર્ણાવતી કનેક્શન..

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
આમાર કરો તોમાર બિના ગુરુદેવ ટાગોરનું કર્ણાવતી કનેક્શન.. 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

ગુ રુદેવ ટાગોર માત્ર કવિ નહીં કવિઓનાં પણ કવિ. આમ તો એમનું નામ રવીન્દ્રનાથ ઠાકુર પણ અંગ્રેજીમાં ટાગોર થઈ ગયું. વર્ષાગીતોને ગાનારા ગુરુદેવ સાતમી ઓગષ્ટે જ કાયમને માટે શાંતિનિકેતનની શાંતિમાં સ્થિર થઈ ગયેલા. બંગાળનો નિરક્ષર માણસ પણ ગુરુદેવના ગીતો ગાય અને એમના વિશે ખૂબ આદર ધરાવે. સાહિત્યમાં સૌ પ્રથમ નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય તરીકે એક વિશિષ્ટ પ્રતિભા તરીકે રવીન્દ્રનાથને  જે માનમરતબો પ્રાપ્ત થયો છે તે ભાગ્યે જ કોઈ બીજા સાહિત્યકારોને પ્રાપ્ત થયો છે. આમ તો ટાગોર અને શરદબાબુ બંને સમકાલીન. બંને મોટા સર્જકો. એકવાર શરદબાબુને કોઈએ કહ્યું કે તમે લોકપ્રિય તો છો પણ ટાગોર માટે પ્રજાને જેટલો આદરભાવ છે તેટલો તમારા કોઈ માટે નથી. ત્યારે ટાગોરની નવલકથા 'ગોરા'ને ૬૪ વાર વાંચનાર શરદબાબુએ સરસ જવાબ આપેલો કે 'હું તમારા માટે લખું છું જ્યારે ટાગોર મારા જેવા માટે લખે છે.' શરદબાબુને એ પાક્કી ખબર હતી કે પોતે ભલે બંગાળના જનગણમનનાં નાયક હોય પણ ટાગોર તો અધિનાયક છે. તેથી જ અંગ્રેજ સન્નારી મારજરી સાઈકસ કહે છે કે 'જગતભરમાં સૌથી વધુ જાણીતા ત્રણ હિંદીઓ એટલે ગાંધીજી, નહેરુ અને કવિવર ટાગોર.  બહુ ઓછા લોકો એમ જાણે છે કે ગુરુદેવ ટાગોરને અમદાવાદ એટલે કે કર્ણાવતી સાથે એક ઘનિષ્ઠ નાતો રહ્યો અને આ નાતો છેક સુધી મદમાતો રહ્યો. ગુરુદેવ તેમના જીવનકાળ દરમ્યાન સાત વખત અમદાવાદ આવેલા. ગુરુદેવ ટાગોર ૧૮૭૮માં ૧૭ વર્ષની ઉંમરે પહેલી વાર અમદાવાદ આવેલા અને શાહીબાગમાં શાહજહાંના મહેલમાં રોકાયા હતા. ત્યારે તેમના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ અમદાવાદમાં ડિસ્ટ્રિક્ટ જજ હતા અને આ મહેલમાં રહેતા હતા. અમદાવાદમાં એમણે ત્રણ કાવ્યગાથાઓ પ્રતિશોધ, અપ્સરાર પ્રેમ અને લીલા રચી હતી. જે પછીથી તેમના કાવ્યસંગ્રહ શૈશવસંગીતમાં પ્રગટ થઈ હતી. આ જ અમદાવાદ નગરમાં તેમણે પ્રથમ વખત તેમના બે ગીતો ગોલાપ બાલા અને નીરવ રજની સ્વરબધ્ધ કર્યા હતા અને રવીન્દ્ર સંગીતનો પહેલો તાર અહીં રણઝણ્યો હતો. તે સમયનાં માનચેસ્ટર ગણાતા આ જ શહેરમાં તેમને તેમની પ્રસિધ્ધ વાર્તા 'ક્ષુધિત પાષાણ'નું કથાવસ્તુ સુઝયું હતું. ગુરુદેવે પોતાની આ અમદાવાદી સ્મૃતિઓ વિશે જીવનસ્મૃતિ અને છેલેબેલામાં વિગતે લખ્યું છે. વર્ષ ૧૯૨૦માં તેઓ બીજી વાર અમદાવાદ આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૬ઠ્ઠા અધિવેશનમાં ભાગ લેવા તેઓ અમદાવાદ આવેલા. ગુજરાતી સાહિત્ય પરિષદનાં આ અધિવેશનમાં તેમને આમંત્રણની સાથે- સાથે ગાંધીજીનો ભલામણપત્ર પણ મોકલવામાં આવેલો. આ અધિવેશનમાં ગુજરાતી સાહિત્ય પરિષદે તેમને માનપત્ર આપેલું અને તેના પ્રત્યુત્તરમાં ગુરુદેવ ટાગોરે 'કન્સ્ટ્રક્શન વર્સિસ ક્રિએશન' પર અદભુત વ્યાખ્યાન પણ આપેલું. ૧૯૨૦થી ૧૯૩૦ સુધી જ્યારે-જ્યારે ટાગોર અમદાવાદ આવ્યા ત્યારે અંબાલાલ સારાભાઇનાં અતિથિ તરીકે તેમના રીટ્રીટ બંગલોમાં રહ્યા હતા. એક વખત તેઓ ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહ્યા હતા. ૧૯૨૦ની ત્રીજી એપ્રિલે તેમણે લાલદરવાજા ખાતેના મેદાનમાં આપેલ વ્યાખ્યાન 'મેસેજ ઓફ સ્પ્રિંંગ' ખૂબ વખણાયું હતું. આ જ દિવસોમાં તેમણે વિકટોરિયા ગાર્ડન ખાતે અમદાવાદનાં નગરશ્રેષ્ઠીઓ સાથે ભોજન લઈ ભજન, રાસ અને ગરબાનો આનંદ પણ માણ્યો હતો. વર્ષ ૧૯૨૨માં   ગુરુદેવ ત્રીજી વાર અમદાવાદ આવ્યા ત્યારે ગાંધીજી જેલમાં હતા. આ વખતે ગાંધીજીની ગેરહાજરીમાં તેમણે આશ્રમવાસીઓ સમક્ષ 'વુ ઈઝ મહાત્મા?' પર વ્યાખ્યાન આપ્યું હતું. જે યંગ ઈન્ડિયામાં પ્રકાશિત થયું હતું. ૧૯૨૩માં તેઓ ચોથી વખત અમદાવાદ આવ્યા હતા. આ સમયે ક્ષિતિમોહન સૈન, ગૌર ગોપાલ ઘોષ પણ સાથે આવ્યા હતા. આ વખતે ગુજરાત સાહિત્ય સભાએ તેમનું સન્માન કર્યું હતું.  ૧૯૩૦માં જ્યારે ગુરુદેવ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે ગાંધીજી સાથે બરોડાનો પ્રવાસ કર્યો હતો. આ જ સમયમાં તેઓ સાતમી અને છેલ્લી વાર અમદાવાદ આવ્યા હતા અને માંદગીમાં પટકાયા હતા.  અમદાવાદ સાથે આવો ઘનિષ્ઠ નાતો ધરાવનાર વિશ્વમાનવ રવીન્દ્રનાથની રચનાઓમાં હજારથી વધુ કાવ્યો, બે હજારથી વધુ ગીતો, સેંકડો ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો અને નિબંધોનો સમાવેશ થાય છે. પ્રકૃતિ અને મનુષ્યની અવિભાજ્ય એકતા એ રવીન્દ્રનાથના સર્જનમાં સવિશેષ પડઘાય છે.  કાકાસાહેબ કાલેલકર એમ કહેતા કે 'ગીતાંજલિ' ભારતીય સંત પરંપરાની કૃતિ હોઈ દરેક વિશ્વમાનવને એમ લાગે કે આ કવિતામાં તો અમારા હદયનું જ આબેહૂબ પ્રતિબિંબ પડે છે. ભારતીય હૃદયવાણીમાં જે કાંઇ સારરૂપ છે તે ગીતાંજલિમાં પડઘાય છે. સાદાઈ એ એમના ગીતોનું સૌથી વધુ આકર્ષક ઘરેણું છે. નિખાલસતા એ એમના ગીતોની સર્વોચ્ચ ભાવના છે અને સાર્વભૌમત્વ એ તેમના કાવ્યોનું વૈશિષ્ઠય છે. 

ટાગોર એટલે કલ્પનાનું કલ્પવૃક્ષ. નાદની મહાનદી. ટાગોર એટલે ગીતનો અખંડ દીવો અને ભારતીય કવિતાનું અજવાળું. તેમના મૃત્યુ સમયે નહેરુજીએ લખેલું 'ટાગોરને ફરી- ફરી વાંચવા એટલે રહી- રહીને કવિતાનાં હિમાલય તરફ જવું. જ્યાંથી ગંગાનો નિરંતર પ્રવાહ વહ્યા કરે છે.' ટાગોરની કવિતામાં ઋષિનું તપ છે. ટાગોરમાં તેજ છે, પ્રેરણા છે અને મીઠાશ છે. અંતરતમ વિકસિત કરીને મન મુકતપણે મહાલી શકે તેવી મોકળાશ છે. ટાગોરમાં વાંસળી, એકતારો અને જયભેરીનું મિલન છે. તેમની કવિતા એટલે પરમેશ્વર, પ્રકૃતિ અને પ્રણયનો ત્રિવેણી સંગમ. આવા કવિઓ દાયકે-દાયકે નથી પાકતા.. શતાબ્દીઓ પછી કોઈ શુકનવંતી ક્ષણે તે અવતરતા હોય છે. 

અંતે,

તાજમહાલ તો શહેનશાહનું થીજેલું આંસુ.. 

ગુરુદેવ ટાગોર 


Google NewsGoogle News