કૈરોસ : કલાત્મક પ્રણયકથા : સમયનો શાશ્વત દસ્તાવેજ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
કૈરોસ : કલાત્મક પ્રણયકથા : સમયનો શાશ્વત દસ્તાવેજ 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

તા જેતરમાં જ ઈન્ટરનેશનલબુકર પ્રાઈઝ જાહેર થયા. આ વર્ષનું ઈન્ટરનેશનલ બુકરપ્રાઈઝ 'કૈરોસ' નવલકથાને આપવામાં આવ્યું છે. જે જર્મનીના પ્રસિદ્ધ લેખિકા જેની એર્પેનબેકની કસાયેલી કલમે લખવામાં આવ્યું છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ માઈકલ હોફમેન દ્વારા કરવામાં આવ્યો છે. બુકરપ્રાઈઝની સાથે ૫૦ હજાર પાઉન્ડ (લગભગ ૫૨ લાખ રૂપિયા)નું ઈનામ પણ આપવામાં આવે છે. આ રકમ જેની અને માઈકલ વચ્ચે સમાન ભાગેવહેંચવામાં આવશે. પણ અહીં મહત્વનો મુદ્દો એ છે કે જેનીની નવલકથા 'કૈરોસ'માં એવું તો શું છે જેના કારણે તેને બુકર આપવામાં આવ્યું.

ઈતિહાસના વળ અને વળાંકોથી પ્રભાવિત આ નવલકથા અદ્ધિતીય છે. દ્ધિતીય વિશ્વયુદ્ધને અંતે જર્મનીમાં વિનાશ વેરાયો. વિજેતા સત્તાઓએ જર્મનીને ૪ વિભાગમાં વહેંચ્યું. સોવિયેટ રશિયાના અંકુશ હેઠળના વિભાગમાંથી પૂર્વ જર્મનીનું રાજ્ય રચવામાં આવ્યું. સોવિયેટ રશિયાએ યુદ્ધ પછી તેના અંકુશ હેઠળના જર્મની સહિત પૂર્વ યુરોપમાં સામ્યવાદી સરકાર સ્થાપવાની શરૂઆત કરી. તેથી ઠંડા યુદ્ધનું વાતાવરણ સર્જાયું. એપ્રિલ, ૧૯૪૮થી મે, ૧૯૪૯ના સમય દરમિયાન 'બર્લિન કટોકટી' સર્જાઈ. છેવટે ૧૧ મે, ૧૯૪૯ને દિવસે સોવિયેટ સંઘે બર્લિનની નાકાબંધી ઉઠાવી લીધી. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૪૯ને દિવસે ત્રણે પશ્ચિમી સત્તાના અંકુશ હેઠળના જર્મન વિસ્તારોને જોડીને નવા બંધારણ હેઠળ જર્મન રાજ્ય 'ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની'ની સ્થાપના કરવામાં આવી અને લશ્કરી શાસનનો અંત આવ્યો. બીજી બાજુ પૂર્વ જર્મનીમાં સોવિયેટ સંઘે ૭ ઓક્ટોબર, ૧૯૪૯ને દિવસે નવા સામ્યવાદી બંધારણ હેઠળ જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક નામના નવા જર્મન રાજ્યની રચના કરીને સોવિયેટ લશ્કરી અંકુશના અંતની જાહેરાત કરી. ૧૯૬૧માં પૂર્વ જર્મની દ્વારા બર્લિનની દીવાલ બનાવવામાં આવી હતી, આ દીવાલને કારણે પૂર્વ અને પશ્ચિમ જર્મનીના જાણે બે ટુકડા થઈ ગયા. આ રીતે પોતાની માતૃભૂમિના ટુકડા થતા જોઈ જર્મનોને લાગતું હતું કે બર્લિનના હ્ય્દયના બે ભાગ ન થઈ ગયા હોય !! સામ્યવાદના પ્રભાવ અને જર્મનીની આ વિભાજીત સ્થિતિ એ જર્મનોના મનમાં આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. જર્મનીના વચ્ચોવચ પસાર થતી બર્લિનની આ આયર્ન કર્ટેન, જેન્નીએર્પેનબેકની ૨૦૨૪ ઈન્ટરનેશનલબુકરપ્રાઈઝ વિજેતા નવલકથા કૈરોસ માટે ફળદ્રુપ જમીન બની જાય છે.

કથાની નાયિકા ઓગણીસ વર્ષની છોકરી કૈથરીન છે અને નાયક ૫૦ વર્ષનો આધેડ હંસ છે. કૈથરીન અને હંસ પહેલી વાર અચાનક જ બસમાં મળે છે અને બંને વચ્ચે પહેલી નજરનો પ્રેમ થઈ જાય છે. હંસ પરણેલો છે કૈથરીન કુંવારી છે. બંનેને, પોતાના સંગીતના સમાન શોખ અને કલા પ્રત્યેના ચુંબકીય આકર્ષણથી 'મેડ ફોર ઈચ અધર' હોય તેમ લાગે છે. એક દિવસ અચાનક કૈથરીન એક સેક્સ સ્ટોરમાં જાય છે અને ભૂલ કરી બેસે છે. હંસ કૈથરીનનીઆ ભૂલને માફ કરી શકતો નથી અને બંનેના સંબંધો વચ્ચે તિરાડ પડે છે અને આ તિરાડ ઊંડી ખાઈમાં પરિવર્તિત થાય છે. ત્યાર પછીની કૈથરીન અને હંસની પ્રણય કથા દર્દનાક છે. અહીં જેનીએ એમ પણ બતાવ્યું છે કે ભૂલ એટલા માટે માફ ન થઈ કારણ કે કૈથરીન સ્ત્રી છે. વિકસિત દેશોમાં પણ જાતિગત માન્યતા કેટલી રૂઢ છે તે સંબંધોની બારીકીઓનું કલાત્મક વર્ણન કરીને લેખિકાએ સુંદર રીતે આખીયે કથાનું આલેખન કર્યું છે. આ નવલકથા એક દર્દનાક પ્રેમ કહાની હોવાની સાથો સાથ વ્યક્તિગત અને રાષ્ટ્રીય ઘટનાઓ, જર્મનીનો તત્કાલિન સમય અને તેની અસરોના તાણા વાણા સાથે ગૂંથાયેલ કલાત્મક વાર્તા છે. નવલકથાનું શીર્ષક કૈરોસ એ એક ગ્રીક શબ્દ છે - જેનો અર્થ થાય છે યોગ્ય સમય. ફ્રેંચ કલાકાર માર્ગ શેગોલનું એક વિધાન છે કાળ એટલે કાંઠા વિનાની નદી. એ વહી પણ જાય અને આસપાસની ઘટનાઓને ભીંજવી પણ જાય, તાણી પણ જાય. આ વિધાન આ નવલકથાના બેકગ્રાઉન્ડમાં પડઘાતું સંભળાય છે. લેખિકાની ભાષા અત્યંત સમૃદ્ધ અને લયસભર છે અને કેમ ન હોય ? કારણ કે લેખિકા જેની પોતે ઓપેરાહાઉસમાં નિર્દેશક છે. લાઘવયુક્ત વાક્યો એ જર્મન ભાષાની આગવી વિશેષતા છે અને તે વિશેષતા સારા અનુવાદક મળવાને કારણે અંગ્રેજીમાં પણ જળવાઈ રહી છે. વફાદારી સત્ય, પ્રેમ જેવા મૂલ્યો સમયની સાથે કેવા બદલાય છે તે દર્શાવવામાં લેખિકા બહુ સફળ રહ્યા છે. સંબંધોના ખંડેરની અંદર સ્મૃતિઓના પટારા ખોલીએ ત્યારે કેવી પીડા અનુભવાય છે ? માનવજાતને આશીર્વાદરૂપ એવી સ્મૃતિ જ્યારે અભિશાપ બની જાય છે ત્યારે પોતાના પાત્ર પર જે અસર થાય છે તે સમસંવેદનભાવક સુધી પહોચે તે માટે લખાયેલ સંવાદો કાબિલેદાદ છે. જર્મનીના જાસુસી તંત્રની સ્ટાસીફાઈલ્સથી લેખિકા વાર્તાને ઉઘાડ આપે છે. કાળચક્રનીકેડીએ ઈસ ૧૯૮૯માં બર્લિનની દીવાલ ધરાશાયી થાય છે ત્યારે જર્મનીમાં ફરીથી નવા યુગના મંડાણ થાય છે અને નવું જર્મની ઝંખે છે નવા માણસો ને... સમયની સાથે સોવિયેટ સામ્યવાદનો અસ્ત અને સ્વતંત્ર રીતે અંગ મરોડતું નવું જર્મની અહીં 'બીટવીન ધી લાઈન્સ' પણ અનુભવાય છે. એક વાક્યમાં નવલકથાનો સાર એ છે કે કોઈપણ સંબંધની કસોટી કાળ જ કરી શકે. શયદાની બે પંક્તિઓ યાદ આવે છે.

એ સમયની વાત છે જ્યારે સમય બદલાય છે,

શબ્દો એના એ જ એના અર્થો જુદા થાય છે.

અંતે,

પ્રેમ માણસને પારદર્શક બનાવે છે. - રુમી


Google NewsGoogle News