જિંદગીમાં કંઇક તો બદલાવ હોવો જોઈએ વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
- આશા એ એવું અત્તર છે કે જે સૂંઘવાથી મનુષ્યનું જીવન સત્તરથી સિત્તેર સુધી મઘ-મઘ થયા કરે છે
હમણાં જ એક વર્ષ પૂર્ણ થયું અને વિક્રમ સંવતનું નવું વર્ષ શરુ થયું. જ્યાં કંઈ પૂર્ણ થાય ત્યાં પૂર્ણવિરામ આવે છે. પુરું થાય છે ત્યાંથી કશુંક નવું શરૂ થાય છે. કશાકનો અંત અને કશાકનો પ્રારંભ અમસ્તા નથી હોતા. ઉપનિષદ કહે છે કે કશું અંત પામતું નથી. આ તો અનંતની લીલા છે. આ લીલા સતત ચાલ્યા કરે છે. કાળ નદીનાં પ્રવાહની જેમ સાતત્યની પ્રતીતિ આપે છે. જીવનમાં સતત વર્ષો ઉમેરાતા જાય છે પણ વર્ષોમાં જીવન ઉમેરાય છે ખરું? જીવનની આ સાતત્યપૂર્ણ ઘટમાળમાં કંઈક એવું છે જે મનુષ્યને જીવવા માટે પ્રેરે છે. જીવનમાં પ્રેરણા આપનાર આ ટોનિકનું નામ છે આશા - 'ર્લ્લૅી'.
સ્પેનિશમાં એક કહેવત છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આશા છે. ટાગોરે પણ લખ્યું છે કે 'પરમતત્ત્વને હજી પણ મનુષ્ય પર ભરોસો છે, શ્રદ્ધા છે એટલે જ તે નવા બાળકોને પૃથ્વી પર મોકલી રહ્યો છે.' ઈશ્વરની આ આશા ઠગારી ન નીવડે તે હેતુથી પણ મનુષ્યે આશાવાન અને શ્રદ્ધાવાન હોવું ઘટે. આશાને કારણે જ સમગ્ર સૃષ્ટિની ઘટમાળ ચાલ્યા કરતી હોય તેમ મને લાગે છે. વૃક્ષને નવી કૂંપળ ફૂટવાની આશા છે, ચકોરીને ચંદ્ર ઊગશે તેવી આશા છે; પાંદડું ઝાકળબિંદુને મળાશે તેવી આશા સેવીને લીલાશ સાચવીને બેઠું છે. ગમાણમાં બાંધેલી ગાયને કે ભેંસને તેનો માલિક હમણાં આવીને લીલોછમ ચારો નાખશે તેવી આશા છે. જેલમાં બંધ નેલ્સન મંડેલાને પોતે જેલમાંથી છૂટશે ત્યાં સુધી રંગભેદ દૂર થઈ ગયા હશે તેવી આશા હતી. સત્ય અને અહિંસાના ધારદાર શસ્ત્રથી અંગ્રેજોને ભારત છોડવા મજબૂર કરી શકાશે તેવી આશાએ મહાત્મા ગાંધી નામની વિરલ વિભૂતિની આપણને ભેટ આપી. મહાન વ્યક્તિઓની આશાઓ પૂર્ણ થવાને પરિણામે જગત પર મહાન ઘટનાઓએ આકાર લીધો છે. સાંજ પડે પછી સવાર થશે જ તેવી આશાને કારણે જ મનુષ્ય ઊંઘી શકે છે.
આશા અમર છે. સાહિત્યકૃતિઓમાં પણ આશાને કારણે કેટકેટલા પાત્રો અમર થઈ ગયા છે. રામાયણની શબરીની રામ દર્શનની આશ હોય કે પછી ધૂમકેતુના અલી કોચમેનની મરિયમના કાગળ માટેની આશ હોય. વિશ્વસાહિત્યની કૃતિઓમાં પણ આશા અનેરું તત્ત્વ છે. એમિલી ડિકન્સની એક કૃતિમાં તે કહે છે કે તે આવશે તેવી આશામાં હજીય મેં મારા દ્વાર ઉઘાડા રાખ્યા છે. કદાચ કાલે હું નહીં હોઉં તો પણ મારા દ્વાર હંમેશા તેના માટે ખુલ્લા રહેશે. પણ એવું બનશે નહીં કારણ કે હું આશાવાન વ્યક્તિ છું અને આશા અમર છે. આ જ વાતને આદિલ મનસૂરી વળી આ રીતે કહે છે;
રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે
આ એક જણ આવશેની આશામાં જ. આપણા કવિએ લખ્યું હશે કે-
કાગા સબ તન ખાઈયો
કે ચુનચુન ખાયો માંસ
દો નૈના મત ખાઈયો
મોહે પિયા મિલન કી આશ...
વિરહમાં સૌથી પ્રેરકતત્ત્વ આશા છે. આ આશા એક ભવમાં કેટકેટલા અનુભવ કરાવી જાય છે. જીવનમાં ગમતી વ્યક્તિનાં પ્રવેશથી જીવનનાં આંગણામાં રંગોળી પુરાય છે. એક નવી તાજગી અનુભવાય છે. વિરહી સ્થિતિમાં નવીનતા આવશે, દિવસો બદલાશે તેવું આશ્વાસન આપનાર એક માત્ર તારણ અને કારણ એ આશા છે. તેથી જ ગૌરાંગ ઠાકર કહે છે કે,
આ બધુ કેમ નવું લાગે છે,
કોઈ હૈયામાં ગયું લાગે છે.
બૌદ્ધ સાહિત્યમાં એક વિધાન છે કે જેમ એક પ્રકટેલો દીવો અન્ય દીવાને પ્રકટાવી શકે છે. તેમ આશાવાન મનુષ્ય પણ અન્યને આશાવાન બનાવી શકે છે. અંધારાની ઐસીતેસી કરીને આશાવાન વ્યક્તિ અંધારાને બેવડ વાળી બેવડો ઉજાસ પ્રકટાવી શકે છે. આવા જ કોઈ આશાવાન વ્યક્તિ માટે કવિએ કહ્યું છે કે;
એની પાસે એક જ અત્તર,
સૂંઘો એટલે ઉંમર સત્તર
આશા એ એવું અત્તર છે કે જે સૂંઘવાથી મનુષ્યનું જીવન સત્તરથી સિત્તેર સુધી મઘ-મઘ થયા કરે છે. સેમ્યુઅલ જોન્સન કહે છે કે 'જ્યાં આશા નથી ત્યાં પ્રયાસો પણ નથી.' આશાના આકાશમાં પ્રયાસોની પાંખ ફેલાવી ઉડવાથી મંજિલ મળી જાય છે. મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે 'મેં આશાવાદ કદી છોડયો નથી. જ્યારે આસપાસ ઘોર અંધકાર દેખાયો છે. એવે વખતે મારા હૃદયમાં આશાની જ્યોત ઝગમગાટ બળતી રહે છે.' આશાભર્યા ઉન્નત મસ્તકે જીવનને જીવી જાણવું એ સહજ ધર્મ બનવો જોઈએ. હેલન કેલર કહે છે કે તમારો ચહેરો સૂર્યનાં ઉજાસ તરફ રાખો તો તમને પડછાયો નહીં દેખાય. એક અભ્યાસનું તારણ પણ એવું છે કે આશાભર્યા લોકો વધુ લાંબુ-સ્વસ્થ જીવન જીવે છે. જાપાનની ઇકીગાઈ શૈલીમાં આશાનું અનેરું સ્થાન છે. આપણા નરસિંહે એમ જ નથી ગાયું કે 'આશાભર્યા તે અમે આવિયાં, ને મારે વાલે રમાડયા રાસ રે. આવેલ આશાભર્યા' જ્યાં આશા છે ત્યાં જીવન નંદનવન છે. નવા વર્ષે, નવી આશાઓ, નવા ઉમંગ સાથે નવી શરૂઆત કરીએ. આશા ઉપરનો આ લેખ તમને ગમ્યો હશે તેવી આશા છે!!
અંતે,
આમ તો જગમાં બધું કેવું સરસ બદલાય છે
આ નદી બદલાય છે પણ ક્યાં તરસ બદલાય છે
જિંદગીમાં કંઇક તો બદલાવ હોવો જોઈએ
વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે.
- કિરણસિંહ ચૌહાણ