શબ્દોના સાથિયામાં અનુવાદની રંગોળી....
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
- દરેક અનુવાદ ભાષાંતર તો હોય જ, પરંતુ દરેક ભાષાંતર અનુવાદ હશે જ એમ ન કહી શકાય.
છે લ્લા કેટલાય સમયથી વૈશ્વિક સાહિત્યિક સમાજમાં જેની સૌથી વધુ ચર્ચા છે તે ચર્ચા પૈકીનો એક મુદ્દો તે અનુવાદની સમસ્યાઓ. આજ સુધી અનેક નોન-ઇંગ્લિશ લોકોને નોબેલ કે બુકરપ્રાઈઝ મળ્યા છે તેનો સઘળો શ્રેય અનુવાદને જ આપવો રહ્યો. અનુવાદ એ એક સેતુકાર્ય છે. જેનાથી એક ભાષાની સંસ્કૃતિની સુવાસ બીજી ભાષા સુધી, બીજા સમાજ સુધી, દેશ સુધી પહોચે છે. વસુધૈવકુટુંબકમ નામના વૃક્ષની એક ડાળી એટલે અનુવાદ. આ ડાળી પરથી તમે અલગ- અલગ ભાષામાં મહેકી શકો, ટહુકી શકો અને વિશ્વના અનેક લોકો સુધી પહોચી શકો. અનુવાદ એક સંસ્કૃત શબ્દ છે. તેનો શબ્દાર્થ છે પુન: કથન. તરજૂમો, રૂપાંતર અને 'ભાષાંતર' શબ્દ 'અનુવાદ'ના પર્યાય તરીકે પ્રયોજાય છે, પરંતુ 'ભાષાંતર' શબ્દ, કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉપર ભાર મૂકે છે. જયારે અનુવાદને મૂળ સાથે સંબંધ છે. ઉમાશંકર જોશી કહે છે કે 'ભાષાસાહિત્યમાં અનુવાદ એટલે મૂળની પાછળ પાછળ, મૂળને અનુસરીને બોલવું તે. 'અનુવાદ' શબ્દ ભાષાંતર કેવી રીતે થયું એની આંતરપ્રક્રિયા તરફ લક્ષ ખેંચે છે.'કૃતિની ભાષા પલટાય - 'ભાષાંતર' થાય એટલું જ પૂરતું નથી, મૂળ કૃતિનો જે અવાજ છે તે ઝિલાવો જોઈએ. દરેક અનુવાદ ભાષાંતર તો હોય જ, પરંતુ દરેક ભાષાંતર અનુવાદ હશે જ એમ ન કહી શકાય. ખરે જ, મૂળ ભાષામાં કલાકારની પ્રતિભાની જે મુદ્રા હોય છે તે બીજી ભાષામાં ઉપસાવવી શક્ય જ નથી. શક્ય એટલું જ કે મૂળ કલાકૃતિની વધુમાં વધુ નજીક એવી કૃતિ આપવી. અન્ય ભાષાની કલાકૃતિને સ્વભાષામાં ઉતારવા ઇચ્છનાર જેટલે અંશે મૂળ સર્જકનો 'સમાનધર્મા' બનવા પ્રયત્ન કરશે તેટલે અંશે મૂળ કવિના અવાજને અનુસરીને અનુવાદ આપવામાં તેને સફળતા મળશે.
અનુવાદ એક કળા છે. અલગ- અલગ ભાષાઓમાંથી વિભિન્ન ભાષાઓમાં અનુવાદ કરતી વખતે જે -તે શબ્દની અર્થછાયાની તપાસ કરવી પડે. શબ્દાર્થ, વાક્યાર્થ અને કૃતિના સાહિત્યાર્થની સમજ વિસ્તરતી જાય તેમ-તેમ અનુવાદ કળામાં નિખાર આવે છે. આમ તો અનુવાદ એક કષ્ટસાધક કાર્ય છે. તેથી જ નવલરામ શાસ્ત્રી કહે છે કે 'પૂર્ણ ગુણવત્તાવાળું તો ક્યાંથી, પણસારું કહેવાય એવું ભાષાંતર કરવું બહુ અઘરું છે. નવો ગ્રંથ લખવા કરતા પણ ભાષાંતર અઘરું છે'. સાહિત્યિક કૃતિઓના અનુવાદનો લઘુતમ સામાન્ય અવયવ એ છે કે અર્થ અને રસ બંને જળવાવો જોઈએ. ભાષા પોતે એક સંસ્કાર છે અને પ્રત્યેક ભાષાનો તે વિશિષ્ટ સંસ્કાર અને લય અનુવાદમાં ખરી રીતે વિલય પામે ત્યારે સારા અનુવાદો પ્રાપ્ત થાય છે. ભાષા એ સંસ્કૃતિનું પોત છે. તેથી સાહિત્યિક કૃતિના શબ્દશ: અનુવાદ થઇ શકતા નથી. તમે સતી શબ્દનો અંગ્રેજી અનુવાદ શું કરશો? અખંડ સૌભાગ્યવતીને વિદેશની કોઈ ભાષામાં શું કહેતા હશે? આ સિવાય કહેવતો અને રૂઢીપ્રયોગોના અનુવાદ કરવા પણ અત્યંત મુશ્કેલ હોય છે. કહેવત એ સાંસ્કૃતિક પરિવેશ લઈને જન્મે છે. તેથી તેનો અનુવાદ કરવાને બદલે તેનું રૂપાંતર કે અનુસર્જન કરવું જોઈએ. કવિતાના અનુવાદમાં આમ કરવાની સવિશેષ જરૂર ઉદભવે છે. કવિતામાં પ્રત્યેક કવિનો આગવો લય, આગવી અભિવ્યક્તિ અને આગવી ઓળખ હોય છે. તમે એક પદ જુઓ અને કવિનું નામ ખબર ન હોય તો પણ તરત જ તમે ધારી શકશો કે આ મીરાનું પદ છે, આ નરસિંહનું છે કે પછી પ્રેમાનંદનું છે. આ જ રીતે નર્મદ, બ. ક. ઠાકોર, સુન્દરમ કે સુરેશ જોશી તેમની આગવી શૈલીને કારણે, નોખી અભિવ્યક્તિને કારણે ખ્યાત છે. અનુવાદક માટે સૌથી કપરું કાર્ય છે આ ભિન્નતાનો અનુવાદ કેવી રીતે કરવો. કાલિદાસ કૃત 'અભિજ્ઞાાનશાકુન્તલ'નો જર્મન સહિતની અનેક વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે. પરંતુ તેમાં મંદાક્રાન્તાની છટા કે સૌન્દર્ય ઉતર્યું છે ખરું? અનુવાદકને મુશ્કેલી એ થાય કે એ મંદાક્રાન્તાનું મીટર જાળવવા જાય ત્યાં કાવ્યના મૂળતત્વનું સૌન્દર્ય ચાલ્યું જાય. વાસ્તવમાં આ ટહુકાનો તરજૂમો કરવા જેવી વાત છે. જનાન્તિકેનો અંગ્રેજી અનુવાદ સુ. જો.નાઆગવા મિજાજ અને કૃતિની આબોહવાને પામી શકે ત્યારે તે અનુવાદ સાર્થક ગણાય. સાહિત્યિક કૃતિઓના અનુવાદ સંદર્ભે બીજો એક મોટો પડકાર એ છે કે મૂળ કૃતિના સર્જન વખતે સર્જકને જે અનુભૂતિ થઇ છે તેનાથી દસમા ભાગની અનુભૂતિ પણ અનુવાદકને થાય છે ખરી? ક્રોંચના પ્રસંગમાંથી એક મૃત્યુ થયેલું જોઇને વાલ્મીકીના ચિત્તમાં જે સંવેદનાઓ જાગી તે સંવેદનાને કારણે રામાયણ રચાયું. અનુવાદક આવું સમસંવેદન અનુભવી શકે ત્યારે અનુવાદ મૂળકૃતિને લગોલગ આવીને ઉભો રહે છે. અનુવાદ સામેના આ બધા પડકારોની વચ્ચે ગેટે કહે છે તેમ 'ભાષાંતર ભલે અપૂરતું કહેવાય, પરંતુ પ્રજાઓ વચ્ચે સંવ્યવહાર અર્થે એ એક અતિમહત્વની અને આદરણીય પ્રવૃત્તિ છે.' રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ અન્વયે અનુવાદ માટે ભારત સરકાર એક રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ સત્વરે ક્રિયામાં અનુવાદિત થાય તો શબ્દોના સાથિયામાં અનુવાદની રંગોળી પુરાશે. ભારતીય ભાષાઓમાં રચાયેલી કૃતિઓનો સુંદર અને સત્વરે અનુવાદ શક્ય બનશે અને આપણી સાહિત્યિક કૃતિઓને વિશ્વ ગગનમાં વિહરવા માટે આંખ અને પાંખ મળશે.
અંતે,
ઘણી વાર અનુયાયીઓ આપીને ઈશ્વર તમને સજા આપે છે.
- ઇઝરાયલી કહેવત